|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ કચ્છમાંથી લાકડાં ભરીને જતા વાહનોના ટ્રાન્ઝીટ પાસ (વાહતુક પાસ)માં સિક્કા કરી નોંધ કરી આપવા માટે વન તંત્રના ભ્રષ્ટ કર્મચારીઓ એકસો રૂપિયાથી લઈ એક હજારના ઊઘરાણાં કરતાં હોવાની વ્યાપક ફરિયાદો છે. આ ફરિયાદોને અનુલક્ષીને એન્ટી કરપ્શન બ્યૂરૉએ વન ખાતાની સૂરજબારી ચેકપોસ્ટ પર એક વ્યક્તિને સામેથી મોકલીને, વચેટિયા વતી સો રૂપિયાની લાંચ લેતાં વનરક્ષકને ઝડપી પાડ્યો છે. જામનસા ઓસામણ સૈયદ (રહે બુઢારમોરા, અંજાર) નામના વચેટિયા વતી ૧૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી સ્વિકારતાં હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી નામના વનરક્ષકને રંગેહાથ ઝડપી પાડ્યો છે. હરેશ ચૌધરી વન વિભાગની ભચાઉ નોર્મલ રેન્જમાં નોકરી કરે છે. ગાંધીધામ એસીબી પીઆઈ એચ.વી.ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટીપી પાસ ઈસ્યૂ કરવાથી લઈ તેમાં સહી સિક્કા કરવા મુદ્દે અનેકવાર જંગલખાતાંના લાંચખાઊં કર્મચારી અધિકારીઓ પકડાઈ ચૂકેલાં છે.
Share it on
|