click here to go to advertiser's link
Visitors :  
26-Jan-2025, Sunday
Home -> Other -> 19 year old girl commits suicide due to torture of husband and in laws in Ahmedabad
Saturday, 22-Jun-2024 - Ahmedabad 66432 views
લગ્ન પહેલાં જ ભાવિ સાસરિયાએ એવો કેર વર્તાવ્યો કે રાપરની દીકરીએ મોતની છલાંગ મારી
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ જે દીકરીએ હજુ વિધિવત્ રીતે લગ્ન કરીને ભાવિ ભરથારના ઘરમાં કુમકુમ પગલાં નહોતાં કર્યાં તે દીકરી અને તેના ભાઈને નજીવી વાતે ભાવિ સાસરિયાંએ એવો ત્રાસ આપ્યો કે દીકરીએ છઠ્ઠા માળેથી પડતું મૂકીને તત્કાળ આપઘાત કરી લીધો. અમદાવાદના નરોડામાં બનેલી આ ઘટનામાં ભોગ બનનાર દીકરી રાપરની હતી. આ બનાવે સમસ્ત સોની સમાજમાં ભારે અરેરાટી સર્જી છે.
વાદ ભણતી પલકની સવા વર્ષ અગાઉ સગાઈ થયેલી

રાપરના અયોધ્યાપુરીમાં મહાવીર ફર્નિચરવાળી ગલીમાં રહેતી ૧૯ વર્ષની હતભાગી પલક મુકેશભાઈ સોની અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી. પિતા ટેક્સી ડ્રાઈવર છે. પલકનો ભાઈ દિવ્ય વિસનગર રહેતા મામા જયદિપ મોહનભાઈ સોનીના ઘેર રહી ધોરણ ૧૧માં ભણતો હતો. આજથી સવા વર્ષ અગાઉ પલકની સગાઈ નરોડાના હંસપુરા રોડ પર વ્હાઈટ એલિગેન્સ એપાર્ટમેન્ટમાં રહેતાં પાર્થ સંજયભાઈ સોની સાથે રંગેચંગે કરવામાં આવેલી. પલક અવારનવાર પરીક્ષા કે પ્રસંગ હોય ત્યારે સાસરે આવતી-જતી રહેતી.

પાર્ટી આપનાર ભાઈ ઘરે પર્સ ભૂલી ગયો ને થયો ભડકો

૨૩ એપ્રિલના રોજ પલક રાપરથી બસમાં બેસીને વિસનગરમાં મામાના ઘેર ગયેલી. રાત્રે ભાવિ પતિ પાર્થ અને તેના પિતા સંજયભાઈ તેને વિસનગર આવી અમદાવાદ લઈ ગયેલાં. કોલેજમાં પરીક્ષા હોઈ પલક સાસરે રોકાયેલી. દરમિયાન, ત્રીજી મેના રોજ પલકનો ભાઈ દિવ્ય પણ બહેનના ઘેર રોકાવા ગયેલો.

દિવ્ય પ્રથમ ક્રમે પાસ થતાં ચોથી મેની રાત્રે પાર્થ અને તેના ભાઈ દેવાંગ, પિતા સંજયભાઈ, માતા ભાવનાબેને તેની પાસે પાર્ટી માંગેલી.

દિવ્ય બહેન, ભાવિ જીજાજી અને તેના ભાઈ સાથે માણેકચોકમાં નાસ્તો કરવા લઈ ગયેલો. નાસ્તો કર્યાં બાદ ૫૯૦ રૂપિયા બિલ આવેલું.

દિવ્ય પર્સ ઘરે ભૂલી ગયો હોઈ તેણે જીજાજીને પૈસા ચૂકવી આપવા વિનંતી કરતાં પાર્થે પિત્તો ગૂમાવેલો.

પલકે બિલ પે કર્યાં બાદ પાર્થ પલકને ગમે તેમ બોલવા માંડેલો. ચારે જણ બે બાઈક પર ઘરે પરત જતાં હતા ત્યારે રસ્તામાં પાર્થે પલકને ‘તમે ભીખારી છો’ કહીને ગમે તેમ બોલ્યો હતો.

