click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Gandhidham -> Man Commits Suicide After Being Brutally Beaten and Locked Up by Former Employer
Thursday, 19-Feb-2026 - Gandhidham 23499 views
ચોરીની શંકામાં પૂર્વ કામદારને ઉઠાવી, મારકૂટ કરી રૂમમાં ગોંધી રખાતાં યુવકનો આપઘાત
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં મજૂરી કરી પેટિયું રળતા ૩૦ વર્ષિય યુવક પર તેના અગાઉના શેઠ અને માણસે મારકૂટ કરી, રૂમમાં પૂરીને ગોંધી રખાતાં યુવકે રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામ જીઆઈડીસીમાં આવેલી અક્ષય ટ્રેડિંગ નામની પેઢીના અક્ષય શૈલેષભાઈ ગાંધી અને તેના માણસ ધર્મેન્દ્ર વિરુધ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

મરણ જનાર હરેશ સોમાભાઈ માજીરાણા (ભીલ) છેલ્લાં ઘણાં સમયથી ગાંધીધામના સેક્ટર-૧માં આવેલ ભગવતી રીપાવરીંગ નામના વર્કશોપમાં મજૂરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ અગાઉ તે ગાંધીધામ જીઆઈડીસીની અક્ષય ટ્રેડિંગ નામના કારખાનામાં મજૂરી કરતો હતો.

મંગળવારે અપહરણ કરેલું અને બીજા દિવસે લાશ જોવા મળી

મંગળવારે બપોરે સાડા ત્રણના અરસામાં અક્ષય ટ્રેડિંગ પેઢીનો અક્ષય ગાંધી અને તેનો માણસ ધર્મેન્દ્ર બેઉ ભગવતી રીપાવરીંગ વર્કશોપ પર આવેલા અને હરેશને બાઈક પર બેસાડીને તેમની પેઢી પર લઈ ગયેલાં. બીજા દિવસે બુધવારે ચારેક વાગ્યાના અરસામાં હરેશના મામા રમેશભાઈ માજીરાણાને તેમના ભાણેજ પંછીભાઈ (રહે. હાલ ડીસા)એ ફોન કરી જાણ કરેલી કે ‘મને અક્ષય ટ્રેડીંગમાં કામ કરતા વિજયભાઈએ ફોન કરીને જાણ કરી છે કે તેમના કારખાનાની રૂમમાં હરેશે ગળેફાંસો ખાધો છે’

હરેશના પગે મુઢ ઈજા અને લોહીના નિશાન હતા

ભાણિયાના અપમૃત્યુના સમાચાર જાણીને ફરિયાદી રમેશભાઈ તરત અક્ષય ટ્રેડિંગ પર પહોંચેલાં. ત્યાંથી ખબર પડેલી કે હરેશની લાશને રામબાગ હોસ્પિટલે લઈ જવાઈ છે. રમેશભાઈ હોસ્પિટલે પહોંચ્યા ત્યારે છોટા હાથી ગાડીમાં હરેશની લાશ પડી હતી.

ત્યાં અક્ષય ગાંધી હાજર હતો અને એમ્બ્યુલન્સ ના આવતા છોટા હાથીમાં હરેશની લાશ લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

હરેશના પગના ભાગે મુઢ મારની ઈજાઓ અને લોહી નીકળતું જોવા મળ્યું હતું. રમેશભાઈને સમાજના લોકો પાસેથી જાણવા મળેલું કે આગલા દિવસે અક્ષય ગાંધી અને તેનો માણસ ધર્મેન્દ્ર બેઉ જણ અગમ્ય કારણોસર બાઈક પર અપહરણ કરીને હરેશને જીઆઈડીસીના કારખાને લઈ આવ્યાં હતા.

કારખાનાના રૂમમાં તેને માર મારીને, રૂમમાં પૂરી દઈ બહારથી તાળું મારી દીધું હતું. આ ત્રાસ સહન ના થતાં હરેશે રૂમમાં જ ફાંસો ખાઈ લીધો હતો.

ઘટના અંગે શરૂઆતમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી હતી.

ભીલ સમાજના વિરોધના પગલે પોલીસમાં દોડધામ 

રાત્રે ભીલ સમાજના આગેવાનોએ હોસ્પિટલે દોડી જઈને જ્યાં સુધી અક્ષય ગાંધી અને ધર્મેન્દ્ર વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ ના થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો બન્યો હોવાનું જણાઈ આવેલું. મામલો એ ડિવિઝનની હદમાં આવતો હોવાનું સ્પષ્ટ થતાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ (મરવા માટે મજબૂર કરવું), ૧૪૦ (૩) (ગોંધી રાખવાના ઈરાદે અપહરણ કરવું), ૧૨૭ (૨) (કોઈ વ્યક્તિને ગેરકાયદે ગોંધી રાખવી), ૧૧૫ (૧) (મારકૂટ કરી મહાવ્યથા પહોંચાડવી), ૫૪ તથા એટ્રોસિટીઝ (પ્રિવેન્શન) એક્ટની કલમો તળે ગુનો નોંધ્યો છે.

ચોરીની કબૂલાત કરાવવા ત્રાસ ગુજારાયોઃ DySP

ઘટનાની તપાસ પશ્ચિમ કચ્છ SC/ ST Cellના DySP એમ.જે. ક્રિશ્ચિયનને સોંપાઈ છે. તેમણે જણાવ્યું કે મરણ જનાર હરેશે અક્ષય ટ્રેડિંગમાંથી લોખંડ અને નાણાં ચોર્યાં હોવાની શંકા રાખીને બેઉ આરોપીઓએ કબૂલાત કરાવવા માટે તેના પર ત્રાસ ગુજાર્યો હોવાનું પ્રાથમિક તબક્કે સપાટી પર આવ્યું છે. બેઉ આરોપીઓની ધરપકડ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો