કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપકુમાર નિરંકરનાથ શર્માને કચ્છના કાર્યકાળ દરમિયાન આચરેલાં ભ્રષ્ટાચારના ત્રણ ગુનામાં અમદાવાદની વિશેષ ઈડી કૉર્ટે ૫ વર્ષની કેદ અને ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૦૩-૦૪ દરમિયાન સત્તા બહાર જઈને અંજાર નજીક વેલસ્પન કંપનીને નજીવા દરે બિનખેતીની જમીન ફાળવી સરકારી તીજોરીને અંદાજે ૧.૨૭ કરોડનું નુકસાન કરવા સબબ ૨૦૧૦માં સીઆઈડી ક્રાઈમ (રાજકોટ ઝોન)એ શર્મા સહિતના અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પાછળથી વધુ બે ગુના દાખલ થયેલાં
તપાસ દરમિયાન શર્માના મોબાઈલ ફોનનું બિલ વેલસ્પન કંપની અને રતન એન્ટરપ્રાઈઝ નામની કંપની ભરતી હોવાનું ખૂલતાં તે જ વર્ષે શર્મા વિરુધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમો તળે સીઆઈડી ક્રાઈમે બીજો ગુનો દાખલ કર્યો હતો. ચાર વર્ષની ગહન તપાસમાં બહાર આવ્યું હતું કે વેલસ્પનને નિયમભંગ કરીને ગેરકાયદે જમીન ફાળવવાની અવેજમાં વેલસ્પન કંપનીએ વેલ્યુ પેકેજીંગ નામની સબસીડીયરી કંપની બનાવેલી જેમાં શર્માના પત્નીને ૩૦ ટકાના પાર્ટનર બનાવી શર્માને ૨૯.૫ લાખ રૂપિયા નફા પેટે ખટાવ્યાં હતાં. આ મામલે ૨૦૧૪માં શર્મા વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમો તળે ત્રીજો ગુનો નોંધાયો હતો.
ત્રણે ગુનાને અનુલક્ષીને ૨૦૧૬માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શર્મા વિરુધ્ધ પ્રીવેન્શન ઑફ મની લોન્ડરીંગ એક્ટ તળે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
અગાઉના ત્રણે કેસ ભુજની કૉર્ટમાં ચાલતાં હોઈ ઈડીએ ત્રણે કેસ અમદાવાદસ્થિત ઈડીની ખાસ ડેઝિગ્નેટેડ કૉર્ટમાં ટ્રાન્સફર કરવા ભુજ કૉર્ટમાં અરજી કરેલી. ભુજ સેશન્સ કૉર્ટે તે અરજીને ગ્રાહ્ય રાખીને ૨૦૧૭માં ત્રણે કેસ ઈડી કૉર્ટમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં. ઈડીએ ત્રણે કેસને ક્લબ કરીને પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, તત્કાલિન અધિક કલેક્ટર ફ્રાન્સિસ આશ્રેદાસ સુવેરા, ટાઉન પ્લાનર નટુભાઈ મોતીભાઈ દેસાઈ, વેલસ્પનના ડાયરેક્ટર અસિમ ચક્રવર્તી અને સુનિલ મિલાક વિરુધ્ધ એકસાથે ત્રણે કેસમાં ચાર્જ ફ્રેમ કર્યાં હતાં.
આ ગુનામાં પાછળથી અસિમ ચક્રવર્તી અને સુનિલ મિલાકે રાજના સાક્ષી બની જતાં કૉર્ટે તેમને આરોપી તરીકે પડતાં મૂકી, ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે તેમની જુબાની લીધી હતી.
શર્માને સજા, અન્ય બે અધિકારી નિર્દોષ જાહેર
વિશેષ ઈડી કૉર્ટે આજે ૫૬ સાક્ષીઓની જુબાનીના આધારે ત્રણે ગુનામાં શર્માને દોષી ઠેરવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩ હેઠળ ૫ વર્ષની કેદ અને ૫૦ હજાર રૂપિયા દંડ તથા કલમ ૧૧ હેઠળ ૩ વર્ષની કેદ અને ૨૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કેદની સજા એકસાથે ભોગવવાની રહેશે.
ગુનાના સહઆરોપી એફ.એ. સુવેરા અને એન.એમ. દેસાઈને કૉર્ટે નિર્દોષ છોડી મુક્યાં છે.
આ કેસમાં ઈડી તરફે વિશેષ સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી, આર.સી. કોડેકર અને અમિત પટેલે દલીલો કરી હતી. સ્પે. પી.પી. ગોસ્વામીએ ઉમેર્યું કે ઔદ્યોગિક હેતુ માટે કોઈ પણ ઉદ્યોગગૃહને કલેક્ટર મહત્તમ બે હેક્ટર અથવા ૧૫ લાખના મૂલ્યથી વધુની જમીન ફાળવી ના શકે, તે નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે તે નિયમનો શર્માએ ભંગ કરીને પોતાની મેળે સત્તાની ઉપરવટ જઈ વેલસ્પનને નિયત મર્યાદાથી વધુ જમીન ફાળવી હતી.
Share it on
|