|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નકલી પાસપોર્ટ અને વિઝા પર ભારતમાં ગેરકાયદે રહેવા બદલ માધાપરની હોટેલમાંથી પકડાયેલી ૩૪ વર્ષિય નાઈજીરિયન મહિલાને ભુજ સેશન્સ કૉર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા સાથે ૩૦ હજારનો દંડ ફટકાર્યો છે. સજા મેળવનાર નાઈજીરિયન મહિલા છેલ્લાં પોણા ચાર વર્ષથી ફરાર છે. એપ્રિલ ૨૦૨૨માં પાલારામાં જ્યુડિસિયલ કસ્ટડી દરમિયાન આ મહિલાએ તત્કાલિન જેલ અધીક્ષક રાવ પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ કરીને ભારે સનસનાટી સર્જી હતી. પાછળથી પોતાની માનસિક સ્થિતિ સારી ના હોવાનું જણાવી કૉર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.
SOG માધાપરની હોટેલમાંથી ડિસેમ્બર ૨૦૨૧માં પકડેલી
માધાપરની હોટેલમાં રોકાયેલી નાઈજીરિયાની પરિણિત મહિલા મેડિકલ વિઝા પર ભારતમાં આવેલી. વિઝાની મુદ્દત પૂરી થયાં બાદ તે પરત ગઈ નહોતી અને નકલી વિઝા બનાવ્યાં હતા. એટલું જ નહીં, પાસપોર્ટની મુદ્દત પૂરી થઈ ગયાં બાદ તેણે નકલી પાસપોર્ટ પણ બનાવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસઓજીએ ૦૬-૧૨-૨૦૨૧ના રોજ તેની વિરુધ્ધ ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. આ કેસમાં ૦૩-૦૧-૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકૉર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી.
જામીન મુક્ત થયાં બાદ આ મહિલા ફરાર થઈ ગઈ છે. તેની સામે બિન જામિનપાત્ર વૉરન્ટ ઈસ્યૂ થયું પરંતુ તે મળી નથી.
જામીનદાર અલીમામદ ખેરમામદ સુમરા પણ કૉર્ટમાં હાજર કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. ભુજ સેશન્સ કૉર્ટે આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવીને આજે ઈપીકો કલમ ૪૬૫ અને ૪૭૧ હેઠળ બે-બે વર્ષની સખ્ત કેદ સાથે પાંચ પાંચ હજારનો દંડ, પાસપોર્ટ એક્ટની કલમ ૩ અને ૧૨ હેઠળ બે-બે વર્ષની સખ્ત કેદ સાથે પાંચ પાંચ હજારનો દંડ તથા ફોરેનર્સ એક્ટની કલમ ૧૪ (એ) (બી) હેઠળ બે વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજારના દંડની સજા ફટકારી છે.
સેશન્સ જજ દિલીપ મહિડાએ જ્યુ. કસ્ટડીમાં ભોગવેલી કેદ સજામાં મજરે આપવા અને તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કર્યો છે.
Share it on
|