|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા નિવૃત્ત શિક્ષકના રહેણાક મકાનમાંથી ભેદી સંજોગોમાં સાડા સાત તોલાના ૨.૮૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં અને રોકડાં રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. કેમ્પ વિસ્તારમાં પવનચક્કી નજીક, ટીબી હોસ્પિટલ પાસે રહેતા ૬૩ વર્ષિય નિવૃત્ત સરકારી શિક્ષક સબ્જાઅલી હબીબ ખોજાના રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે દીકરો દીકરી બેઉ ગુજરાત બહાર વસવાટ કરે છે. પત્ની ઘરની બાજુમાં બ્યુટી પાર્લર ચલાવે છે. ૧૫ ફેબ્રુઆરીના રોજ જમાતખાનામાં ધાર્મિક પ્રસંગ હોઈ તેમના પત્ની ઘરેણાં પહેરીને ત્યાં ગયેલાં. બીજા દિવસે તમામ ઘરેણાં કાઢીને પત્નીએ બેડરૂમના કબાટમાં લોખંડની તીજોરીમાં રાખી દીધેલાં.
૨૩ ફેબ્રુઆરીના રોજ આ ઘરેણાંને બેન્કના લૉકરમાં મૂકવા વધુ હિતાવહ માનીને ઘરેણાં લેવા માટે તીજોરી ખોલી ત્યારે બંગડી, અંગુઠી, બ્રેસલેટ સહિતના સાડા સાત તોલાના પાંચ ઘરેણાં ગુમ થઈ ગયાં હોવાનું માલૂમ પડેલું.
એટલું જ નહીં તીજોરીમાં રાખેલી રોકડ રકમમાંથી અમુક રૂપિયા ચોરાઈ ગયા હોવાનું જણાયેલું. કેટલાં રૂપિયા ચોરાઈ ગયા તેનો તેમને અંદાજ નથી.
ફરિયાદીએ પોતાની મેળે તપાસ કરતાં માલૂમ પડેલું કે તીજોરીની ચાવી જ્યાં રાખે છે ત્યાં જ યથાવત્ પડેલી. ઘરમાં ક્યાંય કોઈ બારી બારણામાં ભાંગફોડ કરીને ચોર આવ્યો હોવાનું કોઈ નિશાન કે પુરાવો જોવા મળ્યો નહોતો.
આ ચોરી કોઈ જાણભેદુએ જ કરી હોવાની આશંકાના આધારે અત્યારસુધી તેઓ પોતાની મેળે તપાસ કરતાં હતા. આખરે તેમણે પોલીસનું શરણ લીધું છે. ભુજ બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઈ ધવલ ડી. શિમ્પીએ ચોરીના ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
Share it on
|