કચ્છખબરડૉટકોમ, વડોદરાઃ ટ્રેનો અને રેલવે સ્ટેશનોના મોડર્નાઈઝેશન દાવાઓ વચ્ચે ભારતમાં દોડતી પ્રવાસી ટ્રેનોમાં આજે પણ ગંદકીથી લઈ શુધ્ધ ભોજન, પાણી, લિનન, સુરક્ષાના અભાવ વગેરે સમસ્યાઓ યથાવત્ રહી છે. ગઈકાલે મુંબઈના દાદરથી ભુજ આવવા નીકળેલી સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસના એસી કોચમાં એસી જ કામ ના કરતું હોઈ અકળાયેલાં પ્રવાસીઓએ વડોદરા રેલવે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. પ્રવાસીઓના હોબાળાના પગલે રેલવે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બી-3 નંબરના એસી કોચના પ્રવાસીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે બપોરે મુંબઈથી ટ્રેન ઉપડી ત્યારથી જ કોચમાં જાણે એસી જ કામ કરતું નહોતું અને સ્હેજ પણ કૂલિંગ નહોતું.
કોચના પ્રવાસીઓએ આ અંગે ફરિયાદ કરી ત્યારે રેલવે અધિકારીઓએએ આગલા સ્ટેશન પર રીપેરીંગ થઈ જશે તેવા બહાના કરીને વડોદરા સુધી પહોંચાડી દીધા હતાં.
બંધ કોચમાં કૂલિંગના અભાવે ઘણાં પ્રવાસીઓને ગભરામણ થઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓએ હોબાળો કરવા છતાં હવે આગલા સ્ટેશન પર એસીનું સમારકામ થઈ જ જશે તેવી ગોળી વધુ એકવાર પીવડાવીને ટ્રેનને આગળ ધપાવી દેવાઈ હતી!
Share it on
|