click here to go to advertiser's link
Visitors :  
17-Sep-2026, Thursday
Home -> Bhachau -> Two convicted under 304 A instead of 302 Awarded with 7 and 4 year RI
Thursday, 17-Sep-2026 - Bhachau 1028 views
રાપરના નાની રવના ખૂન કેસમાં દોષી ઠરેલાં બે મિત્રોને ૭ અને ૪ વર્ષનો સખ્ત કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપર તાલુકાના નાની રવ ગામે ત્રણ વર્ષ અગાઉ બે મિત્રોએ ભેગાં મળીને ત્રીજા મિત્રની કરેલી હત્યાના બનાવમાં આજે ભચાઉ કૉર્ટે બેઉ મિત્રને અનુક્રમે ૭ અને ૪ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. પુરાવામાં રહેલી બે મહત્વની ખામીઓના કારણે કૉર્ટે બેઉ આરોપીને હત્યા બદલ નહીં પરંતુ સાપરાધ મનુષ્યવધ બદલ દોષી ઠેરવીને સજા ફટકારી છે.
ત્રણ વર્ષ અગાઉ બે જણે મિત્રની હત્યા કરેલી

નાની રવ ગામનો કરણ કાનજી અખિયાણી (કોલી) (ઉ.વ. ૨૩) ગાંધીધામના જવાહરનગર પાસે આવેલા શંકર પ્લાયવુડમાં મજૂરી કરતો હતો. કરણને તેની સાથે મજૂરી કરતા હેમંત પ્રતાપભાઈ મહાલિયા (ઉ.વ. ૨૦, રહે. લાખાપર, ભચાઉ) સાથે દોસ્તી થઈ ગયેલી. રજામાં કરણ તેના ગામ જતો હતો ત્યારે દોસ્તીના નાતે હેમંત પણ રજા ગાળવા તેની જોડે ગયેલો.

કરણના ઘેર બેઉ મિત્રો સાથે વાળુ કરવા બેઠેલાં ત્યારે પોતાની પત્ની પર ખરાબ નજર રાખવા બદલ કરણે હેમંતને ઠપકો આપેલો. હેમંતે કરણની પત્નીની હાજરીમાં કરણને ગાળો બોલતાં બેઉ વચ્ચે બોલાચાલી થયેલી અને વાત ત્યારે પૂરી થઈ ગયેલી.

બીજા દિવસે એટલે કે ૦૨-૦૭-૨૦૨૩ના રોજ કરણ અને હેમંત બેઉ ગામના તળાવકાંઠે બેસવા ગયેલાં. રસ્તામાં કરણનો મિત્ર બાબુ રાણા રાઠોડ (ઉ.વ. ૪૪) પણ તેમની સાથે જોડાયેલો. તળાવની પાળે ત્રણે વાતો કરતાં બેઠેલાં ત્યાં ફરી આગલી રાતના મુદ્દાને લઈ હેમંતે કરણને ગાળો ભાંડવાનું શરૂ કરી તેની પત્ની વિશે ખરાબ શબ્દો બોલવાનું શરૂ કરેલું.

ઉશ્કેરાઈને કરણ અને બાબુએ ભેગાં મળીને હેમંતને માર મારેલો. માર મારતાં મારતાં બેઉ જણ હેમંતને કરણના ઘરે લઈ આવેલાં. અહીં હેમંતને મુક્કા લાતો તથા ધોકાથી ઢોર માર માર્યો હતો.

આ સમયે કરણનો મોટો ભાઈ મેરુ અને તેની પત્ની વર્ષાએ ત્યાં દોડી આવીને હેમંતને છોડાવવા પ્રયાસ કરેલો પરંતુ કરણે મોટા ભાઈને ગાળો ભાંડતા બેઉ પતિ પત્ની ત્યાંથી જતા રહેલાં. અતિશય મારના લીધે હેમંત બેહોશ થઈ ગયેલો.

કરણ અને બાબુ બેઉ જણ તેને ઢસડીને ઘર બહાર પતરાંના છાંયા નીચે મૂકીને જતાં રહેલાં.

થોડાંક સમય બાદ કરણના મોટા ભાઈ મેરુએ ઘાયલ અવસ્થામાં પડેલા હેમંતને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં હેમંતને મૃત જાહેર કરાયો હતો. હેમંત મરી ગયો હોવાનું જાણીને કરણ અને તેનો મિત્ર બાબુ બેઉ પોલીસથી બચવા વાડી વિસ્તારમાં નાસી ગયેલાં. બનાવ અંગે જાણ થયાં બાદ હેમંતના મોટા ભાઈ વિક્રમે રાપર પોલીસ મથકે કરણ અખિયાણી અને બાબુ રાઠોડ સામે ઈપીકો કલમ ૩૦૨ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.

રાપરના તત્કાલિન પીઆઈ વી.કે. ગઢવીએ ગુનાની તપાસ કરીને ૩૧ સાક્ષીઓ અને ૩૦ જેટલાં દસ્તાવેજી પુરાવા સાથે કૉર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

ફરિયાદ પક્ષ વતી ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી. આ કેસમાં આજે ભચાઉના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ભરત એલ. ચૌઈથાણીએ બેઉ આરોપીને દોષી ઠેરવી સજા અને આર્થિક દંડ ફટકાર્યો છે.

હત્યા કર્યાનું સાબિત, હત્યાનો હેતુ નાસાબિત

ફરિયાદ પક્ષે હત્યાની કલમ ૩૦૨ તળે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ફરિયાદ પક્ષ ગુનાનો હેતુ (મોટિવ) સાબિત કરી શક્યો નહીં. ફરિયાદ પક્ષે મુખ્ય આરોપી કરણની પત્નીનો પુરાવો લીધો નહોતો. કૉર્ટે જણાવ્યું કે મરનાર અને કરણના ઘરે જે બનાવ બન્યો તે અંગેનો પુરાવો કરણની પત્ની કે જેને ફરિયાદ પક્ષે ડ્રોપ કરી છે તે આપી શકતી હતી અથવા તો મુખ્ય આરોપી જણાવી શકતો હતો. હેમંત પોતાની પત્નીને ખરાબ નજરે જોતો હતો અને તે બાબતે ગાળો બોલતો હતો તેમ કરણ અને બાબુએ જણાવ્યું છે. હકીકતે તે કૃત્ય ઓચિંતા ઉશ્કેરાટનું કારણ હતું. તે કારણથી આ ગુનો ચોક્કસપણે સાપરાધ મનુષ્યવધ ગણી શકાય પરંતુ ખૂન ગણી શકાય નહીં.

પીએમ નોટની ખામી પણ ઉજાગર થઈ

પોસ્ટમોર્ટમ નોટમાં મરનારને આખા શરીર પર ક્રૂરતાથી મારવામાં આવ્યો હોવાનું, પાછળના ભાગમાં ૩૦ જેટલા મુઢ મારના નિશાન  હોવાનું તબીબે જણાવેલું છે પરંતુ તમામ ઈજાનું યોગ્ય વર્ણન કર્યું નથી. ઉલટ તપાસમાં ડૉક્ટરે સ્વીકાર્યું હતું કે પી.એમ. નોટમાં દર્શાવેલી ઈજાઓ પૈકી એકપણ ઈજા એવી નહોતી કે જેનાથી કોઈનું મૃત્યુ નીપજી શકે.

અપરાધીઓને આ કલમો હેઠળ થઈ સજા

કૉર્ટે ઈપીકો કલમ ૩૦૨ના સ્થાને ઈપીકો કલમ ૩૦૪ (૧) હેઠળ કરણ અખિયાણીને ૭ વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજારનો દંડ તથા સહઆરોપી બાબુ રાઠોડને ૪ વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજારનો દંડ ફટકાર્યો છે. એ જ રીતે, ઈપીકો કલમ ૩૨૬ હેઠળ કરણને ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦૦ રૂપિયા દંડ તથા બાબુને ૩ વર્ષની સખ્ત કેદ અને ૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ઈપીકો કલમ ૩૨૪ હેઠળ બેઉને ૧ વર્ષની સખ્ત કેદ, ૩૨૩ હેઠળ ૩ માસની કેદ સાથે પાંચસો પાંચસો રૂપિયા દંડ ફટકાર્યો છે. તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. મૃતક હેમંતની માતાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન યોજના હેઠળ વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે.

સરકારી વકીલ જાડેજાની અડધી સદીની સિધ્ધિ

આજના આ ચુકાદા સાથે ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ સજા અપાવવાની અડધી સદી ફટકારી છે. ૦૧-૦૯-૨૦૨૦થી સરકારી વકીલ તરીકે જોડાયેલાં જાડેજાએ ૬ વર્ષમાં મર્ડર, બળાત્કાર સહિતના વિવિધ ગંભીર ૨૫ સેશન્સ કેસ, પોક્સો એક્ટના ૧૨ કેસ, એટ્રોસિટીઝ એક્ટના ૫ કેસ, ફોજદારી અપીલના બે કેસ અને ઈલેક્ટ્રીસિટી એક્ટના ૬ કેસ મળી આજ દિન સુધીમાં કુલ ૫૦ ગુનામાં દલીલો કરીને અપરાધીઓને સજા અપાવી છે.

Share it on
   

Recent News  
મધરાતે બાઈક લઈ ઘેટાં બકરાં ચોરી કરવા આવેલા બે અજ્ઞાત ઈસમોએ માલધારીને ગોળી મારી
 
મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોતઃ મુંદરા ભુજની હોસ્પિટલો પર આરોપ