કચ્છખબરડૉટકોમ, ડેસ્કઃ સસ્તું સોનુ આપવાના બહાને કચ્છના ઠગે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતા યુવક જોડે ૫૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. બનાવ અંગે મંદસૌર જિલ્લાના મલ્હારગઢ પોલીસ મથકે રવિ નામના યુવકે નિંગાળના અઝીમ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ૩૮ વર્ષિય રવિએ જણાવ્યું કે અગાઉ તે મલ્હારગઢમાં માર્કેટીંગની નોકરી કરતો હતો અને ભાડાના મકાનમાં અન્ય બે મિત્રો દેવેન્દ્ર તથા નીતિન જોડે રહેતો હતો. જૂલાઈ ૨૦૨૩માં મલ્હારગઢ બસ સ્ટેશનમાં મિત્રો જોડે ચા પીવા ગયેલો ત્યાં અઝીમ જોડે પરિચય થયેલો. પરિચય મિત્રતામાં ફેરવાયો હતો અને તેઓ અવારનવાર અઝીમને મળતાં હતાં. એકાદ માસ બાદ અઝીમે રવિને સલાહ આપેલી કે માર્કેટીંગની નોકરી છોડીને મારી જેમ કચ્છથી સસ્તામાં સોનુ ખરીદી લાવીને અહીંના સોનીઓને વેચીશ તો મોટો ફાયદો થશે.
અઝીમે તેને ૫૭ લાખમાં એક કિલો સોનુ ખરીદીને ૬૦ લાખના માર્કેટ રેટ પર વેચીને કિલોએ ત્રણ લાખ રૂપિયા કમાવી લેવા લાલચ આપી હતી.
તેની વાતોમાં આવી જઈને રવિએ મિત્રો પરિચિતો પાસેથી ઉછીના રૂપિયા મેળવીને ૫૭ લાખ રૂપિયા એકઠાં કર્યાં હતાં. અઝીમે માલ ખરીદવા માટે ભુજ જવું પડશે તેમ કહેતાં રવિએ મિત્ર દેવેન્દ્રને સાથે લઈને અઝીમ જોડે ભુજ આવેલો. અઝીમે ભુજમાં શ્યામ હોટેલમાં ઉતારો અપાવેલો અને સોનુ લઈ આવવાના બહાને ૫૭ લાખ રૂપિયા લઈ ગયો હતો. જો કે, સોનુ મળ્યું નહોતું. અઝીમ કોઈને કોઈ બહાના કરીને દિવસો પસાર કરતો હતો.
આઠ દિવસ વીત્યાં બાદ રવિએ નાણાં પાછાં માંગતા અઝીમે તેને મલ્હારગઢ પાછાં જવાનું સૂચન કરીને થોડાંક દિવસમાં ગોલ્ડની ડિલિવરી મળે એટલે ગોલ્ડ લઈ પોતે મલ્હારગઢ આપી જશે તેવી ખાતરી આપી હતી. જો કે, ના સોનુ મળેલું કે ના પરત નાણાં.
અઝીમ વાયદા કર્યા કરતો અને રવિ તેના પર ભરોસો કરીને દિવસો પસાર કરતો. આમને આમ પોણા બે વર્ષ વીતી ગયા હતાં. રવિ અવારનવાર ભુજ પણ આંટો મારી ગયો હતો પરંતુ દર વખતે પોકળ વાયદો લઈને પરત જતો હતો. અઝીમે તેનું પોત પ્રકાશીને હવે ફરી ફરી રૂપિયા કે સોનુ નહીં માંગવાનું કહીને તેને મારી નાખવાની ધમકી આપ્યાં બાદ રવિએ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|