કચ્છખબરડૉટકોમ, વડોદરાઃ ૫૫ બાળકો સહિત ૧૩૫ લોકોને ભરખી જનારી ૨૦૨૨ની મોરબી બ્રિજ દુર્ઘટનાની યાદ તાજી કરી દેતી વડોદરાની વધુ એક દુર્ઘટનાએ ગુજરાત સહિત આખા દેશને હચમચાવી નાખ્યો છે.
Video :
વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં શાળાના માસૂમ ભૂલકાં અને શિક્ષકોને બોટીંગની સૈર કરાવતી બોટ ઊંધી વળતાં અંદાજે ૧૩ બાળકો અને ૨ શિક્ષક સહિત ૧૫ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. સાંજે પોણા પાંચના અરસામાં દુર્ઘટના ઘટી હતી.
વડોદરાના પાણીગેટની ન્યૂ સનરાઈઝ સ્કુલના ધોરણ ૧થી ૫ના છાત્રો પિકનીક પર આવ્યાં હતાં. શિક્ષકો અને છાત્રો સૌ બોટીંગ કરવા બોટમાં બેઠાં ત્યારે તેમને કલ્પના સુધ્ધાં નહોતી કે મોટનાથના તળાવમાં મોત ટાંપીને બેઠું છે. કમાવાની લાલચે કોન્ટ્રાક્ટરે ૨૩ વિદ્યાર્થી અને ૪ શિક્ષકો સહિત ૩૦ જણને બોટમાં બેસાડેલાં.
નિયમ મુજબ બોટમાં ૧૬ લોકોને બેસાડી શકાય પરંતુ અહીં બમણાં લોકોને બેસાડાયાં. કોઈને જીવનરક્ષક લાઈફ જેકેટ્સ પહેરાવાયાં નહોતાં. બોટ તળાવમાં ફરતી હતી અને અચાનક સંતુલન ગૂમાવી ઊંધી વળી ગઈ હતી.
ઘટનાને નજરે જોનાર લોકો બે પળ માટે આઘાતથી અવાક્ થઈ ગયાં હતાં. ત્યારબાદ ઘણાંએ બાળકોને બચાવવા માટે સીધું તળાવમાં ઝંપલાવ્યું હતું. મરણચીસો અને હો-હાના પગલે તળાવની પાળે હજારો લોકો એકઠાં થઈ ગયાં હતાં. કોઈકે ફાયર બ્રિગેડને તો કોઈકે ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કરી તત્કાળ ઘટનાસ્થળે બોલાવી હતી.
ફાયરના જવાનોએ તુરંત સ્થળ પર ધસી જઈને પંદરેક લોકોને બચાવી લીધાં હતાં. પરંતુ ૧૩ બાળકો અને ૨ શિક્ષકોના તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યાં હતાં.
પાછળથી એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી. તળાવના તળિયે કાદવ હોઈ બચાવ અને રાહત કામગીરીમાં અડચણો સર્જાઈ હતી. દુર્ઘટનાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો, પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર, સાંસદ વગેરે ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે બોટમાં ક્ષમતાંથી વધુ ૩૫ જેટલાં લોકોને બેસાડાયાં હતાં. બોટીંગનો કોન્ટ્રાક્ટ મેળવનાર પેઢીએ પેટામાં અન્યને કોન્ટ્રાક્ટ આપેલો છે. દુર્ઘટના બદલ બેદરકારી દાખવનારાં એકેયને છોડવામાં નહીં આવે.
દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ વડોદરા દોડી ગયાં છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરી દુર્ઘટના અંગે દિલોસોજી પાઠવી મૃતકો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની ઘોષણા કરી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય રાજકીય કાર્યક્રમના ચાર દિવસ પૂર્વે સર્જાયેલી આ કરુણાંતિકાએ સૌને હચમચાવી દીધાં છે.