કચ્છખબરડૉટકોમ, પણજીઃ ગત ઑગસ્ટ માસમાં ગોવા પોલીસે હની ટ્રેપના ગુનામાં રાજકોટની બે યુવતી સહિત ત્રણ જણની કરેલી ધરપકડના કેસમાં મનીષા ગોસ્વામી બાદ પૂણેના દલાલનું નામ બહાર આવ્યું છે.
Video :
ગુનાની ગંભીરતાને જોતાં આ કેસની તપાસ માટે મહિલા DIG અસ્લમ ખાનના નેતૃત્વમાં સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.
નોર્થ ગોવાના એસપી નિધિન વાલસને કચ્છખબરને જણાવ્યું કે બંને યુવતી મનીષા ગોસ્વામીની સૂચના મુજબ શિકારને સકંજામાં સપડાવવાનું કામ કરતી હતી.
યુવતીઓની પૂછપરછ અને તેમના બેન્ક ખાતાના આર્થિક વ્યવહારોના આધારે પૂણેના હરીશ ખેમનાની નામના ચોથા આરોપીની ધરપકડ કરી છે. હરીશ મૂળ ગુજરાતી છે.
ગુનાનો ભોગ બનનાર લોકોએ યુવતીઓના કહેવાથી હરીશના ખાતામાં નાણાં જમા કરાવ્યાં હતાં. હરીશ પણ આ રેકેટમાં સક્રિય રીતે સામેલ છે. વાલસને જણાવ્યું કે સેક્સ્ટોર્શનનું આ એક આંતરરાજ્ય રેકેટ છે અને સંગઠિત ટોળકી તેને ઓપરેટ કરે છે. અત્યારસુધીની તપાસમાં વિવિધ રાજ્યના અનેક લોકો સાથે મોટી રકમનો તોડ થયો હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગે દિવમાં પણ એક પુરુષ સામે રેપની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું બહાર આવ્યું છે.
આદિપુરના ફાઈનાન્સરને ગત વર્ષે ફસાવેલો
૨૩ ઑગસ્ટે રાજકોટના એક યુવકને ગોવામાં હની ટ્રેપ કરી આ એક યુવતીએ પૈસા પડાવવા તેની વિરુધ્ધ બળાત્કારની ઉપજાવી કાઢેલી ફરિયાદ નોંધાવેલી. યુવતીએ જેને સાક્ષી ગણાવેલી તે કહેવાતી પિતરાઈ બહેને નવેમ્બર ૨૦૨૨માં કલંગુટ પોલીસ મથકે આદિપુરના ફાઈનાન્સર સામે દુષ્કર્મ અને હ્યુમન ટ્રાફિકીંગની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ગોવા પોલીસે ઊંડા ઉતરીને છાનબીન કરતાં બહાર આવ્યું હતું કે બંને યુવતીઓએ છેલ્લાં કેટલાંક સમયથી ગોવાને હની ટ્રેપનું સ્થળ બનાવ્યું હતું.
બેઉ યુવતીએ ગોવામાં ત્રણ અને ગુજરાતમાં બે મળી પાંચ લોકો સામે હની ટ્રેપના હેતુથી દુષ્કર્મની બોગસ ફરિયાદો નોંધાવી હતી.
પોલીસે બેઉ યુવતી અને તેમની સાથે રહેલાં ભાવનગરના એક યુવક મળી ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયાથી ગુજરાતના ધનિકો સાથે મૈત્રી કેળવી, તેમને ગોવા લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યાં બાદ બળાત્કારની ફરિયાદમાં ફીટ કરી દેવાની ધમકી આપીને મોટી રકમનો તોડ કરતી હતી.