કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ ૨૩.૭૧ લાખના મૂલ્યનું રાઈસ બ્રાન ઓઈલ ભરેલું આખું ટેન્કર નિયત સ્થળે મોકલવાના બદલે બારોબાર બીજે મોકલી માલ વેચી મારી ઠગાઈ કરવાના ગુનામાં મહારાષ્ટ્ર પોલીસે અંજાર-ગાંધીધામની ગેંગની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે અને આરોપીઓ અગાઉ પણ આ પ્રકારે આંતરરાજ્ય ઠગાઈ આચરી ચૂક્યાં હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના રાવણ વાડી પોલીસ સ્ટેશનમાં ગત જાન્યુઆરી માસમાં પારિજાત ઓઈલ મીલ નામથી ખાદ્ય તેલોનો વેપાર કરતાં ગુરમિતસિંઘ ભુલ્લરે ફરિયાદ નોંધાવી હતી કે તેણે મધ્ય પ્રદેશના રાયપુરની રાહુલ ટેન્કર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે GJ-12 AZ-2295 નામના ટેન્કરમાં ૨૩.૭૧ લાખનું રાઈસ બ્રાન ઓઈલ ભરીને મધ્ય પ્રદેશના મુરૈનાની પેઢીમાં મોકલ્યું હતું. પરંતુ, ટેન્કર નિયત સ્થળે પહોંચ્યું જ નહોતું અને ગૂમ થઈ ગયેલું.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝીણવટભરી તપાસ કરતાં અંજાર-ગાંધીધામના ૬ શખ્સોએ પૂર્વઆયોજીત ષડયંત્ર ઘડીને આ ટેન્કરની નંબર પ્લેટ બદલી તથા બોગસ બિલ્ટી સહિતના આધારો તૈયાર કરીને માલ જૂનાગઢના વેપારીને બારોબાર વેચી માર્યો હતો.
આ ગુનામાં મહારાષ્ટ્ર પોલીસે વરસામેડીમાં રહેતા લક્કીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (૩૬), રાજેશ અશોકભાઈ લિંબાચીયા (૨૮, ગાંધીધામ), મહેન્દ્રકુમાર મકવાણા (૪૩, કમાલપુર ગામ, રાધનપુર), કલ્યાણ તાતારાવ સૌરભ (૨૮, આદિપુર), સંજય હજારીલાલ માવર (૩૬, વરસામેડી), મુકેશ વિઠ્ઠલભાઈ ચોવટીયા (૪૭, અંજાર) અને માધુભાઈ ભીખાભાઈ ચોવટીયા (૬૦, જૂનાગઢ)ની ધરપકડ કરી છે.
ઈન્ટરસ્ટેટ ગેંગએ અગાઉ પણ ફ્રોડ આચર્યાં છે
રાવણ વાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પુરુષોત્તમ આહેરકરે જણાવ્યું કે આરોપીઓને રીમાન્ડ પર લીધાં છે. પ્રાથમિક પૂછપરછમાં તેમણે આ જ મોડસ ઓપરેન્ડીથી અગાઉ બેતુલ (મધ્યપ્રદેશ), ટોંક (રાજસ્થાન) અને બનાસકાંઠાની તેલની પેઢીઓ સાથે ઠગાઈ આચરેલી છે. પોલીસે ૩૦ લાખનું ટેન્કર, ૨૦.૯૦ લાખનું ઓઈલ, ૨૦ હજાર રોકડાં વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે પોલીસે ઈપીકો કલમ ૪૨૦, ૪૦૭, ૪૬૫, ૪૬૮, ૧૨૦ બીનો પણ ઉમેરો કર્યો છે.
Share it on
|