કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેના ચંદનનગર વિસ્તારમાં રહેતી વ્યક્તિને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચુ વળતર મળવાની લાલચ આપીને રોકાણ કરાવડાવી ૨૦ લાખની ઠગાઈ કરવાના ગુનામાં પોલીસે ભુજ, નખત્રાણા અને કોઠારાના ત્રણ યુવકોની વિધિવત્ ધરપકડ કરી છે. ૧૦ દિવસ અગાઉ ચંદનનગર પોલીસે ભુજ આવી ભુજના કૈલાસનગરમાં રહેતા રોનક અશ્વિનભાઈ નાકર (૨૮), નખત્રાણાના મોટા અંગિયા ગામના મોહિત દિનેશભાઈ શાહ (૨૭) અને મૂળ કોઠારા તથા હાલે ભુજ ઉમેદનગર કોલોનીમાં રહેતાં દિવ્યરાજસિંહ અમરસંગ સોઢા (૨૪)ની અટક કરેલી. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે ત્રિપુટીએ ટેલિગ્રામ એપ મારફતે ફરિયાદીનો સંપર્ક કરી, ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચુ વળતર મળવાની લાલચ આપીને ૧૫ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના એકાદ માસના ગાળામાં કુલ ૨૮ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. જો કે, ત્યારબાદ આ ત્રિપુટીએ ફરિયાદીને વળતર તો ઠીક પૂરી રકમ પણ નહીં ચૂકવીને ફ્રોડ કરેલું. ગુનો નોંધાયા બાદ પોલીસે જે બેન્ક ખાતામાં રકમ જમા થયેલી તથા જે ઈમેઈલ આઈડી પરથી મેઈલ મોકલાયેલાં તેની ટેકનિકલ વિગતો મેળવતાં આરોપીઓનું પગેરું ભુજ સુધી લંબાયું હતું.
Share it on
|