કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ ૨૦૦૫માં મુંદરાના અદાણી પોર્ટ હસ્તકના સેઝ માટે રાજ્ય સરકારે ત્રણ ગ્રામ પંચાયતની ગૌચર જમીનની ફાળવણી કરી હતી. બદલામાં આ ત્રણે ગ્રામ પંચાયતોને ગૌચર માટે વૈકલ્પિક ગૌચર જમીન નીમ કરી ફાળવવાની ખાતરી અપાયેલી. છ વર્ષ સુધી ગૌચર માટે નવી જમીન નહીં ફાળવાતાં નવીનાળ ગ્રામ પંચાયતે ૨૦૧૧માં ગુજરાત હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી. જેમાં જણાવાયેલું કે પંચાયત પાસે ખૂબ ઓછું ગૌચર બચ્યું છે અને પશુપાલકો માટે પશુધન માટે ચરિયાણ ઘટ્યું હોઈ નિર્વાહ મુશ્કેલ થયો છે. હાઈકૉર્ટમાં કેસની સુનાવણી ચાલતી હતી તે દરમિયાન જૂન ૨૦૧૩માં તત્કાલિન નાયબ કલેક્ટરે કેટલીક જમીન ગૌચર તરીકે ફાળવવાનો શરતી હુકમ કરેલો.
સરકારી નિયમ મુજબ ગામમાં ૭૩૨ પશુઓની સંખ્યા સામે ૧૨૯-૫૦-૦૮ હેક્ટર (૩૨૦ એકર) ગૌચરની જમીન સામે સરકાર દ્વારા ફક્ત ૭૨-૪૨-૧૪ હેક્ટર જમીન ગૌચર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવેલી. મુંદરા સેઝએ પોતાના તરફથી ૩૮-૪૦-૮૫ હેક્ટર ગૌચર જમીન પરત આપવાની ખાતરી આપેલી.
જો કે, સમગ્ર કાર્યવાહી હજુ મહેસુલ તંત્રમાં પડતર છે. શુક્રવારે હાઈકૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને અનિરુધ્ધ માયીની ખંડપીઠે આ કેસની સુનાવણી આગળ વધારતાં કહ્યું હતું કે સરકારી તંત્ર પાસે વૈકલ્પિક રીતે ઉપલબ્ધ ગૌચર જમીન ઉપરાંત મુંદરા પોર્ટે જે ગૌચર જમીન પરત આપવા તૈયારી દાખવેલી છે તે મળીને કુલ ગૌચર વર્તમાન પશુધનની સંખ્યા સામે અપૂરતું જણાય છે. આ વિસંગતતા અંગે કચ્છ કલેક્ટર મહેસુલ વિભાગના અગ્ર સચિવ સાથે ફરજીયાત પરામર્શ કરી અંગત સ્તરે સોગંદનામું રજૂ કરે જેથી આ મામલે રાજ્ય સરકારનો ખુલાસો રેકર્ડ પર આવે કે આ સમસ્યાનો નિવેડો લાવવા કોણ પગલાં લેશે? કારણ કે, ગૌચરની ભરપાઈ કરવી એ સરકારની ફરજ છે.
Share it on
|