click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Other -> GPCC President Shakitsinh Gohils reaction on Surat controversy
Sunday, 21-Apr-2024 - Ahmedabad 30695 views
જો ચૂંટણી ચોખ્ખી રીતે યોજાય તો ભાજપ હારે તેમ છે એટલે સુરત જેવા હથકંડા શરૂ કર્યાં
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ આજરોજ પ્રેસ અને મીડીયાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાંં ભાજપની વિરુદ્ધનું વાતાવરણ છે. જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે.
Video :
લોકો અણીયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતોને ડુંગળીના કે કપાસના ભાવ, પાણી, જીએસટી જેવા અનેક મુદ્દે પ્રશ્નોની ઝડી વરસાવે છે. ભાજપમાં ઘણા સમય પછી આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.

ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલ્યાં પછી વધારે વર્ગવિગ્રહ ઊભો થાય, કમલમ પર ટોળાઓ ભેગાં થાય, ભાજપનો પેજ પ્રમુખ કે કાર્યકર એમ કહે કે ’અમારે શું આવા લોકોની પાલખી ઉપાડવાની છે, જે ગઈકાલ સુધી અમને ગાળો આપતા હતાં? શું અમે ગાભા પાર્ટી છીએ? આજે ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપની વિરુદ્ધમાં છે.

સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી કે જેઓ યુવાન ઉમેદવાર છે અને જીતી જશે એવો ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું.

સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપે કરેલું, છતાં નહીં ડરેલાં ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ અને એનાથી પણ નીચે ઉતરીને જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય તેવા પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. ટેકેદાર તરીકે સહી કરી હતી તેમની પાસે ‘આ મારી સહી નથી’ એવી એફિડેવીટ કરી ઉમેદવારીના ત્રણે ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર અને ડમી ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર એમ ચારેય જણને પોલીસ જાપ્તા હેઠળ લઈને જાય છે.

પોલીસ જાપ્તા હેઠળ એફિડેવિટ આપે છે કે ‘આ અમારી સહી નથી’ અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી મીડિયાને મળવા દેતા કે નથી કોંગ્રેસના વ્યક્તિઓને મળવા દેવાતા કે કોંગ્રેસના ઉમેદવારને પણ મળવા નથી દેવાતાં! એને ગુમ કરી દે છે.

અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત કે કોઈ વ્યક્તિ ના પાડે ત્યારે સામી વ્યક્તિને ઉલટતપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે, જેથી અમે તેની ઉલટતપાસ કરવા માંગીએ છીએ, જેથી એને હાજર કરો. એક દિવસનો સમય અપાય છે, એક વ્યક્તિ ઉમેદવારના સંપર્કમાં પણ આવે છે અને કહે છે કે હું આવી જઈશ. પરંતુ કોઈક કારણોસર ફરી એક વખત એનો ફોન બંધ કરી એને ગુમ કરી દેવાય છે. ભાજપ જો ચૂંટણી ચોખ્ખી રીતે યોજાય તો હારી જાય તેમ છે એટલે આવા હથકંડા તેમણે કર્યા છે. આજે સુરતમાં કોંગ્રેસના વકીલો બાબુભાઈ માંગુકિયા અને ઝમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે, કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ્દ કરી શકો, પરંતુ ટેકેદાર ના પાડે કે આ મારી સહી નથી તો ફોર્મ રદ્દ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. બીજી દલીલ કે, ટેકેદારે ફોર્મમાં કરેલ સહી અને આ મારી સહી નથી તેવી એફિડેવીટમાં કરેલ સહી બંનેને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલો. જો આ હસ્તાક્ષર સરખાં હોય તો ફોર્મ રદ્દ ન થઈ શકે. ત્રીજી દલીલ એ કે, કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું તે માટે ખુલ્લાં મનથી એ કહે છે કે કેમ? એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો, પરંતુ તેઓને ફરી બોલાવ્યા નહીં.

આ જ પ્રકારની ઘટના કે જેમાં ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ કહ્યું કે, આ અમારી એફિડેવીટ છે કે આ ફોર્મમાં અમારી સહી નથી આ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરો. બે ટેકેદારો જાય છે. ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાની આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજ લલ્લુભાઈ જરીવાલા જઈને એફિડેવીટ આપે છે અને કહે છે કે, આના ફોર્મમાં જે સહી છે તે સહી અમે નથી કરી, જેથી આ ફોર્મ રદ્દ કરો. અહીં સારી પરિસ્થિતિ એ કે, આ બે ટેકેદારો પોલીસ જાપ્તામાં ત્યાં નથી ગયા કે ભાગી નથી ગયા, ત્યાં જ હાજર છે અને ત્યાં જ પ્રેસ-મીડિયાને મળીને કહે છે કે, જે ઉમેદવાર છે તે કંચનભાઈ જરીવાલાનું ફોર્મ અમારી સહી ન હોવાના કારણે રદ્દ કરો. આ કિસ્સામાં ચૂંટણી અધિકારીના હુકમની નકલ પ્રેસ-મીડિયા સમક્ષ રજુ કરતાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ કેસમાં ટેકેદારોની વાંધા અરજી ચુંટણી અધિકારીએ નામંજૂર કરી હતી અને ઉમેદવારનું ફોર્મ સ્વીકારવાનો હુકમ કર્યો હતો.

તે દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જો ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો અને આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય એટલે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી.

આજે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું માત્ર એક કારણસર ટેકેદારોએ એફિડેવીટ આપી છે એટલે ફોર્મ રદ્દ કર્યું છે. ચાર મુદ્દા આમાં ઉભા થાય છે. કાયદો સૌના માટે સમાન હોય છે. બંધારણ પણ કહે છે કે, આ જ પ્રકારનો સુરત વિધાનસભાની ચુંટણીમાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ? જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર કાર્ડની ઝેરોક્ષ, ફોટા બધું જ આપ્યું છે એટલે એવું નથી કે એને ખબર નથી.

ચારે-ચાર વ્યક્તિઓને એકસાથે સપનું આવે છે કે, અમારી સહી ક્યાંક ખોટી કરી છે. ચારે-ચાર વ્યક્તિ એક જ ટાઈપીસ્ટ પાસે જાય છે. ચારે-ચારની અરજી આઈડેન્ટીકલી એક સરખી કે આ અમારી સહી નથી. ચારે-ચાર વ્યક્તિ એક જ માણસ પાસે જાય છે એફીડેવીટ કરાવવા માટે નોટરી પાસે. ૫૭, ૫૮, ૫૯, ૬૦ ચારેયના નંબરો ઉપરાઉપરી એક સાથે પડે છે. આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો? આ સ્પષ્ટ છે કે આ મેળાપીપણું હતું.

ભાજપ સુરતમાં હાર ભાળી ગઈ. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઈલેકશન એ પાયાનો સિદ્ધાંત છે એનાથી આ વિરુદ્ધ થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે. ભૂતકાળમાં એકાદો વર્ગ ક્યાંક વિરોધ કરતો હોય તો તેની સાથે સંવાદ નહીં પરંતુ સંઘર્ષ કરવાનો, બેરહમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું, એટલે આ વખતે પણ ભાજપને એમ હતું કે કાંઈ નહીં પરિણામ આપણી તરફેણમાં જ આવવાનું છે અને અહંકારથી કહેતા હતા કે પાંચ-પાંચ લાખની લીડથી જીતશું.

હવે સમાજના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો ભારતીય જનતા પાર્ટી સામે એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે.

પાટીદાર મિત્રો એવી પોસ્ટ મૂકે છે કે, અમે જ્યારે ભાજપ સરકાર પાસે અમારી વાત મુકતા હતા ત્યારે અમારી સાથે સંવાદ કરવાના બદલે અમારી સામે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેન-દીકરીઓને ઘરમાંથી કાઢીને એમના પર લાઠીચાર્જ થયા. પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું. કોઈપણ આંદોલન ચાલે ત્યારે પોલીસે કેમ વહેવાર કરવો તે સરકાર તેને કહેતી હોય છે. હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો, અમારા ડોક્ટર્સના આંદોલન થતાં ત્યારે હું સામેથી પોલીસને કહેતો કે સહેજ પણ બળપ્રયોગ કરશો નહીં. હું સામેથી સંવાદ કરતો અને અમે એનો રસ્તો કાઢતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીમાં આંદોલન થાય તો પોલીસને સૂચના એવી કે મારો, પીટો. આવું પાટીદાર આંદોલન વખતે પણ એમણે કર્યું.

જૂનાગઢમાં કોળીની દીકરી ચાંદનીનું પ્રકરણ થયું, કોળી સમાજ ન્યાયની માંગણી કરતો હતો, ત્યારે એમની સાથે સંવાદ નહીં પરંતુ સંઘર્ષ કર્યો. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક શૈક્ષણિક સંસ્થાની ટાંકીમાં કોળીની દીકરી પડીને ડૂબી ગઈ છે એવી વાત આવી. કોળી સમાજના આગેવાનો જોવા ગયા, એમણે ફરિયાદ આપી. મને પણ ફરિયાદ કરી કે, સાહેબ, આ પાણીની ટાંકીમાં દીકરી ડૂબીને મરી શકે તેમ નથી, આની તપાસ કરાવો. ભાજપનું એક મોટું માથું આ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ હોવાથી કોઈ તપાસ થઈ નહીં.

આજે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદરમાં ઘેર-ઘેર જઈને કહી રહ્યા છે કે, આને મત નહીં આપતા. ભાજપ સામે આદિવાસી સમાજનો પણ આક્રોશ છે, કારણ કે તેમના હકના પૈસા નકલી ઓફિસ બનાવીને ખાઈ ગયા છે.

એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા એમને પણ ગેરકાયદેસર રીતે જેલમાં નાખ્યા છે. વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસ પક્ષો બનાવ્યો હતો. આદિવાસી સમાજને હજુ સુધી ગુજરાતમાં એનો રેવન્યુ રેકોર્ડ મળ્યો નથી, જેથી આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની છે. એક આઈ.એ.એસ. અધિકારીએ પત્ર લખ્યો કે, આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત છે. આદિવાસી વિસ્તારની શાળાઓમાં એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, એ એમના ભવિષ્ય સાથે ગંભીર ચેડા છે.

ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો.

અહંકાર સાથે જે રીતે રાજકોટ ભાજપના ઉમેદવારે વાત કરી તેનાથી સમગ્ર દેશની બહેન-દીકરીઓનું અપમાન થયું. કોઈપણ રાજા-મહારાજાઓ હોય, જેમાં રાજપૂતો હતા, કારડીયા સમાજના આગેવાનો હતા, કાઠી દરબારો હતા, નાડોદા સમાજના હતા, બક્ષીપંચમાં આવેલ ઘણી-બધી જ્ઞાતિના રાજા-મહારાજાઓ હતા, બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજા-રજવાડા હતા, આદિવાસી રાજાઓ હતા, ભીલ રાજાઓ હતા, પાટીદારોને પણ પટ્ટા મળ્યા હતા અને પાટીદારોનું પણ શાસન હતું અને કોઈપણ રાજા-મહારાજાએ પોતાની બહેન-દીકરીઓ અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ વ્યક્તિ સામે એટલા માટે ઊભી થઈ છે કે, ગામેગામ પાળીયા છે, જુદી-જુદી જ્ઞાતિઓના રાજા-મહારાજાઓ હતા, એમણે ગાય માતા માટે, માતૃભૂમિ માટે, બહેન-દીકરીઓની લાજ માટે શહીદી વહોરી હતી, છતાં તેમના માટે આવું નિવેદન આપવા છતાં ભાજપે અહંકારથી એ ઉમેદવારને નથી બદલ્યા.

આ જ વ્યક્તિએ ભૂતકાળમાં બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈ માલધારી સમાજના વ્યક્તિ ચૂંટણી લડતાં હતા ત્યારે માલધારી સમાજ માટે પણ આવો જ વાણી વિલાસ કર્યો હતો.

આ બધાના કારણે ભાજપ વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે ત્યારે ભાજપે વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર (સ્વતંત્ર) ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળું નીકળશે એટલે ભાજપે એક તરકીબ રચી. કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારી ફોર્મ રદ્દ કરાવો, સ્પર્ધા જ થવા ન દો, એટલે આપણને કોઈ હરાવી નહીં શકે. અમને પણ આની ગંધ આવી ગઈ હતી. હું આભાર માનીશ કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો, વૉરરૂમના સાથીઓનો, જિલ્લાના આગેવાનોનો કે તેમણે ખૂબ ચીવટ રાખી, ચિંતા રાખી, એક પણ ફોર્મ રદ્દ ન થાય તેની કાળજી રાખી. ભાજપે ૧૮ જગ્યાએ વાંધા લીધા હોવા છતાં એક પણ જગ્યાએ તેમનો વાંધો ટક્યો નહીં. આજે અમરેલીમાં પણ જેનીબેન ઠુંમર સામે સાવ ખોટા વાંધાઓ લીધા હતા તે ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે પણ વાંધા લીધા હતા. અમરેલીમાં સિનિયર એડવોકેટ પંકજ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં પણ આપના ઉમેદવાર સામે વાંધા હતા, પરંતુ અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસ જેવો એડવોકેટ છે, તેમણે દલીલો કરી હતી.

સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું એ દિવસથી ભાજપને ફાળ પડી હતી, કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ જેમાં ખાસ કરીને પાટીદારોની નારાજગી હતી, માલધારી સમાજના ઘણા ભાઈઓ કે જેઓ સૌરાષ્ટ્રમાં વસે છે તેમના ગૌચરો ગયા છે,

માલધારીઓ સાથે ભાજપની સરકારે જે વ્યવહાર કર્યો છે તેના કારણે તેમની પણ નારાજગી હતી. બહુધા સમાજો એ ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જ્ઞાતિઓ હોય તે તમામ લોકોનો સંપૂર્ણ વિરોધ હતો એટલે સુરતની સેઈફ સીટ હારી જવાની પણ ભીતિ હતી, જ્યાં જાય ત્યાં કાળા વાવટા આવે છે એટલે કાળા વાવટા નહીં ફરકાવવાના તેવો સરકારે જી.આર. કરવો પડ્યો છે. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો મૌલિક અધિકાર હોવા છતાં આવા કામ ભાજપ દ્વારા કરવામાં આવે.

ચૂંટણી પંચને સવાલ કરતાં ગોહિલે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તેમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે. આઝાદી બાદ આટલાં વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે.

૧૭ પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા. કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા પણ નિષ્પક્ષ ચૂંટણી અંગે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા.

આ વખતે દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો અને દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું તેવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે, ભાજપે સુરતનું એક ફોર્મ રદ્દ કરવાની ચેષ્ટા કરી છે, પરંતુ મને વિશ્વાસ છે કે, ગુજરાતીઓ વ્યાજ સાથે ૧ના ૧૧નો બદલો લેશે અને બીજી સીટો પર વધારે મક્કમતાથી કોંગ્રેસનું સમર્થન કરશે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR