|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સામખિયાળી માળિયા હાઈવે પર કટારિયા નજીક હાઈવે પર એસટી બસ અને ટ્રકના ડ્રાઈવર જોડે ધોકા- છરીની અણીએ દાદાગીરી કરનારા ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવતાં બે રીઢા યુવકોને લાકડીયા પોલીસે ઝડપી પાડ્યાં છે. એસટી બસમાં બેઠેલાં પ્રવાસીએ બેઉ જણની દાદાગીરીનો વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યાં બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જણાવ્યું કે શનિવારે રાત્રે એસટી બસ અને ટ્રક ડ્રાઈવરો જોડે રોડ પર કોઈક વાતે માથાકૂટ થઈ હતી. લાલ રંગની થાર કાર લઈને સ્થળ પર આવેલા સિકંદર ઊર્ફે સિકલો ઈસ્માઈલ ત્રાયા અને ઈમરાન ઊર્ફે ઈમલો કાસમ ત્રાયા (બંને રહે. જસાપર વાંઢ, શિકારપુર)એ એક ડ્રાઈવરને તમાચા મારીને દાદાગીરી કરી હતી.
વીડિયો વાયરલ થયાં બાદ લાકડીયા પોલીસે બેઉને થાર કાર, ધોકા અને છરી સાથે દબોચી લઈ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી કરી છે.
પીઆઈ જે.એમ. જાડેજાએ જણાવ્યું કે અમે એસટી બસના ડ્રાઈવરનો પણ ફરિયાદ નોંધાવવા માટે સંપર્ક કર્યો છે.
બંને યુવકોનો ગંભીર ગુનાહિત ભૂતકાળ
સિકલો અને ઈમલો બેઉ રીઢા શખ્સો છે. ભૂતકાળમાં સિકલા વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝનમાં કાવતરું રચીને ઘાતક હથિયારો સાથે લૂંટ ધાડ કરવી, ભુજ બી ડિવિઝનમાં આર્મ્સ એક્ટ અને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં રાયોટીંગની કલમો તળે ગુના નોંધાઈ ચૂકેલાં છે. તો, ઈમલા સામે પણ ગાંધીધામ, સામખિયાળી અને લાકડીયા પોલીસ મથકે હુમલો કરવો, રાયોટીંગ, પ્રોહિબિશનની કલમો તળે ચાર વિવિધ ગુના નોંધાયેલાં છે.
લાકડીયા પોલીસે કાયદાની લાકડી ઉગામીને બેઉની હવા ટાઈટ કરી દેતા બેઉ જણે ફરી આવું નહીં કરીએ તેમ કહીને ભૂલ કબૂલી છે.
Share it on
|