click here to go to advertiser's link
Visitors :  
15-Apr-2026, Wednesday
Home -> Nakhatrana -> PT TEACHER BOOKED FOR CHEATING WITH STUDENTS ON NAME OF CRICKET TORUNAMENT
Saturday, 14-Feb-2026 - Nakhtrana 20514 views
ટીચર નીકળ્યો ચીટર! છાત્રોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ જવાનું કહી ૪.૪૩ લાખની ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાની ખાનગી કોન્વેન્ટ સ્કુલમાં પ્રાયોગિક ધોરણે જોડાયેલો પીટી ટીચર ચીટર નીકળ્યો છે. શાળાના છાત્રોને વડોદરા ખાતે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ જવાના નામે છાત્રોદીઠ ૩૦- ૩૦ હજાર લેખે ૧૨ વાલીઓ પાસેથી ૪.૪૩ લાખ રૂપિયા ઉઘરાવી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. આરોપી શાળાની મહિલા આચાર્યના વીસ હજાર પણ બઠ્ઠાવી ગયો હોવાનું બહાર આવ્યું છે!

રાજકોટના ગાંધીગ્રામનો પ્રજ્ઞેશ હનુભા બારોટ નામનો યુવક નખત્રાણાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં છઠ્ઠી ડિસેમ્બરથી ‘ડેમો ટીચર’ તરીકે જોડાયો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટના નામે ૩૦-૩૦ હજાર ઉધરાવ્યાં

ચીટર પ્રજ્ઞેશે સ્કુલમાં જોડાયાના થોડાં દિવસો બાદ છાત્રોને આંબા આંબલી બતાડવાનું શરૂ કરેલું કે અદાણી ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં અંડર-14 વયજૂથના બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. ૧૨ દિવસની આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીદીઠ પાંચ હજાર રૂપિયા મારી ફી અને ૨૫ હજાર રૂપિયા એડવાન્સ પેટે આપવાના રહેશે. ટુર્નામેન્ટ પૂર્ણ થયાં બાદ વિદ્યાર્થીઓને ૨૫ હજાર રૂપિયા પરત મળી જશે.

૪.૪૩ લાખ રૂપિયા ઓળવીને પ્રજ્ઞેશ અંડર ગ્રાઉન્ડ થયો

પ્રજ્ઞેશની જાળમાં સપડાઈને ૧૨ વાલીઓએ વિવિધ રૂપિયા પેટે તેના મોબાઈલ નંબર પર ૪.૪૩ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા. વાલીઓના રૂપિયા એકઠાં થયા બાદ પ્રજ્ઞેશ મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

વાલીઓએ શાળામાં જઈને મહિલા આચાર્ય સ્મિતા થોમસને રજૂઆત કરતા તેમણે ભાંડો ફોડ્યો હતો કે વિદ્યાર્થીઓને વડોદરા લઈ જવાના ભાડા પેટે પ્રજ્ઞેશ તેમની પાસેથી પણ ૨૦ હજાર રુપિયા બઠ્ઠાવી ગયો છે!

પ્રજ્ઞેશને તેમણે શાળામાં ‘ડેમો ટીચર’ તરીકે નોકરીએ રાખ્યો હતો. વાલીઓની અરજી પર એક-દોઢ માસની તપાસ બાદ અંતે નખત્રાણા પોલીસે પ્રજ્ઞેશ વિરુધ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે.

જે રીતે કોગ્નિઝેબલ ગુનાની તત્કાળ ફરિયાદ દાખલ કરવાના બદલે તપાસના નામે પોલીસે વિલંબ કર્યો તે જોતાં લાગે છે કે પોલીસે આરોપીને પકડી લીધો છે અથવા અથવા એક બે દિવસમાં ચોપડા પર તેની ધરપકડ જાહેર કરાશે.

બીજું બધું તો ઠીક, પણ આ ‘ડેમો ટીચર’ની વ્યાખ્યા શું થાય તે અંગે અનેક લોકો માથું ખંજવાળી રહ્યાં છે!

Share it on
   

Recent News  
ચોપડવામાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કુટી પર જતા યુવક પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ
 
માંડવીમાં અત્યાચારનો ભોગ બનેલો નેપાળી યુવક તીવ્ર આઘાતથી પાગલ થઈ ગયાની ભીતિ
 
હત્યાના પ્રયાસના ગુનામાં અઢી માસથી ફરાર નુંધાતડના મુખ્ય આરોપીને આગોતરાનો ઈન્કાર