કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં ગત રાત્રે મોટા કાંડાગરા પાસે આવેલી MPL લેબર કોલોનીમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી, સરકારી જીપ સહિતના ત્રણ વાહનોમાં તોડફોડ કરવા સબબ ૩૦૦ લોકોના ટોળાં સામે ફરિયાદ નોંધાઈ છે. મુંદરા પોલીસે ૩૦૦ લોકોના ટોળાં સામે પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને ૩૩ તોફાનીઓની ધરપકડ કરી લીધી છે.
ભુજપુર ઓપીના જમાદાર એએસઆઈ લાલજીભાઈ ચાડે ફરિયાદમાં જણાવ્યું કે રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લેબર કોલોનીમાં એક મજૂરે આપઘાત કર્યો હોવાની જાણ થતાં તે સ્થળ પર પહોંચેલાં. પોલીસ પહોંચી ત્યારે સિક્યોરીટી સ્ટાફ અને એક એમ્બ્યુલન્સ ત્યાં હાજર હતા.
જ્યાં સુધી સુપરવાઈઝર, ઠેકેદાર કે મૃતકના સ્વજનો ના આવે ત્યાં સુધી લાશને નીચે નહીં ઉતારવાની મજૂરોનું ટોળું ઉગ્ર રજૂઆત કરી રહ્યું હતું. નીરજ મહંતો નામના બિહારના વતની શ્રમિકે સિલિંગ ફેન સાથે ગમછો બાંધીને ફાંસો ખાધો હતો.
વિરોધ કરી રહેલાં મજૂરોનું ટોળું જોઈને લાલજીભાઈએ પીએસઆઈ એન.પી. ગોસ્વામીને જાણ કરતાં તેઓ સરકારી જીપ લઈને અન્ય ચાર પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતા. અન્ય બે પોલીસ કર્મચારી પણ સ્થળ પર દોડી આવેલાં. પોલીસે એકાદ હજાર મજૂરોના ટોળાંના વિરોધ વચ્ચે જેમ તેમ કરીને લાશને નીચે ઉતારીને ગેટ પર ઊભેલી એમ્બ્યુલન્સમાં રવાના કરેલી.
ના કેહને પર ભી પુલિસ ક્યું લાશ લે કે ચલી ગઈ?
લાશને રવાના કર્યાં બાદ પોલીસ પણ જીપમાં બેસી રવાના થયેલી. ત્યારે ઉશ્કેરાયેલાં ટોળામાંથી અમુક લોકોએ ‘હમારી ના કેહને પર ભી પુલિસ ક્યું લાશ લે કે ચલી ગઈ? અભી પુલિસ કો જાને મત દો, પુલિસ કો મારો’ કહીને જીપમાં બેસી જઈ રહેલી પોલીસને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો. કેટલાંકે ધોકા લઈને જીપમાં તોડફોડ કરેલી.
ટોળાંના હુમલા સામે પોલીસ કર્મચારીઓ જીપ છોડીને જીવ બચાવીને સ્થળ પરથી નાસી છૂટ્યાં હતા. બેફામ બનેલાં ટોળાંએ સરકારી જીપ ઉપરાંત ત્યાં રહેલાં લેબર કોન્ટ્રાક્ટરની બે ખાનગી કારને પણ નિશાન બનાવી તોડફોડ કરી ક્રેટા કારને આગ ચાંપી દીધી હતી.
હુમલામાં તમામ ૯ પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ સમગ્ર જિલ્લાના વિવિધ પોલીસ મથકની ટીમોને કોલોનીમાં ઉતારીને કોમ્બિંગ હાથ ધરાયું હતું.
ફોટોગ્રાફ અને વીડિયોના આધારે ૭ જણની ઓળખ કરાઈ તેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરી સાતેયની ધરપકડ કરી લેવાઈ હતી. તેમની પૂછપરછમાં વધુ ૨૬ જણની સંડોવણી ખૂલતાં તેમની પણ ધરપકડ કરાઈ છે.
ટોળાં સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરી, પોલીસને નાની મોટી ઈજા પહોંચાડી, સરકારી વાહનમાં તોડફોડ કરી ૫૦ હજારનું નુકસાન કરવા અંગેની પણ કલમો લગાડાઈ છે.
Share it on
|