click here to go to advertiser's link
Visitors :  
30-Aug-2026, Sunday
Home -> Other -> 3 Arrested While Trying to Abduct Businessman for Rs 50 Lakh Ransom in Surat
Saturday, 29-Aug-2026 - Surat 1595 views
૫૦ લાખ પડાવવા સુરતમાં યુવકનું અપહરણ કરવા જતા ભુજના સૂત્રધાર સહિત ત્રણ પકડાયાં
કચ્છખબરડૉટકોમ, સુરતઃ ભુજમાં મસાલાનો વેપાર કરતા યુવકે અન્ય સાગરીતો સાથે મળીને સુરતના જમીનના ધંધાર્થીને યુક્તિપૂર્વક ફસાવીને પચાસ લાખ રૂપિયા ખંડણી વસૂલવા ભારે જુલમ ગુજાર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. વેપારીનું અપહરણ કરવા જતાં ત્રણે જણ યોગાનુયોગે પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયાં છે. ઘટના અંગે સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં જમીન ધંધાર્થીએ વિવિધ કલમો તળે કુલ પાંચ જણાં સામે ફરિયાદ નોંધાવી છે.
ભુજના મસાલાના વેપારીએ ખંડણી પડાવવા રચ્યું કાવતરું

સુરતના વેસુમાં રહેતો ૪૦ વર્ષિય વિનીત રજનીકાન્ત દેસાઈ જમીન લે-વેચનો ધંધો કરે છે. ફરિયાદી ૨૦૨૪માં શાકભાજીનો ધંધો કરતો હતો ત્યારે ભુજમાં રહેતા મસાલાના વેપારી મોઈન હુસેન ચાકી (ઉ.વ. ૨૮, રહે. ચંદન મસાલાની બાજુમાં, એકતાનગર ચોકડી, મોટા પીર રોડ, સંજોગનગર) સાથે પરિચય થયેલો. બેઉ વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી રહેતી.

ગત મે મહિનામાં એક દિવસ મોઈને વિનીતને ફોન કરીને પોતાને દિલ્હીથી આંગડિયા મારફતે સુરતમાં એક જણને પચાસ લાખ રૂપિયા મોકલવાના હોવાનું જણાવી કોઈ પરિચિત આંગડિયાવાળાને ઓળખતાં હો તો કોન્ટેક્ટ કરાવી આપવા વિનંતી કરેલી.

વિનીતે મિત્રભાવે મદદ કરવાના હેતુથી  મુંબઈ રહેતાં અને આંગડિયાનું કામ કરતા પોતાના ઓળખીતા બબલુ ઊર્ફે આશિકખાનનો મોઈન સાથે ટેલિફોનિક સંપર્ક કરાવી આપેલો. ત્યારબાદ બબલુએ વિનીતને ફોન કરીને મોઈનનું આંગડિયું કરી દીધું હોવાનું કહેલું.

પેમેન્ટ નથી મળ્યું, હવે તારે ચૂકવવું પડશે!

એક મહિના બાદ મોઈને વિનીતને ફોન કરીને સુરતમાં જેને પચાસ લાખનું આંગડિયું કરવાનું હતું તેને પેમેન્ટ ના મળ્યું હોવાનું જણાવીને બબલુનો કોન્ટેક્ટ કરવા કહેલું. વિનીતે બબલુને ફોન કરતાં તેણે પેમેન્ટ ના થયું હોવાનું કબૂલીને ટૂંક સમયમાં પેમેન્ટ કરાવી દઈશ તેવી ખાતરી આપેલી. બબલુએ પેમેન્ટ ના કરતાં પાંચમી જૂલાઈએ મોઈન સુરત આવેલો અને વિનીતને નિર્જન જગ્યાએ રૂબરૂ મળવા માટે બોલાવેલો. મોઈને પચાસ લાખનું પેમેન્ટ ના થયું હોવાનું જણાવી વિનીતને પતાવી દેવાની ધમકી આપેલી.

વિનીત પાસે રહેલા પર્સમાં પડેલી ચેકબૂકમાંથી બે ચેક બળજબરીપૂર્વક છીનવી લઈને ધમકી આપેલી કે ‘તેં અથવા બબલુએ જો મારા પૈસા પાછાં ના આપ્યા અથવા ચેક રિટર્ન થયાં તો તું તો ગયો જ સમજી લેજે’

મોઈને ચેકમાં ૨૦ લાખની રકમ નાખીને બેન્કમાં નાખેલો જે ૧૫ જૂલાઈના રિટર્ન થયેલો. જેથી મોઈને વિનીતને ફોન કરી ધમકી આપેલી કે ‘છેલ્લી તક આપું છું, એક મહિનામાં તે પૈસા ના ચૂકવ્યાં તો સુરતમાં મારી પાસે પૈસાની રિકવરી કરવાવાળા ઘણાં બધાં છે. તેમને તારો હવાલો આપી દઈશ’

પેમેન્ટ મુદ્દે ધાક-ધમકી કરી પાંચ હજાર પડાવેલાં

૨૩ ઑગસ્ટના રોજ મોઈન ચાકીએ સુરત આવીને વિનીતને ફોન કરી રેલવે સ્ટેશન પાસે આવેલી ચાની હોટેલ પર મળવા બોલાવેલો. વિનીત તેને મળવા ગયો ત્યારે મોઈન સાથે મુસા નામનો શખ્સ પણ હાજર હતો. પૈસા કઢાવવા માટે મુસાને હવાલો આપ્યો હોવાનું મોઈને જણાવેલું. મુસાએ પણ વિનીત જોડે ડાટી-ડફારા કરીને ગમે તે રીતે પૈસા આપી દેવા જણાવેલું. ડરી ગયેલા વિનીતે બેથી ત્રણ દિવસનો સમય માગેલો. તે સમયે બેઉ જણે વિનીત પાસે રહેલા પર્સમાંથી પાંચ હજાર રોકડાં રૂપિયા કઢાવી લીધા હતા.

બીજા દિવસે વિનીતે બબલુને ફોન કરતાં તેણે ભાંડો ફોડેલો કે ‘તારી જોડેથી રૂપિયા કઢાવવા મેં અને મોઈને કાવતરું ઘડેલું. હું અને મોઈન બેઉ પાર્ટનર છીએ’

૨૬ ઑગસ્ટે મોઈને ફોન કરીને વિનીતને ફરી રેલવે સ્ટેશન નજીક આવેલી ચાની હોટેલ પર મળવા બોલાવેલો. ફરી મોઈન અને મુસાએ રૂપિયા કઢાવવા ધાક-ધમકી કરેલી.

મુસાએ મોબાઈલમાં રહેલો વીડિયો બતાડીને વિનીતને કહેલું કે ‘પૈસા ના મળે તો નાગો કરીને મારશું. અલ્તાફ ભાઈને ખાલી ઉઠવા દે’

ત્યારબાદ મુસાએ આ કહેવાતા અલ્તાફ ભાઈ જોડે વિનીતની ફોન પર વાત કરાવેલી. અલ્તાફ ભાઈએ પણ ધાક ધમકી કરેલી.

કીડની વેચીને પૈસા કઢાવવા ધમકી આપેલી

મુસાએ તેને કહેલું કે ‘જો કાલ સુધી પૈસા ના આપ્યા તો મુંબઈ લઈ જઈને તારી પાસે કન્સેન્ટ લેટરમાં સહી કરાવીને એક કીડની કાઢી લઈ વેચી મારશું’ મુસાએ બળજબરીથી વિનીતના મોબાઈલમાં રહેલી બેન્ક એપમાં લોગ ઈન કરાવીને છેલ્લાં ત્રણ મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ અને વિનીત જે ભાડાના ઘરમાં રહે છે તે ઘરના ભાડા કરારની નકલ મોઈનના વોટસએપ પર મેળવી હતી. એટલું જ નહીં, વિનીતના ઘરના સરનામાંની ખરાઈ કરવાના હેતુથી તેની જોડે ગાડીમાં બેસીને ઘર પાસે રૂબરૂ આવેલાં. ફરી ચાની હોટેલ પર લઈ ગયેલાં અને ત્યાં તેમણે વિનીતની કાર માગેલી. વિનીતે કાર આપવા ઈન્કાર કરેલો.

પેમેન્ટ બાકી હોવાની કબૂલાત કરાવતો વીડિયો બનાવ્યો

મુસાએ તેને મોઈનની બાજુમાં બળજબરીથી ઊભો રખાવીને ‘મોઈન ચાકીએ મને જમીનના વ્યવહાર પેટે આપેલા ૫૦ લાખ ચૂકવવાના બાકી છે, તેમાંથી ૨૫ લાખ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ચૂકવી આપીશ અને બાકીના રૂપિયા એક મહિના પછી આપીશ’ તેવી પરાણે કબૂલાત કરાવી તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ કારની ડીકીમાં રહેલી જમીનના પેપર્સને લગતી ત્રણ ફાઈલો અને વિનીતની એક્ટિવાની આરસી બૂક કબજે કરી લઈને તેને પરત જવા દીધેલો.

આ સમયે મોઈને તેને જણાવેલું કે ‘બબલુ તેનો પાર્ટનર જ છે અને પૈસા કઢાવવા તેમણે કાવતરું રચ્યું છે’ આ ઘટના અંગે વિનીતે વેસુ પોલીસ સ્ટેશને જઈને આરોપીઓ સામે અરજી આપેલી.

૨૭ ઑગસ્ટ ગુરુવારે સાંજે ચાર વાગ્યે મોઈન I-20 કારમાં મુસા તેમજ ઈમરાન નામના ત્રીજા સાગરીત સાથે વિનીતના ઘર પાસે આવીને તેને મળવા બોલાવેલો. ત્રણે જણે પૈસાની માંગણી કરીને વિનીતને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કરતાં ગભરાઈ ગયેલાં વિનીતે ફોન પર પોલીસને જાણ કરેલી. નજીકમાં જ પોલીસ ચોકી હોઈ ત્યાંથી પોલીસ કર્મીઓએ સ્થળ પર દોડી આવીને વિનીતને ત્રિપુટીની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

ત્રિપુટીએ પોલીસ સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતાં પોલીસ ત્રણે જણને સરકારી ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવેલી. ત્રણે વિરુધ્ધ ખંડણી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.

આરોપીઓમાં મોઈન ચાકી ઉપરાંત મોહમ્મદ મસુદ ઊર્ફે મુસા મુખ્તાર ફન્ડોલે (મૂળ રહે. થાણે, મહારાષ્ટ્ર હાલ રહે. ડીંડોલી, સુરત), ઈમરાન મુસ્તાક ખાન (રહે. લિંબાયત, સુરત), બબલુ ઊર્ફે આશિકખાન અને અલ્તાફનો સમાવેશ થાય છે. વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ જિજ્ઞેશ એ. રાઠવા, પીએસઆઈ એ.કે. ચૌધરી સહિતના સ્ટાફે અન્ય આરોપીઓને પકડી પાડવા કમર કસી છે.

Share it on
   

Recent News  
સસ્તાં સોનાના નામે ભુજના ચીટર મીઠીયા અને તેના પુત્રોએ ૫૪.૧૫ લાખની કરી ઠગાઈ
 
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ
 
શિકારી હોવાની શંકામાં લોરીયાના સીમાડે વન વિભાગના કર્મીઓએ બે યુવકને કૂટી નાખ્યાં!