click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Kutch -> Panic in Bhuj Court after bomb threat email Blast threatened at 2 PM
Thursday, 05-Mar-2026 - Bhuj 16383 views
બપોરે બે વાગ્યે ભુજ કૉર્ટમાં બોમ્બ વિસ્ફોટ થવાના ધમકીભર્યાં ઈ-મેઈલથી મચી દોડધામ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ધુળેટીની રજા બાદ આજે ભુજની સેશન્સ કૉર્ટ ઉઘડી અને વકીલો-અસીલો કેસની મુદ્દતે પહોંચ્યાં ત્યાં જ દોડધામ મચી ગઈ. ભુજ કૉર્ટના સત્તાવાર ઈ મેઈલ એડ્રેસ પર એક ઈ મેઈલ આવ્યો હતો. કૉર્ટ સંકુલમાં બોમ્બ હોવાની અને બપોરે બરાબર બે વાગ્યે વિસ્ફોટ થવાની ઈમેઈલમાં ધમકી અપાઈ હતી. કૉર્ટે ઈ-મેઈલને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમે તુરંત જ ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત દોડી ગઈ હતી.

મુખ્ય બે સંકુલ સહિતના ત્રણ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો અને અસીલોને પોલીસે તત્કાળ કૉર્ટ બહાર જવા સૂચના આપી હતી.

ગહન તપાસ બાદ પોલીસની સબ સલામતની જાહેરાત

કૉર્ટમાં બોમ્બ મૂકાયો હોવાની વાત જાણીને લોકો પણ ગભરાઈને કૉર્ટમાંથી બહાર દોડી આવ્યાં હતા. કૉર્ટ સંકુલને ખાલી કરાવવા સમાંતર પોલીસે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ તથા ડૉગ સ્ક્વૉડને બોલાવીને ત્રણે સંકુલોમાં ગહન તપાસ હાથ ધરેલી. લોકો ઉચ્ચક જીવે કૉર્ટ બહાર પોલીસ કાર્યવાહીને નિહાળતા રહેલાં. કૉર્ટ સંકુલમાં કોઈ જ પ્રકારની વાંધાજનક ચીજ મળી આવી નહોતી. બપોરે બે વાગ્યા બાદ પોલીસે સબ સલામત જાહેર કરતાં કૉર્ટની આંશિક કામગીરી શરૂ થઈ હતી.

દક્ષિણ ભારતીય જણાતાં નામ પરથી મેઈલ આવેલો

ભુજ એ ડિવિઝનના પીઆઈ એ.એમ. પટેલે જણાવ્યું કે ઘટના અંગે હજુ કૉર્ટ દ્વારા કોઈ વિધિવત્ ફરિયાદ નોંધાવાઈ નથી. જે ઈ-મેઈલ એડ્રેસ પરથી મેઈલ આવેલો તે કોઈ દક્ષિણ ભારતીય શખ્સના આઈડી પરથી આવ્યો હોય તેમ જણાય છે. ભુજ કૉર્ટ ઉપરાંત વડોદરાની દિવાળીપુરા અને અમદાવાદની કૉર્ટને પણ આવો ઈ-મેઈલ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ઈમેઈલ આવેલો તે સીસી તરીકે નહીં પણ સ્વતંત્ર રીતે ભુજ કૉર્ટને જ ઉદ્દેશીને મોકલાયો હતો. અમે ઈ-મેઈલ આઈડી અંગે તપાસ હાથ ધરી છે.

સરકારી કચેરીઓ, જનતામાં કોણ ગભરાટ ફેલાવે છે?

ગુજરાતમાં છેલ્લાં ઘણાં મહિનાથી સરકારી અને ખાનગી શાળાઓ, ગુજરાત હાઈકૉર્ટ સહિતની જિલ્લા અદાલતો, એરપોર્ટો, પાસપોર્ટ અને પોસ્ટ ઑફિસોમાં બોમ્બની ધમકીના ઈ-મેઈલ આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ભુજની પાસપોર્ટ અને પોસ્ટ ઑફિસમાં પણ આવા જ મેઈલથી દોડધામ મચેલી.  

કેટલાંક કેસમાં પોલીસ આરોપીઓને પકડે છે પરંતુ મોટાભાગના કેસમાં આવા મેઈલ વિદેશી સર્વર અને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક પરથી મોકલાતાં હોઈ તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવું અઘરું થઈ જાય છે.

ત્રણ ચાર દિવસ અગાઉ જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈમેઈલથી મોકલાતી ધમકી સંદર્ભે એક શખ્સની ધરપકડ કરી છે. જે વર્ષોથી વપરાશમાં ના હોય તેવા ઈમેઈલ આઈડીને હૅક કરીને બીજાને બારોબાર વેચી મારતો હોવાનું ખૂલ્યું છે. આ એક પ્રકારનું સાયબર ટેરરીઝમ છે. જેનો હેતુ વિનાકારણ સરકારી તંત્રો, પોલીસ અને સુરક્ષા એજન્સીઓને દોડતી રાખવાનો તથા આમજનતામાં ગભરાટ ફેલાવવાનો છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો