click here to go to advertiser's link
Visitors :  
16-Sep-2026, Wednesday
Home -> Kutch -> Woman dies after C section in Mundra Serious allegations of negligence on hospitals
Wednesday, 16-Sep-2026 - Mundra 1835 views
મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોતઃ મુંદરા ભુજની હોસ્પિટલો પર આરોપ
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું મુંદરાની ખાનગી હોસ્પિટલમાં સિઝેરીયન દરમિયાન અચાનક તબિયત લથડ્યાં બાદ મૃત્યુ થતાં વિવાદ થયો છે. મુંદરાની ખાનગી હોસ્પિટલથી તેને ભુજની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. દસ દિવસની સારવાર દરમિયાન ૨૩ લાખનો ખર્ચ થયાં બાદ પ્રસૂતાનું મોત નીપજતાં બંને હોસ્પિટલ પર પ્રસૂતાના પરિવારજનોએ ગંભીર આરોપ કરી પોલીસને તપાસ કરવા રજૂઆત કરી છે.
શિશુ ઊંધુ હોઈ સિઝેરીયન કરવા નિર્ણય લેવાયો

મુંદરાની અલકનંદા સોસાયટીમાં રહેતી રાગિની દેવી સુબોધકુમાર મહંતો ત્રીજીવાર ગર્ભવતી થઈ હતી. સગર્ભાવસ્થાના સાતમા અને નવમા મહિને મુંદરાની ગીતા હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયેલી. ગર્ભાશયમાં બાળક ઊંધુ હોઈ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉ. કુંદન મોદીએ સિઝેરીયન કરવાની સલાહ આપેલી. ચોથી સપ્ટેમ્બર જન્માષ્ટમીની સાંજે સાત વાગ્યે રાગિની દેવીને હોસ્પિટલમાં એડમિટ કરાઈ હતી. સગાંઓનો આગ્રહ હતો કે જન્માષ્ટમીના પર્વે જ સંતાન જન્મે.

સિઝેરીયન સમયે અચાનક તબિયત લથડી 

સિઝેરીયન અગાઉ તબીબે કરાવેલાં તમામ બ્લડ ટેસ્ટ નોર્મલ હતા. રાગિની દેવી એકદમ સ્વસ્થ હતી. રાતે નવ વાગ્યાના અરસામાં રાગિની દેવીને સ્ટ્રેચર પર ઓપરેશન થિએટર સુધી પતિ સુબોધ મૂકવા ગયેલો. થોડીકવાર બાદ અચાનક રાગિની દેવીની તબિયત લથડી અને જોતજોતામાં તો તેની હાલત સિરિયસ થઈ ગઈ. તબીબોએ નવજાત બાળકીને બચાવી લીધી પણ માતાનું બ્લડ પ્રેશર એકદમ હાઈ થઈ ગયેલું.

મધરાતે ભુજની કે.કે. પટેલ હોસ્પિટલ ખસેડાઈ

બે કલાક સુધી જહેમત બાદ રાગિનીની હાલત વધુ ને વધુ ગંભીર બનવા માંડતા ગાયનેક ડૉ. કુંદન મોદીએ રાગિનીને તત્કાળ ભુજની સુપર સ્પેશિયાલિટી કે.કે. પટેલ હોસ્પિટલમાં ખસેડવા નિર્ણય કર્યો હતો. રાગિનીને મધરાતે કે.કે. પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

અહીં તેને કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે વપરાતાં હાઈટેક એકમો મશિન પર સારવાર શરૂ કરાઈ.

બ્લડમાંથી પ્લેટલેટ્સ (ત્રાકકણો)નું સ્તર ઘટી જવા માંડતા પરિવારજનોએ વિવિધ હોસ્પિટલમાંથી પ્લેટલેટ્સ ખરીદીને સતત પુરવઠો ચાલુ રાખ્યો. દસ દિવસ સુધી ગંભીર હાલતમાં રહ્યાં બાદ ૧૪ સપ્ટેમ્બરની રાત્રે સવા નવ વાગ્યે રાગિની દેવીની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ. 

બેદરકાર તબીબોએ મારી પત્નીનો ભોગ લીધો

રાગિનીનો પતિ સુબોધકુમાર કહે છે કે મારી પત્ની એકદમ નોર્મલ હતી. તબીબોની બેદરકારીના લીધે તેનો જીવ ગયો છે. રાગિનીના મૃતદેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બનાવના પગલે મુંદરાના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાઈ ગયો છે.

