કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ શ્રી નરનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદ તેજેન્દ્રપ્રસાદ પાંડેના ૨૮ વર્ષિય પુત્ર અને ગાદીના ભાવિ આચાર્ય એવા વજેન્દ્રપ્રસાદ પાંડેએ પોતાની પત્ની અને સાસરિયા સામે ગંભીર આરોપ કરતી ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ૧૦૦ કરોડ રૂપિયા પડાવવાના કાવતરાના ભાગરૂપે પોતાને લેસ્બિયન યુવતી જોડે પરણાવી દેવાયો હોવાનો ફરિયાદમાં ગંભીર આરોપ કરતા કાલુપુર અને ભુજ સ્વામિનારાયણ મંદિર સહિત દેશ વિદેશમાં વસતાં લાખ્ખો હરિભક્તોમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ઘાટલોડીયા પોલીસ મથકે ગુરુવારે રાત્રે વજેન્દ્રપ્રસાદે પત્ની અને સાસરિયા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના પાલડીમાં રહેતા શશિકાંત તિવારીએ પોતાની ઉત્તરપ્રદેશ બ્રહ્મસમાજના પ્રમુખ તરીકેની ઓળખાણ આપીને ૨૦૨૩ની દિવાળીથી ફરિયાદીના દાદા તેજેન્દ્રપ્રસાદ અને અન્ય પરિવારજનો સાથે ગાઢ પરિચય કેળવ્યો હતો.
૧૧-૦૭-૨૦૨૪ના રોજ લગ્ન કરવામાં આવેલા
શશિકાંતે ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં રહેતા શુક્લા પરિવારની દીકરી જોડે વજેન્દ્રપ્રસાદના લગ્નના પ્રસ્તાવ મુક્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૪માં શુક્લા પરિવાર તેમની દીકરી અને અન્ય પરિવારજનોને લઈને અમદાવાદ ફરિયાદીના નિવાસસ્થાને આવેલો. અનામિકાને જોઈને ફરિયાદીએ લગ્નની હા પાડી દીધેલી. ૨૫ એપ્રિલના રોજ અલાહાબાદમાં બેઉની સગાઈ થયેલી અને સામેનો પક્ષ લગ્ન લેવા માટે સતત ઉતાવળ કરતો હોઈ ૧૧ જૂલાઈના રોજ બંનેના રંગેચંગે લગ્ન કરવામાં આવેલાં.
હનીમૂન વખતે પત્ની લેસ્બિયન હોવાની ખબર પડેલી
લગ્ન બાદ ૨૭-૦૭-૨૦૨૪થી ૦૬-૦૮-૨૦૨૪ દરમિયાન યુગલ હનીમૂન માટે ઈન્ડોનેશિયાના બાલી ખાતે ગયેલું. ફરિયાદીએ આરોપ કર્યો છે કે હોટેલમાં તમામ દિવસ તેની પત્ની અનામિકા રૂમની અંદર જ ભોજન મગાવતી હતી. ફરિયાદી ભોજન કરી લે પછી બીજા દિવસે ઉઠે ત્યારે માથું સખત દુઃખતું હોય અને આગલા દિવસનું કંઈ યાદ પણ ના રહ્યું હોય. જેથી ફરિયાદીને શંકા ગયેલી.
એક દિવસ સાંજે અનામિકાએ ભોજન મગાવ્યું ત્યારે તે બાલ્કનીમાં ફોન પર વાતો કરતો હતો. તે સમયે અનામિકાને પોતાના સૂપમાં સફેદ કલરનો પાઉડર ભેળવતી જોઈ ગયેલો.
જો કે, તેણે અનામિકાને એ બાબતનો અંદાજ આવવા દીધો નહોતો. જાણે કશું જ ના જોયું હોય તેવો ડોળ કરીને યુક્તિપૂર્વક સૂપને બાલ્કની બહાર ઢોળીને પોતે સૂપ પી ગયો હોવાનો દેખાડો કર્યો હતો.
ભોજન બાદ રોજની જેમ માથું દુઃખતું હોવાનું નાટક કરીને તે રૂમમાં જઈને સૂઈ ગયેલો.
