કચ્છખબરડૉટકોમ, દાર એસ સલામ (ભાવિકા પટેલ) અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી જેમ જેમ નિકટ આવી રહી છે તેમ તેમ સૌનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ભારતની સાથે વિદેશમાં વસતાં હિંદુઓમાં પણ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઘડીને આવકારવા ઉજવવા માટે ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભારતથી પાંચ હજાર કિલોમીટર દૂર આફ્રિકાના પૂર્વ સાગરકાંઠે આવેલા તાન્ઝાનિયામાં વસતાં કચ્છીઓ અને હિંદુઓ દ્વારા પણ મુખ્ય શહેર દાર એસ સલામના લક્ષ્મીનારાયણ મંદિર (SSDS) ખાતે રામમંદિર મહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરાયું છે.
આજે શનિવારથી શરૂ થયેલી ઉજવણી સોમવારે સાંજ સુધી ચાલશે.
હિંદુ કાઉન્સિલ ઑફ તાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ મલ્હાર દવેએ કચ્છખબરને જણાવ્યું કે ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા, હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન, નવ કુંડી રામ યાગ, રામમંદિરના પાંચસો વર્ષ જૂના સંઘર્ષમય ઈતિહાસનું દ્રશ્ય શ્રાવ્ય પ્રેઝન્ટેશન, ક્વિઝ કોમ્પિટીશન વગેરેનું આયોજન કરવામાં આવશે. સોમવારે અયોધ્યાની સમાંતર અહીં પણ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ કરી ૧૧૧૧ દિવા પ્રગટાવી મહાદિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સૌને અયોધ્યાથી લવાયેલાં પૂજીત અક્ષતની પોટલી ભેટ અપાશે.
અહીં વસતાં નવ હજાર જેટલાં હિંદુ ભાઈ બહેનોને આમંત્રણ પહોંચાડી દેવાયું છે. ફક્ત હિંદુ જ નહીં અહીં વસતાં વોરા સમાજ, ખોજા સમાજ અને ઈશ્નાઅશરી સમાજના આગેવાનો પણ મહોત્સવમાં જોડાશે. ત્રિદિવસીય રામ ઉત્સવમાં તાન્ઝાનિયા ખાતે નિયુક્ત ભારતના હાઈ કમિશનર મનોજ બિહારી વર્મા મુખ્ય અતિથિ તરીકે જોડાશે.
દવેએ જણાવ્યું કે સામાન્યતઃ હિંદુ તહેવારોની ઉજવણી નિમિત્તે સ્થાનિક પ્રશાસનની પૂર્વ મંજૂરી લેતી વખતે ઓછામાં ઓછાં એક સપ્તાહ કે દસ દિવસનો સમય નીકળી જતો હોય છે. પરંતુ. આ ઐતિહાસિક કાર્યક્રમને અનુલક્ષીને સ્થાનિક પ્રશાસને ફક્ત બે દિવસની અંદર જ તમામ કાર્યક્રમોની ઉજવણીને મંજૂરી આપી હતી. ઉજવણી માટે ધાર્મિક સાંસ્કૃતિક સચિવ લીનાબેન દિવેચા, જીતેનભાઈ નાઈ, ધવલભાઈ સૂચક, સ્વપ્નીલબેન, સનાતન ધર્મસભાના પ્રમુખ અમિત લાડવા, હિંદુ સ્વયં સેવક સંઘના દેવેન્દ્ર પાઠક, હાર્દિક ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.
Share it on
|