કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ અમદાવાદની એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરીંગમાં કેમિકલ એન્જિનિયરીંગના ચોથા સેમેસ્ટરમાં ભણતાં માંડવીના છાત્રના અપમૃત્યુએ અનેક સંદેહ સર્જ્યાં છે.
Video :
મૂળ માંડવીના ૨૦ વર્ષિય ઊર્વિન ચૂઈયાનો મૃતદેહ મંગળવારે કોલેજ હોસ્ટેલના ડી બ્લોકના ત્રીજા માળે આવેલા રૂમ નંબર ૪૩૫માંથી મળી આવ્યો હતો. ખંડેર જેવો આ રૂમ અંદરથી બંધ હતો.
પોલીસે દરવાજો તોડીને ખોલ્યો તો અંદર લોહીથી લથબથ હાલતમાં ઊર્વિનનો મૃતદેહ પડ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે જણાવ્યું કે પ્રથમ નજરે બનાવ આપઘાતનો જણાય છે. ઊર્વિને ગળા અને કાંડે બ્લેડ વડે ચેકાં મારીને આપઘાત કર્યો હોવાનું જણાય છે. જો કે, મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસે ઉમેર્યું કે પહેલી જૂલાઈના રોજ પરીક્ષા સમયે પરીક્ષાખંડમાંથી ઊર્વિન પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તેના પર કોપી કેસ થયેલો. આ બનાવ બાદ પોતાના ભાવિ ભણતર અંગે ઊર્વિન ખૂબ ચિંતિત જણાતો હતો. પોલીસે ઊર્વિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
ઊર્વિનની હત્યા થઈ હોવાની સ્વજનોને આશંકા
ઘટનાના પગલે કચ્છથી દોડી આવેલા ઊર્વિનના પિતા સહિતના સ્વજનોએ અપમૃત્યુની ઘટના અંગે સવાલો સર્જ્યાં છે. આપઘાતના થોડાંક કલાકો પૂર્વે જ ઊર્વિને પિતા જોડે ફોન પર વાતો કરેલી અને તે એકદમ નોર્મલ જણાતો હતો. સ્વજનોએ આ ઘટના આપઘાતની નહીં પણ હત્યાની હોવાની આશંકા સાથે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસ સઘન તપાસ કરી રહી છે.