કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ તમારી બેન્કની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરીને ખાતું ઓપરેટ કરતા હો તો સાવધાન થઈ જજો. સાયબર માફિયા તમારી જાણ બહાર આ એપને હૅક કરીને ખાતામાં રહેલા રૂપિયા સફાચટ કરી શકે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા ગાંધીધામના અમરત સોલંકી નામના યુવક સાથે આવો બનાવ બન્યો છે. ૨૪મી એપ્રિલના રોજ અમરત ઘરે સૂતો હતો. સાંજે ૬.૩૦ વાગ્યે ઉઠીને મોબાઈલ હાથમાં લઈ કેનેરા બેન્ક દ્વારા આવેલો મેસેજ વાંચ્યો તો ભડકી ઉઠ્યો હતો. તેના ખાતામાંથી બે હજાર રૂપિયા ઉપડી ગયા હતા. અમરતે તરત બેન્કની એપ ઓપન કરવા પ્રયાસ કરેલો પરંતુ એપ હૅક થઈ ગઈ હોઈ ઓપન થઈ નહોતી.
ગૂગલ પેથી તેણે બેન્ક બેલેન્સ ચેક કરતા ખબર પડી હતી કે તેના ખાતામાંથી કુલ ૨.૨૨ લાખ રૂપિયા ઉપડી ગયા છે. અમરતે બીજા દિવસે બેન્કમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોબાઈલમાં ઈન્સ્ટોલ કરેલી એપનો પાસવર્ડ બદલીને સાયબર ગઠિયાઓ ‘કળા’ કરી ગયા છે.
બેન્ક અધિકારીઓએ આપેલી સૂચના મુજબ એપ અન-ઈન્સ્ટોલ કરીને રી-ઈન્સ્ટોલ કરી ચેક કરતા જણાયું હતું કે તેના ખાતાના રૂપિયા પ્રિન્સકુમાર શૉ નામના કોઈ અન્ય શખ્સના HDFC બેન્ક ખાતામાં IMPSથી જમા થયા હતા. નાણાંની ટ્રાન્સફર સમયે તેને કોઈ જ પ્રકારનો OTP આવ્યો નહોતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Share it on
|