click here to go to advertiser's link
Visitors :  
14-Dec-2025, Sunday
Home -> Nakhatrana -> Nakhtrana Farmer assaulted by three unkown assailants Doubts over old partner
Wednesday, 06-Nov-2024 - Nakhtrana 41110 views
નખત્રાણામાં વાડીએ જતાં પટેલ વૃધ્ધને ત્રણ બુકાનીધારીએ પાઈપ ફટકારી પગ ભાંગી નાખ્યો
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણામાં ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ વાડીએ એકલાં જઈ રહેલાં ૬૧ વર્ષિય પટેલ વૃધ્ધ પર પાઈપો વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યો છે. ઘટના અંગે ઈજાગ્રસ્તે ધંધાકીય અદાવતમાં જૂનાં પાર્ટનરે ભાડૂતી મારાઓ મારફતે હુમલો કરાવ્યો હોવાની આશંકા દર્શાવતાં ચકચાર મચી ગઈ છે.

નખત્રાણાના કૈલાસનગરમાં રહેતા પરસોત્તમ પ્રેમજીભાઈ નાથાણી (પટેલ) ૨૭ ઓક્ટોબરે તેમની અલ્ટો કાર લઈ કોટડાથી ખાંભલા રોડ પર આવેલી વાડીએ જતાં હતાં. ત્યારે, રસ્તામાં બ્લેક સ્કોર્પિયો અને સફેદ અલ્ટો કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ ફિલ્મી ઢબે રોડ પર તેમને આંતરીને હુમલો કર્યો હતો. એક જણાએ તેમને ગાડીમાંથી બહાર ખેંચી કાઢીને તેમને ઝકડી રાખ્યાં હતા અને બાકીના બે જણે તેમના પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં તેમના જમણા પગે ફ્રેક્ચર સહિત વિવિધ અંગોમાં મુઢ ઈજાઓ થઈ છે. ત્રણે જણે બુકાની પહેરેલી હતી.

જૂના ધંધાકીય ભાગીદારે હુમલો કરાવ્યાની આશંકા

બનાવ અંગે પરસોત્તમભાઈએ તેમના જૂના ધંધાકીય પાર્ટનર જગદીશ લાલજી વાડીયા (રહે. દેવકીનગર, નખત્રાણા)એ હુમલો કરાવ્યો હોવાની શંકા દર્શાવી છે. પરસોત્તમભાઈએ પોલીસને જણાવ્યું કે જગદીશ તેમનો મિત્ર હતો અને ત્રણ વર્ષ અગાઉ તેમણે ભાગીદારીમાં નખત્રાણામાં જે.પી. મોલ શરૂ કરેલો. પાછળથી મનદુઃખ સર્જાતાં તેમણે જગદીશ પાસે માસિક ૭૦ હજાર રૂપિયાના ભાડે દસ વર્ષ સુધી મોલ ચલાવવાનો ભાડા કરાર કરવાનું નક્કી કરેલું.

છ મહિના બાદ જ્યારે કરાર પર સહી કરવાનો વખત આવ્યો ત્યારે જગદીશે વધુ એક લાખ રૂપિયાની માંગણી કરતાં બેઉ વચ્ચે બોલાચાલી થયેલી. છેવટે મોલની ચાવી જગદીશને સુપ્રત કરી પોતે સંપૂર્ણપણે ખસી ગયેલાં.

આ બાબતની અદાવત રાખીને જગદીશ અને તેના પુત્ર હિતેષે હુમલો કરવા માણસો મોકલ્યાં હોવાની શંકા દર્શાવી છે. ગુનાની તપાસ કરી રહેલાં પીએસઆઈ આર.ડી. બેગડીયાએ જણાવ્યું કે કૉલ ડિટેઈલ્સ સહિતના પૂરાવાઓ મેળવી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા અમારી ગહન તપાસ ચાલી રહી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ બે લબરમૂછિયાએ દેશી કટ્ટાથી ગોળી ધરબી, છરી ઝીંકી સાથી મજૂરની હત્યા કરી
 
કચ્છની સૌથી મોટી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બરના તમામ ૨૫ સભ્યો બિનહરીફ જાહેર
 
આહીરપટ્ટીમાં ખનિજ માફિયાની અજાણી કારે ટાસ્ક ફોર્સની રેકી કરીઃ પડકારતાં ચાલક ફરાર