કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામે મધરાત્રે સાડા બાર વાગ્યે ફોન પર વાતો કરતી માતાને અન્ય કોઈ જોડે આડા સંબંધો હોવાની શંકા રાખીને બે સગાં પુત્રે જ ગળું દબાવીને મારી નાખતા ચકચાર મચી ગઈ છે. મરણ જનાર ૪૦ વર્ષિય હેમલતાબેન ડાયાલાલ પારાધી (જાગરીયા) (મૂળ રહે. ઝુરા, ભુજ) પતિ અને બે પુત્રો જોડે નાના કાદિયા ગામે નીતુભા માધુભા જાડેજાની વાડીમાં રહી ભાગિયા તરીકે ખેતમજૂરી કરતી હતી. આજે સવારે છ વાગ્યે વાડીમાલિક નીતુભા જાડેજા વાડીએ ગયો ત્યારે ત્યાં હાજર બંને પુત્રોએ માતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
જેના પગલે વાડીમાલિક નજીકના કોટડા (જડોદર) ગામે ખેતમજૂરી કરતા હેમલતાના પિતા દાનાભાઈ પારાધીને તેડવા માટે રૂબરૂ દોડી ગયો હતો. હેમલતાના પિતાએ બનાવ અંગે મોટા પુત્ર અશોક અને અંદાજે ૧૭ વર્ષના કિશોર વયના પુત્ર સામે મર્ડરની ફરિયાદ નોંધાવી છે.
દાનાભાઈ વાડીએ દોડી ગયાં તો હેમલતાનો નિશ્ચેતન મૃતદેહ જમીન પર પડ્યો હતો. નાકમાંથી નીકળેલું લોહી સૂકાઈ ગયું હતું અને નાક પર ઉઝરડાં હતા.
થોડીવારમાં અન્ય સગાં સંબંધીઓ વાડીએ દોડી આવ્યા હતા.
આડાસંબંધોની શંકામાં માતાની હત્યા કરી નાખી
સગાં સંબંધીઓએ વાડીએ હાજર અશોક અને તેના નાના ભાઈની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે કેટલાંક સમયથી મમ્મી અમને અને પપ્પાને બોલાવતી ચલાવતી નહોતી. રસોઈ બનાવતી નહોતી કે કપડાં પણ ધોતી નહોતી.
અવારનવાર તે કોઈકની જોડે ફોનમાં વાતો કરતી રહેતી હતી. આ મામલે તેને સમજાવેલી પણ વાત માનતી નહોતી.
ગઈકાલે રાતે સાડા બાર વાગ્યે ફોનમાં અજાણ્યા માણસ જોડે વાતો કરતી કરતી વાડીએ જતી હતી. તે જોઈને અમને બેઉ ભાઈઓને બહુ ગુસ્સો આવેલો અને પાછળ પાછળ જઈ તેનું ગળું દબાવી મારી નાખી.
નખત્રાણા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણાએ હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની અટક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
Share it on
|