મધરાતે અચાનક રુમનો દરવાજો ખૂલ્યો હતો અને અનામિકા બીજા રૂમમાં ગયેલી.
થોડીવાર બાદ તેણે બીજા રૂમમાં ડોકિયું કર્યું તો અનામિકા પલંગ પર કોઈ બીજી સ્ત્રી સાથે નિર્વસ્ત્ર હાલતમાં, ગાઢ આલિંગનમાં એકમેક પર પડેલી હાલતમાં જોવા મળી હતી.
આ બાબતે ફરિયાદીએ અનામિકા કે પરિવારજનોને કશી જ વાત કરી નહોતી.
પત્નીએ ટુકડે ટુકડે ૧૧ લાખ રૂપિયા પડાવ્યાં
લગ્ન કરીને સાસરે આવ્યા બાદ પણ અનામિકા ફરિયાદીના પરિવારજનો સાથે બહુ હળતી મળતી નહોતી. તેનું વર્તન સતત અજુગતું જણાતું. અનામિકા સતત ઓછાં સમયમાં કેવી રીતે માલદાર બની જવાય તેવી જ વાતો કરી તેના જ વિચારોમાં ખોવાયેલી રહેતી.
અનામિકા સતત પતિ પાસે પૈસા માગ્યા કરતી. એકવાર અનામિકાએ પોતાના ભાઈની એજ્યુકેશન ફીના બહાને પતિ પાસે ત્રણ લાખ રૂપિયા માગેલાં.
આટલા રૂપિયાની તરત વ્યવસ્થા થઈ શકે તેમ ના હોવાનું અને બે ત્રણ દિવસ રાહ જોવા કહેતા તેણે પતિ જોડે ઉગ્ર બોલાચાલી કરેલી અને પતિએ નછૂટકે તાત્કાલિક નાણાંની વ્યવસ્થા કરી આપી હતી. આ રીતે અનામિકાએ પોતાની પાસેથી અવારનવાર વિવિધ કારણો આગળ ધરીને ટુકડે ટુકડે ૧૧ લાખ રૂપિયા મેળવ્યાં હોવાનું પતિ વજેન્દ્રપ્રસાદે ફરિયાદમાં જણાવ્યું છે.
મને પુરુષોમાં નહીં, સ્ત્રીઓમાં રસ છે
પત્ની સુધરી જશે તે હેતુથી પતિ તેનો ગેરવર્તાવ ચલાવી લેતો હતો. ઓક્ટોબર ૨૦૨૪માં તે અનામિકાને દુબઈ ફરવા લઈ ગયેલો.
હનીમૂન વખતના અનુભવને યાદ રાખીને દુબઈની ટ્રીપમાં તે હોટેલ રૂમમાં ભોજન મગાવવાના બદલે અનામિકા જોડે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતો હતો.
એકવાર રેસ્ટોરન્ટમાં અનામિકા ત્યાં આવેલી સ્ત્રીઓ અને મહિલા કર્મચારીઓને અભદ્ર રીતે જોતી હતી ત્યારે પતિએ તેને ટોકેલી. જવાબમાં અનામિકાએ પતિને કહેલું કે ‘તેને પુરુષોમાં નહીં સ્ત્રીઓમાં રસ છે’ આ વાતચીતનું ફરિયાદીએ ફોનમાં રેકોર્ડીંગ પણ કરી લીધું હતું.
