કચ્છખબરડૉટકોમ, રાજકોટઃ પોતાને ટીવી સિરિયલનો પ્રોડ્યુસર ગણાવીને ભુજ તાલુકાના સૂરજપર ગામના યુગલના પુત્રને કામ અપાવવાના બહાને ૨૫ લાખ રૂપિયા ખાઈ જનારો ગઠિયો વધુ એક ફરિયાદમાં ફીટ થયો છે. મિરજાપરના હિતેશ વેલજી પરમારે રાજકોટ રહેતાં વર્ષોજૂના કર્મકાંડી બ્રાહ્મણ મિત્રને પણ છોડ્યો નથી અને તેને ૮.૨૫ લાખનો ચૂનો ચોપડ્યો છે. વર્ષોજૂનાં મિત્રનો અચાનક સંપર્ક કરી જાળ બિછાવી
રાજકોટના શાંતિનગર નજીક રહેતા ૪૨ વર્ષિય અશોકકુમાર ધાંધિયાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૦૬-૨૦૦૭માં હિતેશ અને તે બેઉ જણ ગોંડલની એક ચાની કંપનીના માર્કેટીંગ વિભાગમાં સાથે નોકરી કરતાં હતાં. નોકરી છૂટી ગયાં બાદ બંને વચ્ચેનો સંપર્ક કટ થઈ ગયેલો. અચાનક આ વર્ષે જાન્યુઆરી માસમાં હિતેશ પરમારે તેનો ફોન પર સંપર્ક કરેલો. હિતેશે પોતે અંજાર, મુંદરા, ગાંધીધામ, બનાસકાંઠામાં વિવિધ કંપનીઓમાં ભાડા પર ગાડી ચલાવતો હોવાનું અને ફાઈનાન્સનું કામ કરતો હોવાનું જણાવેલું.
ભાગવત સપ્તાહ અને હવનના કોન્ટ્રાક્ટનો દાણો નાખ્યો
વર્ષોજૂનો મિત્ર કર્મકાંડી બ્રાહ્મણ હોવાનું જાણતાં હિતેશે અશોકને આંટામાં લેવા માટે દાણો નાખ્યો હતો કે ઘણી કંપનીઓ તેમને ત્યાં વર્ષમાં બે-ચાર વખત ભાગવત સપ્તાહ બેસાડતી હોય છે અને યજ્ઞો કરતી હોય છે. તે માટે વાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટ આપતી હોય છે. અશોકે તેમાં રસ દર્શાવતાં હિતેશે થોડાં દિવસ બાદ તેને પોતાની જાળમાં ફસાવતાં કહ્યું હતું કે ભુજની એક કંપની અને બનાસકાંઠાની બે કંપની મળીને ત્રણ કંપનીમાં ભાગવત સપ્તાહ તથા યજ્ઞનો કોન્ટ્રાક્ટ મળે તેમ છે.
ભાગવત સપ્તાહના ૧.૨૧ લાખ રૂપિયા મળશે અને યજ્ઞના ૩૫ હજાર. વર્ષમાં ત્રણ ભાગવત સપ્તાહ અને પાંચ યજ્ઞ કરવાના રહેશે. બધી વ્યવસ્થા તમારે કરવાની રહેશે. ફરિયાદીએ તૈયારી દર્શાવતાં હિતેશે રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ફી, જીએસટી વગેરે બહાને ફરિયાદી પાસેથી ૨૧-૦૧-૨૦૨૪થી ૨૮-૦૫-૨૦૨૪ દરમિયાન ગૂગલ પે મારફતે ટૂકડે ટૂકડે ૯.૯૪ લાખ રૂપિયા મેળવી લીધાં હતાં.
વખતોવખત ફરિયાદીને કોન્ફરન્સમાં લઈ જુદી જુદી કંપનીના કહેવાતા મેનેજર નામે જગતભાઈ, વિનોદભાઈ, દલપતભાઈ જોડે વાત કરાવતો હતો. ફરિયાદીને શંકા જતાં તેણે નાણાં પરત માંગતા હિતેશે તેને બે લાખનો ચેક આપેલો. ત્યારબાદ ફરિયાદની ધમકી આપતાં વધુ ૧૦ લાખની રકમ લખેલા ચેકનો ફોટો વોટસએપ પર મોકલી એક બે દિવસમાં કૂરિયરમાં મળી જશે તેમ જણાવેલું. પરંતુ, ચેક મળ્યો નહોતો. ફરિયાદીએ હિતેશે આપેલો બે લાખનો ચેક વટાવતાં બાઉન્સ થયો હતો. જો કે, પોલીસની બીક બતાડતાં હિતેશે તેને બે વખત ટૂકડે ટૂકડે ૧.૭૫ લાખ રૂપિયા પરત જમા કરાવ્યાં હતાં. આમ, હિતેશે પોતાની સાથે ૮.૨૫ લાખનું કરી નાખ્યું હોવાનું અશોકે ફરિયાદમાં જણાવ્યું છે.
Share it on
|