કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ જીવંત દંતકથા સમાન ગણાતાં પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન અને તેમની પત્ની સાયરા વચ્ચેના ૨૯ વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો છે. દંપતીએ સંયુક્ત રીતે એકમેકથી છૂટાં પડવાના નિર્ણયની જાહેરાત કરતાં રહેમાનના ચાહકો અને સેલિબ્રિટીઝને ભારે આંચકો લાગ્યો છે. બંને જણે ભારે હૃદયે એકમેકથી વિખૂટાં પડવાનો નિર્ણય લેતાં હોવાનું જણાવી તેમના આ નિર્ણયનું સન્માન કરીને તેમની પ્રાઈવસી જાળવી રાખવા ચાહકોને અનુરોધ કર્યો છે.
સાયરા કચ્છની દીકરી, પિતા હતા પાયલોટ
એ.આર. રહેમાનની પત્ની સાયરાનો જન્મ ડિસેમ્બર ૧૯૭૩માં કચ્છમાં થયો હતો. સાયરાના પિતા અબ્દુલ સત્તાર ઈન્ડિયન એરલાઈન્સમાં પાયલોટ હતા અને પાછળથી તેઓ સાઉદી એરલાઈન્સમાં જોડાયાં હતાં. બાળપણમાં સાયરા સ્થાનિકે કન્યાશાળામાં ભણી હતી. ત્યારબાદ પરિવાર ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો હતો.
૧૯૯૫માં રહેમાન સાથે થયા હતા લગ્ન
રહેમાન અને સાયરાના લગ્ન એરેન્જ્ડ મેરેજ હતાં. જો કે, બેઉના લગ્નની પાછળથી કથા ઘણી રોચક છે. બન્યું એવું હતું કે રહેમાનની બહેન અને માતા ચેન્નાઈમાં મોતી બાબાની દરગાહે માથું ટેકવવા ગયાં ત્યારે તેમણે સાયરાની નાની બહેન મેહરને જોઈ હતી. દેખાવે સુંદર મેહરને જોઈને રહેમાનની માતાએ તેને મનોમન પોતાની પુત્રવધૂ બનાવવાનો સંકલ્પ લીધો હતો. મેહરને મળીને પ્રાથમિક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે તે દરગાહની નજીક જ રહે છે.
રહેમાનની માતા મેહરના ઘરે ગયાં ત્યારે ત્યાં મોટી બહેન સાયરાને જોઈ હતી. દેખાવે અતિ સુંદર સાયરાને જોઈને રહેમાનની માતાએ તુરંત વિચાર બદલી નાખ્યો હતો અને તેના પરિવાર જોડે સાયરાનો હાથ માગ્યો હતો. ૧૯૯૫માં બેઉના નિકાહ થયાં હતાં.
લગ્નજીવન દરમિયાન ખતીજા, રહીમા નામની બે દીકરી અને એ.આર. આમીન નામના પુત્રના માવતર બન્યાં હતાં. ત્રણે સંતાનોએ પણ પિતાના પગલે ચાલીને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેમની કેરિયર બનાવી છે. સંતાનોએ પણ માવતરના નિર્ણયનું સન્માન જાળવવા અનુરોધ કર્યો છે. સાયરા આરોગ્ય, શિક્ષણ અને સમાજોત્થાનની સેવાભાવી પ્રવૃત્તિઓ કરતી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Share it on
|