કચ્છખબરડૉટકોમ, રાજકોટઃ રાજકોટના નાના મોવા રોડ પર TRP ગેમ ઝોનમાં આજે ઢળતી બપોરે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલો છે. મરણઆંક હજુ વધી શકે છે તેવી ભીતિ છે.
Video :
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે સાંજે સાડા ચારના અરસામાં આગ લાગી હોવાનો ફાયર કંટ્રોલ રૂમને કૉલ આવ્યો હતો. આગ કયા કારણે લાગી તે સ્પષ્ટ નથી પરંતુ ગેમ ઝોનમાં રમવા આવેલાં મોટાભાગના બાળકો જીવતાં ભડથું થઈ ગયાં છે.
અનેક બચ્ચાંનાં મૃતદેહ એટલી હદે બળીને ખાખ થઈ ગયાં છે કે તેમના મૃતદેહની ઓળખ DNA ટેસ્ટ વગર અશક્ય છે. શાળાઓમાં ઉનાળાનું વેકેશન અને તેમાં શનિ રવિની રજાઓ હોઈ સામાન્ય દિવસો કરતાં આજે ગેમ ઝોનમાં બાળકોની સંખ્યા વધુ હતી. મૃતક બાળકોમાં રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ અને ઉપલેટા સહિતના અન્ય શહેરો તાલુકાના હોવાની શક્યતા છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટાં પાંચ કિલોમીટર દૂરથી દેખાતાં હતાં. દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તપાસ માટે કમિટિની રચના કરી ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે. પોલીસે ગેમ ઝોનના સંચાલક અને મેનેજર સહિત ત્રણેક લોકોની અટક કરી છે. રાજકોટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય આવી ભીષણ હોનારત સર્જાઈ નથી.
ફાયર સેફ્ટીનો સંપૂર્ણ અભાવ હતો
ટીવી ચેનલોના અહેવાલો મુજબ રાજકોટમાં આવા ૧૨ ગેમ ઝોન ચાલે છે. જ્યાં દુર્ઘટના ઘટી તે ગેમ ઝોન સહિત મોટાભાગના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી. તંત્રએ કદી અહીં ચેકિંગ પણ કર્યું નથી.
દુર્ઘટના માટે સરકારી હપ્તાખોરી જવાબદાર
આ દુર્ઘટના અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આઘાત વ્યક્ત કરી આક્રોશ દર્શાવ્યો છે કે હાઈકૉર્ટ વારંવાર ફાયર સેફ્ટીના કડક નિયમોનો અમલ કરાવવા સરકારને સૂચના આપી છે. પરંતુ, સરકારની હપ્તાખોરીના કારણે ફાયર સેફ્ટી અંગે કોઈ એક્શન નથી લેવાતાં અને નિર્દોષ લોકોના મૃત્યુ નીપજી રહ્યાં છે. લોકોના જીવની સુરક્ષા સરકારની જવાબદારી છે.
ઈતિહાસમાંથી કોઈ બોધપાઠ નથી લેવાતો
સુરતનો તક્ષશિલા આગકાંડ હોય કે મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના, વડોદરાનો હરણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ ઊંધી પડતાં સર્જાયેલી દુર્ઘટના હોય, સરકાર અને તંત્ર દર વખતે ઊંઘતા ઝડપાય છે. દુર્ઘટના ઘટી જાય તે પછી કહેવાતા કડક પગલાં લેવાય છે અને થોડાંક મહિના પછી બધું જૈસે થે થઈ જાય છે. ભુજ જેવા નાનાં શહેરોમાં તો થિએટર ગૃહો, શોપિંગ મોલ્સ, ખાનગી કોર્પોરેટ હોસ્પિટલો સહિતની અનેક મિલકતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. દુર્ઘટના ઘટ્યાં બાદ પણ તંત્ર તેને સીલ મારવાની હિંમત કરી શકતું નથી.