|
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મુંદરાના ટોડા ગામના ૩૩ વર્ષિય શારદાબેન શંકરભાઈ આયડી (મહેશ્વરી)ની જીવન જ્યોત આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાયમ માટે ઓલવાઈ ગઈ છે. પરંતુ, પાર્થિવ દેહનો ત્યાગ કરતાં પૂર્વે અંગદાન થકી તેમની બે કીડની અને એક લિવર મૃત્યુ સામે ઝઝૂમતાં ત્રણ દર્દીઓની જીવન જ્યોતને ઝળહળાવી જશે. થોડાંક દિવસ અગાઉ શારદાબેન ઘરે હતા ત્યારે અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. તબિયત વધુ ગંભીર બનતા શારદાબેનને મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા.
તબીબોએ અથાક મહેનત કરી પરંતુ શારદાબેન બચી ના શક્યાં.
ગઈકાલે તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કરેલાં. શારદાબેનને બ્રેઈન ડેડ જાહેર કરાતાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અંગદાન ટીમે હોસ્પિટલમાં હાજર શારદાબેનના પતિ શંકરભાઈ, ભાઈ જિજ્ઞેશ અને કિશોર ભરાડીયાને તેમના અંગોનું દાન કરવા સમજાવ્યા હતા.
સમાજસેવી સંસ્થાઓએ સ્વજનોની કરી સમજાવટ
શારદાબેન બ્રેઇન ડેડ હોવાની જાણ કચ્છ ખાતે તેમના સમાજના આગેવાનો નવીનભાઈ બુધારામ હિંગણા, પુંજાભાઇ, ભરતભાઈ પુંજાભાઈ આયડી, અરવિંદભાઈ હધુભાઈ આયડી, ગોવિંદભાઈ આયડી વગેરે ને થતાં નવીનભાઈએ ‘અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ’ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ ‘દાદા’નો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હાજર શારદાબેન સ્વજનો તથા કચ્છમાં રહેલા તેમના માતા લક્ષ્મીબેન, પિતા કાનજીભાઈ સીજુ અને અન્ય સગાં લીલબાઈ કે. આયડી, હંસાબેન આર. આયડીને સમજાવીને અંગદાન માટે સંમતિ મેળવી હતી.
સિવિલને મળ્યું ૨૨૧મું અંગદાન
શારદાબેનના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલને આજ દિન સુધીમાં કુલ ૨૨૧મું અંગદાન થયું છે. આ અંગદાન થકી કુલ ૭૩૨ અંગોનું દાન મળ્યું છે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૯૫ લિવર, ૪૦૬ કીડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૧ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, બે નાનાં આંતરડાં, ૧૫૬ ચક્ષુ અને ૨૬ ચામડીનું દાન મળ્યું છે તેમ સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું છે.
શારદાબેનના અંગદાન થકી મળેલું લિવર અમદાવાદની કે.ડી. હોસ્પિટલ અને બંને કીડની સિવિલ કેમ્પસમાં આવેલી કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરાશે.
અંગદાનનો નિર્ણય ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે હોસ્પિટલમાં તે અંગે અંતિમ નિર્ણય લેનાર સ્વજનો હાજર ના હોય અથવા સ્વજન પ્રત્યેની લાગણીના કારણે સ્વજનો ચોક્કસ નિર્ણય ના લઇ શકતાં હોય ત્યારે સમાજસેવી સંસ્થાઓની ભૂમિકા મહત્વની બની રહે છે. દિલીપ દાદાની સંસ્થા સાથે ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સમાં અંગદાન જાગૃતિ અંગે કાર્યરત મહેશ્વરી સમાજના નવીન બી. હિંગણા, પુંજાભાઈ માયાભાઈ માંગલિયા અને સમાજના પ્રમુખ પુનમભાઈ ડી. ચુણા વગેરે સહયોગી બની રહ્યાં હતા.
સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડૉ. જોશીએ જણાવ્યું હતું કે કોઇ સમાજના આગેવાનોએ સામેથી સંપર્ક કરી પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યાં હોય તેવો આ પહેલો કિસ્સો છે.
Share it on
|