click here to go to advertiser's link
Visitors :  
05-Feb-2026, Thursday
Home -> Gandhidham -> Haryana Businessman Defrauded of Rs 23.92 Crore in Used Clothes Business
Wednesday, 04-Feb-2026 - Gandhidham 1473 views
યુઝ્ડ ક્લૉથના બિઝનેસમાં હરિયાણાના વેપારીને ૨૩.૯૨ કરોડનો ચૂનો ચોપડાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ હરિયાણાના ગુડગાઁવના બિઝનેસમેન સાથે અંગત મિત્ર અને કંડલા સેઝમાં યુઝ્ડ ક્લૉથના વ્યવસાય સાથે સંકળાયેલી બે કંપનીના માલિકોએ ૨૩.૯૨ કરોડનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ ગાંધીધામમાં દાખલ થઈ છે. ત્રણ આરોપી પૈકીનો એક મોહમ્મદ રફિક લાલ મોહમ્મદ બારા કે અગાઉ ઑગસ્ટ ૨૦૧૬માં ગાંધીધામમાં ખંડણીના હેતુથી ઠાર મરાયેલાં સચિન ઊર્ફે મૃત્યુંજય ધવનના ખૂન કેસમાં આરોપી તરીકે પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે.

ગુડગાઁવમાં રહેતા ૪૮ વર્ષિય જશનપ્રીતસિંઘ બ્રારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ૨૦૧૯માં કોવિડ મહામારી સમયે તેમનો મિત્ર ગુરવિન્દરસિંઘ તેમને મળેલો. ગુરવિન્દર બેંગકોકમાં અમેરિકા-યુરોપથી યુઝ્ડ ક્લૉથ આયાત કરી, તેના સોર્ટિંગ અને રીસાયક્લિંગનો બિઝનેસ કરતો હતો. કોવિડના લીધે નાણાંભીડમાં સપડાયો હોઈ તેણે ફરિયાદી પાસે ૩૨.૫૦ લાખ રૂપિયા માગ્યા હતા અને બદલામાં તેની પ્રિસ્ટિન ગ્લૉબલ કંપનીના ૫૫ ટકા શેર આપવાનો વાયદો કરેલો.

મિત્રના ભરોસે યુઝ્ડ ક્લૉથનો બિઝનેસ શરૂ કર્યો

ગુરવિન્દરે ના શેર આપ્યા કે ના પૈસા, પરંતુ તેના બિઝનેસ વિશે જાણીને ફરિયાદીને પણ યુઝ્ડ ક્લૉથના ઈમ્પોર્ટ અને રીસાયક્લિંગના બિઝનેસમાં રસ પડેલો. ગુરવિન્દર સાથે તેણે ગુડગાઁવમાં બેટ કોર્પ ઈન્ડિયા પ્રા.લિ. નામની કંપની સ્થાપેલી અને ઈન્ટરનેશનલ ડીલીંગ માટે સરળતા રહે તે માટે બેટ ઈન્ટર કોન્ટિનેન્ટલ કોર્પોરેશન નામથી બ્રાન્ચ શરૂ કરેલી. કંપનીમાં બેઉ ડાયરેક્ટર અને શેર હોલ્ડર હતા.

ભારતમાં કંડલા સેઝ ખાતે ઈમ્પોર્ટેડ યુઝ્ડ ક્લોથનો ધમધોકાર બિઝનેસ ચાલતો હોઈ તેમણે કંડલા સેઝમાં યુઝ્ડ ક્લૉથ ઈમ્પોર્ટ કરતા ત્રણ એકમો જિન્દાલ ફાઈબર્સ, US ક્લોધિંગ અને ટેક્સપોલી ઈમ્પેક્સ જોડે વેપારનો પ્રારંભ કરેલો.

ફરિયાદીની કંપની કન્ટેઈનરો મારફતે કાસેઝના ત્રણે યુનિટને યુઝ્ડ ક્લૉથનો માલ સપ્લાય કરતી. દરમિયાન, કોઈ કારણોસર જિન્દાલ ફાઈબર્સનું લાયસન્સ કેન્સલ થઈ જતાં બાકીની બે પેઢીઓ સાથે બિઝનેસ ચાલું રહેલો.

કંપનીનો રૂટિન બિઝનેસ અને વહીવટ ગુરવિન્દર અને તેણે રોકેલાં માણસો સંભાળતાં. ફરિયાદીનું ફોકસ કંપનીમાં મહત્તમ ઈન્વેસ્ટમેન્ટ આવે તેના પર રહેલું.

નવેમ્બર ૨૦૨૫માં ફરિયાદીએ કંપનીના હિસાબો ચેક કરતાં US ક્લોધિંગ અને ટેક્સપોલી ઈમ્પેક્સ જોડેના વેપારમાં મોટી આર્થિક ગરબડો હોવાનું ધ્યાને આવેલું.

હનીફે માલનું અંડર વેલ્યુએશન કરી આચરી ઠગાઈ

હનીફ મોહમ્મદ તલ્લુની કંપની US ક્લોધિંગ કંપનીને ફરિયાદીની કંપનીએ ૬૭ કન્ટેઈનર મોકલેલાં પરંતુ ચોપડાં પર માલની કિંમત સાવ નજીવી એટલે કે ૩ કરોડ ૫૨ લાખ દર્શાવાયેલી. તેનાથી વિપરીત જિન્દાલ ફાઈબર્સને તેમની કંપનીએ મોકલેલાં કેવળ ૩૬ કન્ટેઈનર્સના માલનું મૂલ્ય ૩.૧૭ કરોડ દર્શાવાયું હતું. ફરિયાદીને શંકા જતા ગહન તપાસ કરતાં બહાર આવેલું કે તેમની કંપનીને વિદેશમાં સામાન ખરીદવા માટે ફરિયાદીની કંપનીના એકાઉન્ટમાંથી બે વખત ટુકડે ટુકડે કુલ ૫૬.૯૨ લાખ રૂપિયા આપેલા પરંતુ ના તે નાણાં પરત આવેલાં કે ના તેની સામે કોઈ માલ આવ્યો હતો.

રફીકે ૬૦ લાખની ટોપી આપી નકલી ઈન્વોઈસ બનાવ્યાં

રફીક બારાની ટેક્સપોલી ઈમ્પેક્સ કંપનીમાં ફરિયાદીની કંપનીએ ૯૬ લાખનું રોકાણ કરેલું. તેની સામે કંપનીને કેવળ ૩૬ લાખ પરત મળેલાં અને ૬૦ લાખ પરત મળ્યાં નથી. એટલું જ નહીં, ટેક્સપોલી કંપનીએ એટૂઝેડ કંપનીના ખોટાં સહી સિક્કાવાળા ઈન્વોઈસ મારફતે ૧૯.૪૪ લાખ રૂપિયા જમા કરાવેલાં. આમ, આ ત્રિપુટીએ ફરિયાદી જોડે વિશ્વાસઘાત કરી, ઠગાઈના હેતુથી માલનું અંડરવેલ્યુએશન દર્શાવી રૂપિયા મેળવવા એકમેક સાથે મિલિભગત કરીને અરસ-પરસ નફો વહેંચી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.   

રફીક બારાએ પતાવી દેવાની ધમકી આપેલી

ગત ઑગસ્ટ માસમાં ફરિયાદી તેના મિત્ર જોડે કાસેઝમાં આવેલો અને રફીક બારાને મળીને પોતાના બાકી નીકળતાં રોકાણના ૬૦ લાખ રૂપિયા પરત માગેલાં. તે સમયે રફીકે ગુસ્સે થઈ ફરિયાદીને ધમકાવતાં કહેલું કે ‘રૂપિયા ભૂલી જાવ, તમારા રૂપિયા હું આપવાનો નથી. તને તારો જીવ વહાલો હોય તો અહીંથી જતો રહે નહીં તો જાનથી મારી નાખીશ. મારા ઉપર મર્ડરનો એક કેસ છે અને બીજો તારા મર્ડરનો કેસ થશે તો મને કાંઈ ફરક પડતો નથી’

Share it on
   

Recent News  
આશાનું કિરણ! રાજકોટમાં અપ્રતિમ સફળતા બાદ ડિવેરા IVFનો હવે ગાંધીધામમાં શુભારંભ
 
SMCએ ગુજસીટોકમાં પકડેલાં સેલના જ કોન્સ્ટેબલની જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી
 
મુંદરા અદાણી પોર્ટે એક જ માસમાં ૨૫૭૬૨ કાર એક્સપોર્ટ કરીને નવો વિક્રમ સ્થાપ્યો