કચ્છખબરડૉટકોમ, અમદાવાદ (મૌલિક પટેલ) અમદાવાદના ચાંદખેડામાં રહેતા ૩૦ વર્ષિય ફિલ્મ પ્રોડ્યુસર પૃથ્વી સંદિપકુમાર પરીખને બે વર્ષ અગાઉ કરેલા પ્રેમલગ્નની અદાવતમાં ભુજના યુવકે ગોળી મારી પતાવી દેવાની ફોન પર ધમકી આપી છે. બે મહિના જૂના બનાવમાં ચાંદખેડા પોલીસે તપાસ કરીને ભુજના બહાદુરસિંહ જાડેજા નામના યુવક સામે ગત રાત્રે ગુનો નોંધ્યો છે. ફરિયાદી સંદિપ પરીખે જણાવ્યું કે ગત ૧૫ જૂનની મધરાત્રે ૧ વાગ્યે તેમના પુત્ર પૃથ્વીને બે અલગ અલગ અજાણ્યા નંબર પરથી ફોન આવેલા. તે સમયે પૃથ્વી ફિલ્મ પ્રોડક્શનના કામ અર્થે પંજાબના ચંદિગઢમાં હતો.
ફોન કરનારે પૃથ્વીને જણાવ્યું હતું કે ‘તેં બે વર્ષ અગાઉ પ્રણાલી જૈન જોડે પ્રેમ લગ્ન કરીને ખોટું કામ કર્યું છે, હું ચંદીગઢ આવી તને ગોળી મારી જાનથી મારી નાખીશ’
ત્યારબાદ અન્ય એક નંબર પરથી ફરિયાદી તથા અન્ય સંબંધીઓને મેસેજ આવવા માંડ્યા હતા. આ મામલે ફરિયાદીએ ચાંદખેડા પોલીસ મથકે અરજી આપેલી. પોલીસે તપાસ કરતાં એક મોબાઈલ નંબર અમદાવાદના યથાર્થ ભટ્ટ નામના યુવકનો હોવાનું સ્પષ્ટ થયેલું. પોલીસે યથાર્થને બોલાવીને તેનું નિવેદન નોંધતા યથાર્થે તેના મિત્ર બહાદુરસિંહે ૧૫ જૂનની મધરાત્રે ૧ વાગ્યે તેનો ફોન લઈને પૃથ્વીને મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share it on
|