click here to go to advertiser's link
Visitors :  
08-Jan-2026, Thursday
Home -> Abdasa -> Vayor Police Detain Vehicle Fake Dayapar Police Memo Used to Seek Lower Fine
Tuesday, 06-Jan-2026 - Vayor 5107 views
ગાડી ડીટેઈન કરી વાયોર પોલીસે ને ઓછો દંડ ભરવા દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરાયો!
વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરાઈ, નજીવો દંડ ભરીને ગાડી છોડાવવા પ્રયાસ કરાયો હોવાનો મામલો બહાર આવ્યો છે. વાયોર પોલીસે બનાવ અંગે ફોર્જરી સહિતની ધારા તળે FIR નોંધી છે. ૨૬-૦૯-૨૦૨૫ના રોજ વાયોર પોલીસે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી GJ-12 CG-9854 નંબરની સ્કોર્પિયો કારને અટકાવી હતી. કારને અમીન રાવલ જત નામનો ૧૫ વર્ષનો કિશોર હંકારતો હતો. તેની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે વાહનને લગતી આરસી બૂક સહિતના કોઈ કાગળિયાં નહોતા.
કારની પાછળ નંબર પ્લેટ પણ નહોતી. જેથી પોલીસે મોટર વેહિકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ કારને જપ્ત કરી મેમો આપ્યો હતો.

આ મેમો આરટીઓ કચેરીમાં રજૂ કરી, નિયમભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ ભરપાઈ કરવાની હતી.

ઓછા દંડની પાવતી જોઈ પોલીસને શંકા ગઈ

ગાડી ડીટેઈન કર્યાના ત્રીજા દિવસે વાયોર પોલીસ મથકે તે જ કિશોર આરટીઓમાં ૧૫૦૦ રૂપિયાનો દંડ ભર્યાની રસીદ રજૂ કરીને ગાડી છોડાવવા આવ્યો હતો. રસીદને જોઈને ઈન્ચાર્જ પીઆઈ કે.વી. ડાંગરને શંકા ગયેલી. કારણ કે, જે નિયમોના ભંગ બદલ કાર ડીટેઈન કરાયેલી તે નિયમોના ભંગ બદલ ભરવાપાત્ર દંડની રકમ પાંચ સાત હજારથી વધુ થતી હતી. જેથી તેમણે રસીદ જમા લઈને, સ્ટેશન ડાયરીમાં નોંધ પાડીને કારને છોડી નહોતી.

પોલીસે કિશોરને પૂછ્યું કે મેમો લઈને આરટીઓમાં દંડ ભરવા કોણ ગયેલું તો તેણે તેના પિતા રાવલ મીસરી જત આરટીઓમાં ગયા હોવાનું જણાવેલું.

ડાંગરે આ રસીદ સાથે ભુજ આરટીઓમાં રજૂ થયેલાં પોલીસના મેમો સહિતના પ્રમાણિત દસ્તાવેજો આપવા પત્ર પાઠવ્યો હતો. આરટીઓએ જવાબમાં જે મેમોના આધારે દંડની રકમ વસૂલ કરાઈ હતી તે મેમોની નકલ મોકલતાં આખો ભાંડો ફૂટ્યો હતો.

RTOમાં દયાપર પોલીસનો બનાવટી મેમો રજૂ થયેલો 

આરટીઓમાં વાયોર પોલીસના ડીટેઈન મેમોના બદલે દયાપર પોલીસ સ્ટેશનનો નકલી મેમો રજૂ કરાયો હતો. જેમાં ગાડીનો નંબર બદલી નખાયો હતો અને ડ્રાઈવર તરીકે અમીન સિધિક જત (રહે. આશાલડી, લખપત)નું ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના કાગળિયા રજૂ કરાયેલાં.

તપાસમાં બહાર આવ્યું કે દયાપર પોલીસે જે મેમો રજૂ થયેલો તેવી કોઈ ગાડી તે દિવસે ડીટેઈન જ કરી નહોતી! 

દંડની રકમ ઓછી ભરવા માટે રાવલ જતે અમીન જત સાથે ષડયંત્ર રચીને, આરટીઓમાં દયાપર પોલીસ મથકનો નકલી સહી સાથેનો બનાવટી મેમો આરટીઓમાં રજૂ કર્યો હતો.  બેઉ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું છે.

Share it on
   

Recent News  
રાપરઃ હોબાળો થયાં બાદ પાંચમા દિવસે માનસિક અસ્થિર બાળા પર બળાત્કારનો ગુનો નોંધાયો
 
પશ્ચિમ કચ્છમાં દારૂ જુગારની વકરેલી બદી સંદર્ભે DGPની લાલ આંખ બાદ મોટાપાયે ફેરબદલ
 
છરી-ધોકાની ધાકે દાદાગીરી કરનાર ‘સિકલા ઈમલા’ની હવા પોલીસે ટાઈટ કરી દીધી!