click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Other -> ASI Chatursinh killed over doubt of illicit affairs Two accused arrested
Sunday, 16-Jun-2024 - Bhuj 38031 views
મોસાળમાં મહિલા સાથેના આડા સંબંધોની શંકામાં ભુજના ASIની હત્યા કરી દેવાયેલી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ૪૮ વર્ષિય ASI ચતુરસિંહ ભંવરસિંહ ભાટીની હત્યાનો ભેદ રાજસ્થાન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી બે યુવકોની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલાં યુવકો મૃતક ચતુરસિંહના મામા અને માસીના પુત્રો નીકળ્યાં છે! ચતુરસિંહને મોસાળ પક્ષની કોઈ મહિલા સાથે આડા સંબંધો હોવાની શંકામાં બેઉ જણે તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
નાનીમાના નિધન નિમિત્તે મોસાળ ગયેલો

મરણ જનાર ચતુરસિંહ ભાટી ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા હતા અને છેલ્લાં ત્રણ વર્ષથી ભુજમાં PGVCL સંકુલમાં આવેલા GUVNL પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. મૂળ રાજસ્થાનના ફલોદી જિલ્લાના ટેપુ ગામના વતની ચતુરસિંહ ૧૯૯૬થી ગુજરાત પોલીસ દળમાં જોડાયા હતા અને ભુજમાં અનેક વર્ષો સુધી લોકલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ફરજ બજાવી હતી. ચતુરસિંહના નાનીમાનું નિધન થયું હોઈ તે રજા પર ઉતરીને નાનીમાના બારમાની લૌકિક વિધિમાં જોડાવા જોધપુર જિલ્લાના ઠાડિયા ગામે ગયો હતો. લૌકિક વિધિમાં ભાગ લઈ ચતુરસિંહના મોટાભાઈ અને અન્ય પરિવારજનો પરત ટેપુ ગામ આવી ગયેલાં પરંતુ ચતુરસિંહે પોતાને એક-બે કામ પતાવવાના બાકી હોઈ પછી આવીશ તેમ કહી ગામ પરત ફર્યો નહોતો.

૯ જૂને બાવળની ઝાડીમાંથી બિનવારસી કાર મળેલી

બીજા દિવસે એટલે કે ૯ જૂનથી ચતુરસિંહ લાપત્તા થઈ ગયો હતો, મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયેલો. દરમિયાન, મોસાળના ગામથી થોડે દૂર બાવળોની નિર્જન ઝાડીઓમાંથી તેની હરિયાણા પાસિંગની સ્વિફ્ટ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારમાં લોહીના ડાઘા હતાં. ચતુરના પરિવારજનોએ દોડી જઈ તપાસ કરતાં ખબર પડી હતી કે કારમાંથી ચતુરસિંહની સરકારી પિસ્તોલ, કેટલાંક સરકારી કાગળિયા અને નાણાં ગૂમ છે.

બીજા દિવસે નહેરમાંથી મૃતદેહ મળી આવેલો

બીજા દિવસે જોધપુર શહેરને પેયજલ પૂરું પાડતી રાજીવ ગાંધી લિફ્ટ કેનાલમાં ગંગાડી પમ્પિંગ સ્ટેશનની જાળીમાંથી ચતુરસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ચતુરસિંહની હત્યા થઈ હોવાની આશંકા સાથે મોટા ભાઈ કરણસિંહે ચામુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી  આપી હતી. પોલીસે મેડિકલ બોર્ડ સમક્ષ શબ પરીક્ષણ કરાવતાં તેની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે હત્યા અને પૂરાવાનો નાશ કરવા સબબ ઈપીકો કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ ફરિયાદ દાખલ કરી ગહન તપાસ હાથ ધરી હતી.

ટેકનિકલ સર્વેલન્સમાં બેઉ આરોપી પકડાયાં

ચતુરસિંહ ગુજરાત પોલીસમાં ASI હોઈ હત્યાના બનાવને ગંભીરતાથી લઈ જોધપુરના ગ્રામ્યના એસપી ધર્મેન્દ્રસિંહ યાદવ અને એએસપી ભોપાલસિંહ લખાવતના માર્ગદર્શનમાં પોલીસે વિવિધ તપાસ ટૂકડીઓ બનાવી સઘન તપાસ શરૂ કરી હતી. મોબાઈલ ફોનના ટેકનિકલ સર્વેલન્સમાં પોલીસને ચતુરસિંહના માસિયાઈ અને મામાઈ ભાઈઓ પર શંકા ગઈ હતી.

આડા સંબંધોની આશંકાએ ભાઈઓએ હત્યા કરેલી

શનિવારે રાત્રે પોલીસે મૃતકના મામાના પુત્ર દુર્ગસિંહ રામસિંહ રાજપૂત (૨૪, રહે. ઠાડિયા, જોધપુર) અને માસીના દીકરા ભોમસિંહ જબરસિંહ રાજપૂત (૨૬, રહે. મેહરાજોત ગાઁવ, જૈસલમેર)ને પકડીને પૂછપરછ શરૂ કરતાં બેઉ જણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. મૃતકને મોસાળ પક્ષની મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાના વહેમના કારણે બેઉ જણે મૃતકને મળવા બોલાવી ઠપકો આપેલો. તે સમયે ચતુરસિંહ સાથે ઝઘડો થતાં બેઉ જણે ભેગાં મળીને તેનું ગળું દબાવી હત્યા કરી નાખેલી. બાદમાં કોઈને શંકા ના જાય અને બનાવ લૂંટનો જણાય તે હેતુથી તેમણે સરકારી પિસ્ટલ, રૂપિયા, સરકારી કાગળિયા વગેરે લઈ લીધાં હતાં. પિસ્ટલ સહિતનો મુદ્દામાલ રીકવર કરવા પોલીસની તપાસ જારી રહી છે.

Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી