કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઊઘરાણીના લાંબા ગુનાહિત ઈતિહાસ બદલ અંજારની રીયા ઈશ્વરભાઈ ગોસ્વામી, તેની બહેન આરતી અને ભાઈ તેજસને પૂર્વ કચ્છ પોલીસે ૬-૦૯-૨૦૨૪ના રોજ ગુજસીટોકના ગુનામાં ‘અંદર’ કરી દીધા હતાં. વ્યાજખોરી બદલ ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં પહેલીવાર ત્રણ સગાં ભાઈ બહેન ‘અંદર’ થયાં હોવાનો ગુજરાતનો આ પહેલો દાખલો છે. જો કે, ત્રણ આરોપી પૈકી તેજસને આજે હાઈકૉર્ટે જામીન પર મુક્ત કરી દીધો છે. ગુનાની તપાસ અંજાર DySP મુકેશ ચૌધરી કરી રહ્યાં છે. જાણો, બંને પક્ષે કયા મુદ્દે દલીલો થઈ
આરોપી કમ અરજદાર વતી વકીલે હાઈકૉર્ટમાં જસ્ટિસ એમ.આર. મેંગડે સમક્ષ દલીલ કરતાં જણાવ્યું હતું કે જે ફરિયાદના આધારે તેને ગુજસીટોકમાં ફીટ કરાયો છે તે ફરિયાદમાં તેનો રોલ ફક્ત તેની હાજરીમાં બહેનોએ કરેલી નાણાંકીય લેતી-દેતીનો છે. ત્રણે જણ કોઈ ગેંગના સદસ્યો નથી પરંતુ સગાં ભાઈ બહેન છે. તેમની પાસે નાણાં ધીરધાર અંગેનું લાયસન્સ છે. પોતાની સામે અગાઉ નોંધાયેલા ગુનાના પૂર્વ ઈતિહાસના આધારે પોતાને ગુજસીટોકમાં ફીટ કરાયો છે.
મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસે ગુજસીટોક મામલે જે રીપોર્ટ રજૂ કરેલો તેમાં કયા કયા કેસ નોંધાયેલાં છે, ફરિયાદમાં કોણ કોણ આરોપી છે, ગુનામાં તેમની શી ભૂમિકા છે વગેરે અંગે કશી છણાવટ કરાઈ નહોતી. ઉલટાનું એક કેસમાં તો કૉર્ટે તેને બિનતહોમત છોડી મૂક્યો હતો!
ફરિયાદ પક્ષ વતી સરકારી મહિલા વકીલે દલીલ કરેલી કે આરોપી સામે સાત ગુના નોંધાયેલાં છે, તમામ ગેરકાયદે નાણાં ધીરધાર અંગેના છે જેમાં ૧૪ લોકો ભોગ બનેલાં છે. તપાસ હજુ ચાલું છે, ચાર્જશીટ બાકી છે તેથી જામીન પર છોડવો જોઈએ નહીં.
સરકારી વકીલ પાસે વિસ્તૃત વિગત જ નહોતી
જસ્ટીસ મેંગડેએ મહિલા સરકારી વકીલ પાસે તેજસના ગુનાઓની વિસ્તૃત વિગત માંગતા વકીલે પોતાની પાસે આરોપીનો ભૂતકાળ ગુનાહિત હોવાનું અને સાત ગુના નોંધાયા હોવા પૂરતી માહિતી હોવાનું જણાવ્યું હતું.
કૉર્ટે શરતી જામીન પર આરોપીને છોડ્યો
ન્યાયમૂર્તિ મેંગડેએ આરોપીને વિવિધ શરતો પર જામીન આપવા હુકમ કરતાં જણાવ્યું છે કે ગુજસીટોકના ગુનામાં ધરપકડ અંગે મેજિસ્ટ્રેટ સમક્ષ થયેલાં રીપોર્ટમાં તપાસકર્તા અધિકારીએ અગાઉના ગુનાઓ કે ચાર્જશીટ અંગેની વિગતો જણાવી નહોતી. જામીનની વિવિધ શરતો પૈકી કૉર્ટે એક મહત્વની શરત એ રાખી છે એ કે આરોપીએ ટ્રાયલ કૉર્ટ સમક્ષ તેની સ્થાવર મિલકતો અંગેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં આ મિલકત સ્વપાર્જીત છે કે વડિલોપાર્જીત, તેનું સ્થળ સરનામું, વર્ણન, વર્તમાન બજાર ભાવ મુજબ તેનું મૂલ્ય વગેરે વિગતો રજૂ કરવાની રહેશે.
બે બહેનોને બહાર આવવા પેરીટીની બારી ખૂલી
ગુજસીટોક જેવા ગુનાના આરોપીને જવાબદાર પોલીસ અધિકારીની તપાસમાં આવી અધૂરાશ (બેદરકારી ગણાય કે પછી...?) કે ખામીના લીધે ચાર્જશીટ પૂર્વે જ જામીન મળી જાય તે બાબત પરથી કચ્છના પોલીસ તંત્રએ ધડો લેવાની જરૂર છે. કારણ કે, હવે ગુનાની સહઆરોપી એવી બે બહેનને આ ચુકાદા પરથી પેરીટી (સમાનતાના સિધ્ધાંત)ના આધારે જામીન અરજી કરવાનો મહત્વનો આધાર ઉપલબ્ધ થયો છે.
Share it on
|