પૈસા પરત આપી દીધાં પણ ઝઘડો ચાલું રહ્યો

ઘરે આવ્યાં બાદ દિવ્યએ તેના પર્સમાંથી રૂપિયા કાઢી પાર્થને આપી દીધેલાં પણ ઝઘડો શાંત થયો નહોતો. જેથી પલકે દિવ્યને અંદરના રૂમમાં બોલાવી કપડાં પેક કરી દેવા જણાવીને ‘આપણે મામાના ઘરે જવાનું છે’ તેમ કહેતાં વધુ ભડકો થયેલો. પાર્થ અને દેવાંગે બેઉ ભાઈ બહેનને ભૂંડી ગાળો બોલીને માર મારવાનું શરૂ કરેલું. ભાવનાબેને ઘરનો દરવાજો બંધ કરી દીધેલો અને સંજયભાઈએ પડોશીઓના કાને વાત ના સંભળાય તે હેતુ ટીવીનું વોલ્યુમ વધારી દીધેલું.

પલકે મામાને ફોન કરતાં જ ભાવિ સસરા સંજયભાઈએ તાડૂકીને ‘અમને પૂછ્યાં વગર તમારા મામા જોડે વાત કરવાની તમારી હિંમત કેમ થઈ?’ કહીને મામા જોડે વાત કરવા પલક પાસે ફોન માંગેલો પણ પલકે આપ્યો નહોતો.

રોષે ભરાઈને સંજયે પલકના વાળ ખેંચી કચકચાવીને તમાચો ઠોકી દીધો હતો. ત્યારપછી તો ચારે જણ ગાળો ભાંડવા સાથે આજે તો બેઉને પતાવી જ દઈએ કહીને બહેન-ભાઈને માર મારવા તૂટી પડ્યાં હતાં.

અસહ્ય મારકૂટથી બચવા પલકે પડતું મૂક્યું

પાર્થના મારથી બચવા માટે પલક ભાઈની પાછળ આવીને ઊભી રહી ગયેલી. દિવ્યએ પાર્થને માર મારતો અટકાવતાં સંજયભાઈએ જોરથી લાત મારીને દિવ્યને ભોંય પર પટકી દીધો હતો.

કાળ બનેલાં સાસરિયાંની મારથી બચવા માટે પલક દોડીને ગેલેરીમાં જતી રહેલી અને ત્યાંથી સીધો નીચે કૂદકો મારી દીધો હતો. છઠ્ઠા માળથી નીચે પટકાતાં પલકનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયેલું.

પલકે નીચે પડતું મૂકતાં સૌ સીડીઓ ઉતરતાં હતા ત્યારે દેવાંગે દિવ્યને લાફો મારીને ‘પોલીસને કશી વાત ના કરતો નહિતર તને જાનથી મારી નાખીશ’ કહી ધમકી આપેલી. દિવ્યએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં પલકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિવ્યએ મામા અને માવતરને જાણ કર્યાં બાદ તેઓ પરોઢે હોસ્પિટલે દોડી આવેલાં.

ભાવિ પતિ, સાસુ-સસરાં સહિત ચાર સામે ફરિયાદ

પલકની અંતિમવિધિ કર્યાં બાદ તેની માતા પારૂલબેન મુકેશભાઈ સોનીએ નરોડા પોલીસ મથકે પાર્થ સંજયભાઈ સોની, દેવાંગ સંજયભાઈ સોની, સંજયભાઈ લવજીભાઈ સોની અને ભાવનાબેન સંજયભાઈ સોની વિરુધ્ધ ઈપીકો કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છ બોર્ડર રેન્જ IGP ચિરાગ કોરડીયાની મેડલ ફોર મેરિટોરીયસ સર્વિસ માટે પસંદગી
 
મુંદરામાં એકસાથે બે ઘરના તાળાં તોડીને ૧.૨૮ લાખ રૂપિયાની માલમતાની ચોરી
 
ભચાઉમાં દલિત યુવક પર નજીવી વાતે છરીથી હુમલો કરનાર યુવકને ૩ વર્ષની સખ્ત કેદ