click here to go to advertiser's link
Visitors :  
16-Sep-2026, Wednesday
Home -> Rapar -> Shepherd Shot by Two Unknown Men Who Arrived on Bike to Steal Sheep and Goats at Midnight
Wednesday, 16-Sep-2026 - Rapar 693 views
મધરાતે બાઈક લઈ ઘેટાં બકરાં ચોરી કરવા આવેલા બે અજ્ઞાત ઈસમોએ માલધારીને ગોળી મારી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ફતેહગઢ નજીક ભોજનારી ડેમ પાસે ઘેટાં બકરાંની ચોરી કરવાના ઈરાદે મોટર સાયકલ પર આવેલા બે અજ્ઞાત શખ્સો માલધારી પર ફાયરીંગ કરીને નાસી ગયાં હોવાનો બનાવ બન્યો છે. મધરાતે બેથી અઢીના અરસામાં બનેલા બનાવ અંગે રાપર પોલીસે અજ્ઞાત શખ્સો સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાપરના  નાની રવ ગામના વતની ખોડા કાના રબારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેના મોટા બાપુ મમુભાઈ રબારી સહિતના અન્ય પરિવારજનો ઘેટાં બકરાં થકી પશુપાલનનો વ્યવસાય કરે છે. અંદાજે ૬૦૦થી વધુ ઘેટાં બકરાંને રાપરના અલગ અલગ ગામના સીમાડે ચરાવે છે અને થોડાં દિવસો પૂરતો ત્યાં જ કામચલાઉ પડાવ નાખીને રહે છે. દિવસે સીમાડે માલ ચરાવે અને રાત પડે પડાવ પર પરત ફરે. રાતે પુરુષ સભ્યો વારાફરતી જાગીને માલની ચોકી કરે.

મધરાતે બેથી અઢીના અરસામાં બન્યો બનાવ

હાલ ખોડા રબારી સાથે તેના મોટા બાપુ મમુભાઈ, મમુભાઈના પત્ની સીતાબેન અને ૩૦ વર્ષિય દીકરો જોગાભાઈ સહિતના સાત-આઠ સગાં સંબંધીઓએ થોડાંક દિવસોથી ભોજનારી ડેમ વિસ્તારમાં પડાવ નાખ્યો છે. ગત રાતે દસેક વાગ્યા સુધી ખોડાએ ચોકી કરેલી અને પછી ઊંઘ આવતાં આંખો મીંચાઈ ગયેલી. મધરાતે બે અઢી વાગ્યે અચાનક બંદૂકનો ભડાકો થયેલો અને જોગાએ રાડારાડ કરતાં સૌ જાગી ગયેલાં. 

સૌએ જોયું તો જોગાની છાતીમાં જમણી બાજુથી લોહી નીકળતું હતું. જોગાએ કહેલું કે રાતે તે ચોકી કરતો હતો ત્યારે બેથી અઢીના અરસામાં માલ ચોરવાના ઈરાદે બાઈક પર બે અજાણ્યા શખ્સો પડાવ પાસે આવેલાં.

જોગાને જાગતો જોઈને એક જણે તેના પર બંદૂક ફોડી હતી. ફાયરીંગ બાદ બેઉ જણ નાસી ગયેલાં. ઘાયલ જોગાને 108 એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ રાપરની સરકારી હોસ્પિટલે ખસેડાયેલો. ઈજા ગંભીર હોઈ તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. રાપર પોલીસે ખોડા રબારીએ આપેલી ફરિયાદના આધારે બે અજાણ્યા યુવકો સામે ગુનો દાખલ કર્યો છે. પીઆઈ આર.એલ. ખટાણાએ હુમલાખોરોને ઝડપી પાડવા ગહન તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
મુંદરાની ૨૬ વર્ષિય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોતઃ મુંદરા ભુજની હોસ્પિટલો પર આરોપ