જૂના ફોનના મેસેજ વાંચતા કાવતરાની ખબર પડી
દુબઈથી પરત ફર્યા બાદ પણ અનામિકાના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે સતત ઘરના બગીચામાં ફોન પર કલાકો સુધી સ્ત્રી મિત્રો જોડે વાતો કરતી રહેતી. અનામિકાએ હવે પતિએ ભેટ આપેલો આઈ ફોન વાપરવાનું શરૂ કરેલું. એકવાર પતિએ છૂપી રીતે અનામિકાના જૂના ફોનને લઈ, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ ચેક કરતાં તે ચોંકી ઉઠ્યો હતો. ફોનમાં ઘણાં મેસેજ ડિલીટ થયેલા જોવા મળ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર અનામિકાએ તેની એક સ્ત્રીમિત્રને એવો મેસેજ મોકલ્યો હતો કે ‘તેણે પતિ અને સાસરિયાની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા ગંભીર આરોપ લગાડી, હેરાન પરેશાન કરીને ૧૦૦ કરોડ રૂપિયા પડાવીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો છે’
આ મેસેજ વાંચતા પતિના પગ નીચેની ધરતી સરકી ગઈ હતી. તેણે પોતાના મોબાઈલ ફોનમાં આ મેસેજના સ્ક્રીન શોટ્સ લઈ લીધા હતા.
હમેં બેટી કો ઈન ભેડિયોં કે ઘર મેં નહીં રખની હૈ
અનામિકાના ખોફનાક કાવતરા અને તે પૂર્ણ સ્ત્રી ના હોવા અંગે ફરિયાદીએ પિતા, દાદા સહિતના પરિવારજનોને વાત કરતાં સૌ ચોંકી ઉઠ્યાં હતા. ૦૧-૧૧-૨૦૨૪ના રોજ અનામિકાના પરિવારજનોને આ મામલે વાત કરવા અમદાવાદ બોલાવાયાં હતા. અનામિકાના પરિવારજનોએ તો તેમની વાતો માનવાનો જ ઈન્કાર કરી દીધો હતો. અનામિકાની માતા ‘હમ કો ઈસે ઈન ભેડિયોં કે ઘર મેં નહીં રખની હૈ’ કહીને દીકરીને પોતાની સાથે લઈ ગયેલાં. જતાં જતાં અનામિકાને આપેલું સ્ત્રીધન પણ પરત લઈ લીધું હતું.
સમાધાનના ઈન્કાર બાદ સાસરિયાએ ૧૦૦ કરોડ માગ્યા
થોડાં દિવસ બાદ ૨૭-૧૧-૨૦૨૪ના રોજ શશિકાંત તિવારી, અનામિકાના પિતા અને ભાઈ ફરી અમદાવાદ આવેલા અને તેમણે ફરિયાદી તથા તેના પરિવાર જોડે બેઠક યોજી ‘અનામિકાએ તો બાળબુધ્ધિથી કર્યું છે, બધું ભૂલી જાવ’ કહીને સમાધાન કરી લેવા ખૂબ આગ્રહ અને દબાણ કર્યાં હતા. જો કે, ફરિયાદી અને તેના પરિવારે સમાધાન કરવાનો ઈન્કાર કરી દેતાં અનામિકાના પિતા, ભાઈ વગેરેએ ઉશ્કેરાઈને ઝઘડો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા કહેલું કે ‘અમારી પહોંચ બહુ ઉપર સુધી અને બધે છે. શાંતિથી જીવન વ્યતીત કરવું હોય તો સો કરોડ રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા કરીને પહોંચાડી દો’
આ ગંભીર કલમો તળે નોંધાઈ ફરિયાદ
પોલીસે બનાવ અંગે ફરિયાદી વજેન્દ્રપ્રસાદની પત્ની, સાસુ, સસરાં, ભાઈ, વચેટિયા શશિકાંત તિવારી વગેરે મળી ૬ લોકો સામે ગુનાહિત કાવતરું ઘડવું (BNS ૬૧ ૨), નુકસાન પહોંચાડવા કે બીજો ગુનો આચરવાના હેતુથી કેફી પીણું પીવડાવવું (BNS ૧૨૩), ખંડણી માગવી (BNS ૩૦૮), વિશ્વાસઘાત કરવો (BNS ૩૧૬ ૨), વિશ્વાસઘાત કરી નાણાં મેળવી લેવા (BNS ૩૧૮ ૪), ધમકી આપવી (BNS ૩૫૧ ૩)ની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
નોંધઃ ફરિયાદમાં જેની પર આરોપ કરાયા છે તે મહિલાનું સાચું નામ કચ્છખબરે બદલેલું છે.
Share it on
|