કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ ૪ દિવસ બાદ ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિનના રાષ્ટ્રીય પર્વે પાટનગર દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજીત રાષ્ટ્રીય પરેડમાં કચ્છના સફેદ રણથી પ્રખ્યાત ધોરડો ગામનો ટેબ્લો પ્રદર્શિત થશે. ટેબ્લોની થીમ ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત છે. જેમાં કચ્છની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતાં ભુંગા, કચ્છી હસ્તકલા, રોગાન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સીટીની ઝાંખીઓ હશે. યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબાની ઝાંખીનો પણ સમાવેશ કરાયો છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ધોરડોનો યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)ના બેસ્ટ ટૂરિઝમ વિલેજની યાદીમાં થોડાંક સમય અગાઉ સમાવેશ કરાયો હતો.
આ વર્ષે ૭૫મા પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૯ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પર્યાવરણીય, ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
Share it on
|