કચ્છખબરડૉટકોમ, જૂનાગઢઃ દાદીના ખાતામાં પડેલી મરણમૂડી સમાન ૨૨ લાખ રૂપિયા પૌત્ર અને પુત્રવધૂ છેતરીને હજમ કરી ગયાં હોવાની ફરિયાદ જૂનાગઢના માળિયા હાટીના પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આદિપુરમાં રહેતાં કૃષિક માધાભાઈ સોંદરવા અને તેની માતા જ્યોત્સનાબેન સામે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે રહેતાં ૬૫ વર્ષિય ફરિયાદી રાણીબેન રાજાભાઈ સોંદરવા જણાવ્યું કે તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓ હતા. સૌથી મોટા પુત્ર માધાભાઈ અને તેનાથી નાની દીકરી લલિતાનું નિધન થઈ ચૂક્યું છે. નાનો પુત્ર માંગરોળમાં સપરિવાર રહે છે અને બે દીકરીઓ સાસરિયે સુખી છે. બે વર્ષ અગાઉ પતિનું મૃત્યુ નીપજ્યાં બાદ રાણીબેન ગામમાં એકાકી જીવન ગાળે છે.
થોડાંક મહિનાઓ અગાઉ માવતર પક્ષની જમીનમાંથી અઢી વિઘા જમીન ભાગે આવેલી. આ જમીન રાણીબેને ૩૦ લાખ રૂપિયામાં ભત્રીજાને વેચી હતી. ૩૦ લાખમાંથી ૬ લાખ પોતાની પાસે રાખી બાકીના ૨૪ લાખ રૂપિયા રાણીબેને બેન્ક ખાતામાં જમા કરાવ્યાં હતાં.
ગત એપ્રિલ મહિનામાં આદિપુર રહેતી દિવંગત મોટા પુત્ર માધાભાઈની વહુ જ્યોત્સના પુત્ર કૃષિક સાથે લગ્નપ્રસંગે ગામમાં આવી હતી. સાસુના ખાતામાં પડેલાં નાણાં હડપ કરી જવાના આશયથી જ્યોત્સનાએ સાસુને ભોળવીને જણાવ્યું હતું કે માધાભાઈનો ઈન્સ્યોરન્સ મંજૂર થવાનો છે તેમાંથી તમને પણ રૂપિયા મળશે જે બેન્કમાં જમા થશે. નાણાંના વહીવટની સરળતા માટે જ્યોત્સનાએ સાસુને વિશ્વાસમાં લઈ તેમના બેન્ક ખાતાને જોઈન્ટ ખાતામાં તબદીલ કરાવી પોતાનું નામ ઉમેરી દેવડાવ્યું હતું.
ત્યારબાદ વહુ અને પૌત્રએ અલગ અલગ તારીખે જુદાં જુદાં બહાના બતાડી ચેકબૂક ઈસ્યૂ કરાવી હતી અને ખોટું બોલી ફરિયાદીના અંગુઠાના નિશાન કરાવી લીધાં હતાં. ટૂકડે ટૂકડે ફરિયાદીની જાણ બહાર બેન્ક ખાતામાંથી ૨૨ લાખ કાઢી લીધાં હતાં.
આ અંગે જાણ થયાં બાદ રાણીબેને નાણાં પરત મેળવવા તેમને વિનવણીઓ કરી હતી પરંતુ વહુ અને પૌત્રએ નાણાં પરત આપ્યાં નહોતાં. હારી થાકીને પૈસા પાછાં મેળવવા તેમણે મે અને જૂલાઈ માસમાં પોલીસ મથકે ત્રણ અરજીઓ કરી હતી પરંતુ નાણાં પરત ના મળતાં અંતે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
Share it on
|