મુંદરામાં જનાક્રોશઃ હોસ્પિટલ બહાર વિરોધ

ગઈકાલે સાંજે રાગિનીના પતિને લઈને મુંદરાના ઘણાં રાજકીય સામાજિક આગેવાનો મુંદરા પોલીસ મથકે બેદરકાર તબીબો સામે ગુનો નોંધવા રોષભેર રજૂઆત કરી હતી. ત્યારબાદ ગીતા હોસ્પિટલ બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મૃત્યુ પામી છતાં રુપિયા પડાવવા સારવારનો ખેલ

મૃતકના સગાં અને પરિચિતો ગીતા હોસ્પિટલ ઉપરાંત કે.કે. પટેલ હોસ્પિટલ પર પણ ગંભીર આરોપ કરે છે કે રાગિની દેવીનું મૃત્યુ નીપજી ગયેલું છતાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખી તેની કથિત સારવાર ચાલુ રખાઈ હતી. શરીર આખું કાળું પડી ગયેલું અને ગંધ મારવા માંડી ત્યારે માંડ તેને મૃત જાહેર કરાઈ હતી.

ઓપરેશન ટેબલ પર અચાનક શું થયું હતું?

ગીતા હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉ. કુંદન મોદીએ કચ્છખબરને જણાવ્યું કે ગીતા દેવી એકદમ સ્વસ્થ હતી. તમામ રિપોર્ટસ અને બ્લડ પ્રેશર નોર્મલ હતા. સિઝેરીયન માટે એનેસ્થેટીસ્ટ ડૉ. વિનોદ પ્રજાપતિએ જેવો સ્પાઈનલ એનેસ્થેસિયા આપવા ઈન્જેક્શન આપ્યું ત્યારબાદ અચાનક તેની તબિયત લથડી હતી.

દર્દીના કમર નીચેના ભાગને સુન્ન અથવા બહેરો કરવા માટે કરોડરજ્જુમાં જે એનેસ્થેસિયા અપાય તેને સ્પાઈનલ એનેસ્થેસિયા કહેવાય છે. તેમાં દર્દીની કમર નીચેનો ભાગ જ બહેરો હોય છે અને દર્દી જાગૃત અવસ્થામાં રહે છે.

ડૉ. મોદીએ આશંકા વ્યક્ત કરી કે સ્પાઈનલ એનેસ્થેસિયા માટે જે ઈન્જેક્શન બુપીવાકેઈન (Inj Bupivacain) આપ્યું તેના લીધે એલર્જીક રીએક્શન આવવાથી દર્દીની હાલત કથળી હોવાની શક્યતા છે. અમારી હોસ્પિટલથી તેને કે.કે. પટેલ હોસ્પિટલમાં રીફર કરાઈ ત્યારે સખત તાવ હતો, SPO2 લેવલ 91થી 94 ટકા હતું, નાડીના ધબકારા 150થી 160 પ્રતિ મિનિટ જેટલાં ઉચ્ચ સ્તરે પહોંચેલા અને બ્લડ પ્રેશર 180થી 220 (સિસ્ટોલિક) તથા 120થી 130 (ડાયસ્ટોલિક) જેટલું હાઈ થઈ ગયેલું. દર્દીને એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર કે.કે. પટેલ હોસ્પિટલમાં ખસેડાયેલ અને ખુદ અમે સાથે પ્રાઈવેટ કારમાં કે.કે. પટેલ હોસ્પિટલ પહોંચેલાં. અમે ભરપૂર પ્રયાસો કર્યાં પરંતુ દર્દી આજે આપણી વચ્ચે નથી તેનું અમને પણ ખૂબ દુઃખ છે. 

દર્દીની કીકી રીએક્ટ કરતી હતીઃ કે.કે. હોસ્પિટલ

રાગિની દેવીની સારવાર કરનાર કે.કે. પટેલ હોસ્પિટલના નિષ્ણાત ડૉ. અરવિંદ ચંદ્રશેખરને જણાવ્યું કે દર્દીને સ્વાઈન ફ્લુ પોઝિટીવ હતો. હાર્ટ ફક્ત દસ ટકા જેટલું ચાલતું હતું. બ્લડ પ્રેશર અને યુરિનની માત્રા સતત ઘટતી જતી હતી. પેશન્ટ જીવિત હતું ત્યાં સુધી અમે ટ્રીટમેન્ટ ચાલુ રાખેલી. મૃત્યુ પામેલાં દર્દીને બિનજરૂરી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર આપી તે વાત ખોટી છે. દર્દીની આંખની કીકી (પ્યુપિલ) રીએક્ટ કરતી હતી. તેનો વીડિયો પણ અમારી પાસે છે. 

પોલીસ વિસ્તૃત પીએમ રિપોર્ટની રાહ જૂએ છે

મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. શકોરિયાએ જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ નોટ અમારી પાસે આવી ગઈ છે જેમાં બીપી અને ઈન્ફેક્શનના લીધે મૃત્યુ થયું હોવાનું દર્શાવાયું છે. જો કે, ચોક્કસ કયા કારણે મૃત્યુ નીપજ્યું અને ક્યારે મૃત્યુ નીપજ્યું તે બધી વિગતો વિસ્તૃત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારબાદ જ સ્પષ્ટ થશે.

હાલ તો આ બનાવ સમગ્ર મુંદરામાં ટૉક ઑફ ટાઉન બની છે.
Share it on
   

Recent News