નખત્રાણાઃ સમૂહલગ્નમાં પોલીસ અને હજારોની ભીડ સામે સ્ટેજ પર મહંતની હત્યાનો પ્રયાસ
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પશ્ચિમ કચ્છ ગુરુ ગરવા સમાજ દ્વારા નખત્રાણાના નાગલપર ફાટક પાસે આયોજીત ૧૮મા સમૂહલગ્ન પ્રસંગમાં પધારેલાં સમાજના મહંત પર પોલીસ અને હજારો લોકોની મેદની વચ્ચે સાત જણે હિંસક હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે.
Video :
આરોપીઓમાં સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના રમણિક શાંતિલાલ ગરવા કે જે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે તે અને તેના અન્ય છ સાગરીતોના નામ લખાવાયાં છે.
નખત્રાણા પોલીસે પૂર્વઆયોજીત કાવતરું ઘડીને ગેરકાયદે મંડળી બનાવીને મહંત પર હુમલો કરી, હત્યાનો પ્રયાસ કર્યાની કલમો તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.
હજારોની મેદની અને પોલીસની હાજરીમાં થયો હુમલો
ફરિયાદી મહંતે જણાવ્યું કે સમાજના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોએ સમૂહલગ્નમાં પધારી આશીર્વાદ આપવા આમંત્રણ આપેલું. જેને અનુલક્ષીને આજે બપોરે બાર વાગ્યે તેઓ સાથી સંતો અને સેવકો સાથે સમૂહલગ્નમાં હાજરી આપવા ગયાં હતાં. આગેવાનોએ તેમને સ્ટેજ પર સ્થાન આપેલું.
હોદ્દેદારોનું સન્માન થતું હતું અને જ્યારે તેમનું સન્માન કરવાની જાહેરાત થઈ ત્યારે તેઓ ઊભાં થયેલાં. સમાજે તેમને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું તે જ સમયે અચાનક રમણિક ગરવા ધસી આવ્યો હતો અને વાળ ખેંચી, ગળું પકડી, નીચે પાડીને તેમના પર સીધો હુમલો કર્યો હતો.
મંગળ પ્રસંગે સમાજના મહંત પર, સ્ટેજ પર, પોલીસ અને સેંકડો લોકોની હાજરીમાં એકાએક હુમલો થતાં ભારે ઉત્તેજના છવાઈ ગઈ હતી. રમણિકે મોમેન્ટો મહંતના માથામાં ફટકારી, ભૂંડી ગાળો બોલીને ‘આજે તો તને પૂરો જ કરી દેવો છે’ કહીને હત્યા કરવાના હેતુથી બે હાથથી મહંતનું ગળું દબાવી દીધેલું.
સ્ટેજ પર હાજર સમાજના આગેવાનો અને પોલીસ જવાનોએ દોડી જઈને તેમને બચાવ્યાં હતાં. આ સમયે રમણિકનું ઉપરાણું લઈને તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યાં હતા. તેમણે ગાળો ભાંડીને મહંત તથા આગેવાનો જોડે ઝપાઝપી કરી હતી.
વિશાલ ગરવા નામના શખ્સે સ્ટેજ પર ધસી જઈને ઝપાઝપી કરી હતી. હોબાળો મચી જતાં સાતે જણ સ્કોડા કારમાં બેસી સ્થળ પરથી જતાં રહ્યાં હતાં.
જાણો કોની કોની સામે ગુનો દાખલ થયો
ભુજ નજીક કુકમા ગામે ત્રિકમ સાહેબના આશ્રમના મહંત તરીકે કામ કરતાં અને આશ્રમમાં રહેતા ગુરુ ગરવા સમાજના મહંત ૫૨ વર્ષિય રામગીરી ગુરુ મહેન્દ્રગીરી મહારાજે પોતાની હત્યાનો પ્રયાસ કરવા સબબ રમણિક ગરવા તથા તેના સાગરીતો વિશાલ રવિલાલ ગરવા (રહે. મિરજાપર, ભુજ), દીપક તુલસી ગરવા (રહે. અંગિયા, નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (રહે. મથલ, નખત્રાણા), ભદ્રેશ ભવાનભાઈ ગરવા (રહે. માધાપર, ભુજ), ધવલ હિરાભાઈ દવે (રહે. નખત્રાણા) અને ભરતભાઈ પુંજાભાઈ ગરવા (રહે. નખત્રાણા) સામે આજે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જાણ કરવા છતાં બેજવાબદાર પોલીસે કોઈ એક્શન ના લીધાં
મહંતે ફરિયાદમાં જણાવ્યું કે એકાદ વર્ષ અગાઉ રમણિકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને તે અન્વયે તેની સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમૂહલગ્નમાં વિઘ્ન ઊભું કરવા રમણિક ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા તથા તેમના સાગરીતો વોટસએપ ગૃપોમાં ભડકાઉ લખાણ લખીને, સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન ઝઘડો કરવાના હેતુથી ખુલ્લેઆમ ધાક ધમકીઓ આપી રહ્યાં હોવાની રજૂઆત સાથે સમાજના હોદ્દેદારોએ ચાર દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ SP, નખત્રાણા DySP અને નખત્રાણા PIને લેખીત રજૂઆત કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે તે જોવા વિનંતી કરી હતી.
પોલીસને આગોતરી જાણ કરવા છતાં જે લોકો પર શંકા દર્શાવાયેલી તેમના દ્વારા થયેલો આ હુમલો સ્પષ્ટ રીતે જ એસપી અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની ઘોર બેદરકારી છતી કરે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ માંડવીના બિદડામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પિતાએ પોતાના પર હિંસક હુમલો થવાની દહેશત સાથે કોડાય પોલીસ મથકે લેખીત અને મૌખિક રજૂઆતો કરેલી છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહોતી. અંતે વૃધ્ધે વ્યક્ત કરેલી દહેશત સાચી પડેલી અને તેમના પર ધોકાથી હુમલો કરાઈને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે, આ પ્રકારના બનાવોમાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ‘જવાબદાર પોલીસ અધિકારીઓની બેજવાબદારી’ નક્કી કરી એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું.