|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીના ડોણ ગામે જ્યોતેશ્વર મંદિરના કબજા ભોગવટાની વાડીમાં ગાંજાનું વાવેતર કરવાના ગુનામાં ભુજની ખાસ કૉર્ટે વાવેતર કરનાર ખેડૂતને ૧૫ વર્ષની સખ્ત કેદ સાથે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુનામાં જેને સહઆરોપી ગણાવાયેલા મહંતને કૉર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા છે. પશ્ચિમ કચ્છ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજીએ ૦૭-૦૭-૨૦૧૯ના રોજ ડોણ ગામે જ્યોતેશ્વર મંદિર નજીક આવેલી વાડીના ભુંગા પર દરોડો પાડીને ભુંગામાં વેચાણ અર્થે રાખેલો ૧.૨૫ લાખની કિંમતનો ૨૦ કિલો ૮૮૧ ગ્રામ ગાંજો અને વજનકાંટો, વજનીયા જપ્ત કરેલાં. પોલીસે ગાંજાના જથ્થા સાથે મોહન ઉમેદભાઈ પટણી (ઉ.વ. ૪૫) (દેવીપૂજક)ની અટક કરી ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી.
પોલીસ તપાસમાં આ વાડી જ્યોતેશ્વર મંદિરના કબજા ભોગવટાની હોવાનું અને મંદિરના મહંત રવિગિરિ કલ્યાણગિરિ (ઉ.વ. ૩૭, રહે. મૂળ ઊંઝા, મહેસાણા)એ ગાંજાનું વાવેતર કરવા માટે મોહનને વાડી આપીને ગુનામાં મદદ કરી હોવાનો આરોપ કરીને મહંતનું નામ પણ સહઆરોપી તરીકે જોડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
♦બચાવ પક્ષે NDPS Actની કલમ ૪૨, ૪૩ અને ૫૦ અંતર્ગત મુદ્દામાલના સીઝર અને સર્ચ મુદ્દે વાંધો ઉઠાવી મુદ્દામાલને પ્રોપર કસ્ટડીમાં ના રખાયો હોવાનો, મુદ્દામાલ સાથે ટેમ્પરીંગ થયું હોવાની દલીલો કરેલી પરંતુ કૉર્ટે આ દલીલો ગેરમાર્ગે દોરતી હોવાનું જણાવી તમામ જોગવાઈઓનું પાલન થયું હોવાનું ઠેરવ્યું છે.
♦કેસમાં સ્વતંત્ર સાક્ષીની જુબાનીના બદલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના જ પુરાવા રજૂ થયાં હોઈ કેસ શંકાસ્પદ બનતો હોવાની દલીલને પણ કૉર્ટે એમ કહી ફગાવી દીધી હતી કે આરોપી સાથે પોલીસને કોઈ મનદુઃખ, પૂર્વગ્રહ કે દુશ્મનાવટ હોવાના કોઈ આક્ષેપ નથી. આરોપી સામે ખોટી કાર્યવાહી કરવાનો કે વિરોધી પુરાવો આપવાનું કોઈ કારણ નથી.
♦બચાવ પક્ષે એવો પણ વાંધો ઉઠાવ્યો હતો કે હેડ કોન્સ્ટેબલ મદનસિંહને કોણે બાતમી આપી? તે બાતમી લેખીત કે મૌખિક સ્વરુપે હતી? ગુપ્ત બાતમીની સરકારી રેકર્ડમાં નોંધ કરી હોવાનો કોઈ પુરાવો રજૂ કરાયો નથી. જો કે, કૉર્ટે ઠેરવ્યું કે NDPS Actની કલમ ૬૮ મુજબ બાતમીદાર સંબંધેની હકીકતો જાહેર કરવાની પોલીસ કર્મચારીઓને ફરજ પાડી શકાય નહીં.
♦ભુજની વિશેષ NDPS કૉર્ટના ખાસ જજ વિરાટ એ. બુધ્ધે ગાંજા સાથે ઝડપાયેલા મોહન પટણીને દોષી ઠેરવી ૧૫ વર્ષની સખ્ત કેદ સાથે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
♦સહ આરોપી દર્શાવાયેલ મહંત રવિગિરિ બનાવવાળી જગ્યાનો કબજો હવાલો ધરાવતો હોય તેવો કોઈ પુરાવો ના હોવાના, રવિગિરિ કે અન્ય કોઈ ટ્રસ્ટી ટ્રસ્ટની જમીન ખેડે છે તે બાબતે કોઈ તપાસ થઈ ના હોવાનું, બનાવવાળી જગ્યાએથી રેઈડ દરમિયાન આરોપી પકડાયો ના હોવાના કે આરોપીના સભાન કબજામાંથી ગાંજો ના મળ્યો હોવાના મુદ્દાને ધ્યાને રાખીને કૉર્ટે રવિગિરિને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|