|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના મંજલ ગામની વાડીમાં ખેત મજૂરની છાતીમાં ઊંધી કુહાડી ઝીંકી તેનું મોત નીપજાવવામાં નિમિત્ત બની, બોરના કેબલની લૂંટ કરવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. નખત્રાણા પોલીસે રીઢા ચોર હાસમ ઓસમાણ વાઢા સાથે તેના સાગરીત સાએબ આમદ વાઢા અને ચોરીનો માલ ખરીદનાર ભુજના ભક્તિનગરના ઝુબેર રઝાક કુંભારની ધરપકડ કરી છે. મજૂરને ઊંધી કુહાડી મારી મોત નીપજાવી લૂંટ કરેલી
એક સપ્તાહ પૂર્વે ૧૧ સપ્ટેમ્બરની મધરાતે ત્રણ વાગ્યે હાસમ અને સાએબ બેઉ જણ મંજલની સીમમાં પરેશ માવાણીની વાડીમાં કેબલ ચોરી કરવા ગયેલાં. વાડીના બોરની મોટર રીપેરીંગ માટે બહાર કઢાઈ હોઈ તેની સાથે અઢીસો ફૂટ લાંબો કેબલ પણ બહાર નીકળેલો. બોર પાસે રહેલો કેબલ ચોરાઈ ના જાય તે માટે ખેતમજૂર કિરણ દિનેશ નાયક (ઉ.વ. ૩૫, રહે. મૂળ બોડેલી, છોટા ઉદેપુર) ત્યાં ખાટલો ઢાળીને પત્ની સાથે સૂતો હતો.
હાસમ અને સાએબને જોઈ ખેતમજૂર યુગલ જાગી ગયેલું. બેઉ જણે કિરણ જોડે બોલાચાલી અને ઝપાઝપી કરીને તેની છાતીમાં ઊંધી કુહાડી મારી હતી.
હુમલાના પગલે ડરી ગયેલું મજૂર યુગલ દોટ મૂકીને વાડીની ઓરડી પાસે સૂઈ રહેલાં કિશોર વયના દીકરાને જગાડીને અડધો કિલોમીટર દૂર આવેલા ભાણેજ રણજીતની વાડીએ પહોંચેલું. રણજીતે કિરણને ખાટલાં પર બેસાડીને વાડીમાલિક પરેશ માવાણીને કેબલ ચોરો અંગે જાણ કરેલી. આ સમયે કિરણ અચાનક ખાટલાં પર ઢળી પડ્યો હતો. દોડી આવેલા વાડી માલિક સહિતના લોકો કિરણને સરકારી હોસ્પિટલે લઈ ગયેલાં પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટના અંગે નખત્રાણા પોલીસ મથકે કિરણની પત્નીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા લોકો સામે સાપરાધ મનુષ્ય વધ અને કેબલની લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.
ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે પોલીસે આ ગુનો આચરનારા હાસમ વાઢા (ઉ.વ. ૩૮, મૂળ રહે. કાઢવાંઢ (ખાવડા) હાલ રહે. સોનાપુરી, માધાપર) અને સાએબ વાઢા (ઉ.વ. ૨૩, મૂળ રહે. કાઢવાંઢ (ખાવડા) હાલ રહે. સોનાપુરી, માધાપર) તથા કેબલની ખરીદી કરનાર ભુજના ઝુબેર રઝાક કુંભારની ધરપકડ કરી છે.
હાસમ વાઢા સામે બનાસકાંઠાના પાલનપુર સહિત પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં કેબલ ચોરી, વાહન ચોરી, ઘરફોડ સહિતના ૨૦ ગુના નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં હાસમે પશ્ચિમ કચ્છમાં વધુ ૭ કેબલ ચોરીના કરેલા ગુનાઓની કબૂલાત કરી છે.
નખત્રાણા પીઆઈ એ.એમ. પટેલ અને તેમની ટીમે દિવસ રાત એક કરીને એક જ સપ્તાહની અંદર અજાણ્યા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી તેમને ઝડપી પાડ્યા છે.
Share it on
|