click here to go to advertiser's link
Visitors :  
15-Oct-2026, Thursday
Home -> Bhuj -> First General Board Meeting Exposes Widespread Corruption in Bhuj Civic Bodys Six-Month Tenure
Thursday, 15-Oct-2026 - Bhuj 1075 views
ભુજ પાલિકાના નવા શાસકોએ છ મહિના બેમોંઢે ‘ખાધા’ જ કર્યું! સા.સભામાં ખુલી પોલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સુશાસનના દાવા સાથે ભુજ નગરપાલિકાના નવા ચૂંટાયેલાં શાસકોએ છેલ્લાં પાંચ મહિનાના ગાળા દરમિયાન કોઈ જ શેહશરમ વગર બેમોંઢે ‘ખાવા’નું શરૂ કરી દીધું હોય તેમ જણાય છે. આજે યોજાયેલી પહેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે પાલિકાના શાસકો પર ભ્રષ્ટાચારના જે આરોપ કર્યાં છે, જે વિગતો આપી છે તે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠશે.

♦કોંગ્રેસના નગર સેવક કિશોરદાન ગઢવીએ જણાવ્યું કે ભુજમાં મુખ્યમંત્રી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા નગરપાલિકાએ છકડાઓ દોડાવેલાં. આ છકડાઓના ભાડા પેટે ચોપડે ૧.૨૭ લાખના બિલ ફાડવામાં આવ્યાં છે!

♦ભુજ પાલિકા સંચાલિત બોરવેલની મોટરોના રિપેરીંગ  પાછળ છેલ્લાં ચાર માસમાં ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે. એક બોરની મોટર પાછળ સરેરાશ ૬ લાખ ખર્ચ થયો છે. આ ગણતરી લેખે પાલિકાના ૯ બોરની મોટરોના રિપેરીંગ પાછળ વર્ષે ૫૪ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. હકીકતે નવી મોટર ખરીદાય તો તેનો ખર્ચ સવા લાખથી દોઢ લાખ થાય છે!

♦ખાતર પર દિવેલની જેમ હવે નગર પાલિકાએ ૧.૨૧ કરોડના ખર્ચે નવા ૮ બોર બનાવવાનું આયોજન કર્યું છે. ગઢવીએ કહ્યું કે હું પોતે ખેડૂતનો દીકરો છું, એક બોર બનાવવા પાછળ કઈ રીતે સરેરાશ ૧૫ લાખનો ખર્ચ થાય છે તે જ સૌની સમજણ બહાર છે!

♦રામધૂનથી મહાદેવ નાકા સુધી બ્યૂટીફિકેશનના નામે સવા કરોડનો અંદાજ લગાડાયો છે. ખરેખર આટલી ટૂંકી જગ્યામાં કઈ રીતે સવા કરોડનો ધુમાડો થશે તે શહેરીજનોને સમજાવવું જોઈએ

♦પાલિકાએ ૩૦ લાખના ખર્ચે નાલા સફાઈનો જેને કોન્ટ્રાક્ટ આપેલો તેની પાસે હાઉસ કીપીંગનો અનુભવ હતો! હાઉસ કીપીંગ અને નાલા સફાઈની કામગીરીમાં ઘોડા ગધેડાનો ફરક હોય છે

♦પાણીનો વેડફાટ કરનારાં લોકો કે ગેરકાયદે કનેક્શન લેનારાં લોકો સામે દંડની જોગવાઈ આવકાર્ય છે. પરંતુ, આ પાલિકા પાણી વેરાના નામે આખા વર્ષના પૈસા ઉઘરાવે છે અને બદલામાં ઘણીવાર અઠવાડિયે કેવળ એકવાર પાણી આપે છે. આખા વર્ષમાં સરેરાશ ૮૦-૯૦ દિવસ જ પાણી અપાય છે. ત્યારે, જનતા પાસેથી પાલિકાએ જેટલું પાણી પહોંચાડ્યું તેટલો જ વેરો લેવો જોઈએ

♦વૉક વેના પેઈન્ટિંગ પાછળ ૩૭.૫૦ લાખનો ધુમાડો કરાયો છે. તેનું ટેન્ડર પણ બહાર પડ્યું હતું કે કેમ તે સવાલ છે. કચ્છના પેઈન્ટરો માથું ખંજવાળે છે

♦પાણીની મોટરોના રિપેરીંગના ખર્ચા જેવો ભ્રષ્ટાચાર ગટર રિપેરીંગ પાછળ થયો છે. ગઢવીએ આરોપ કર્યો કે ગટર રિપેરીંગ પાછળ ૯ કરોડનો ખર્ચ કરાયો છે!

♦લખલૂટ ભ્રષ્ટાચાર કરતી નગર પાલિકા વર્ષો જૂનાં સંનિષ્ઠ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપતી નથી. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસ સરકાર અને મનમોહનસિંઘ વડા પ્રધાન હતા ત્યારે તેમણે આ પગાર પંચ મંજૂર કરેલું. નારાજ કર્મચારીઓએ કૉર્ટમાં ગયા ત્યારે કૉર્ટના હુકમથી તેમને પગાર પંચનો લાભ આપવાનું નક્કી થયું. પણ હવે આ જ પાલિકાના સત્તાધીશો એરિયર્સ ચૂકવવાના પૈસા ના હોવાના દાવા કરે છે

♦નિયમ મુજબ દર ત્રણ મહિને પાલિકાની સામાન્ય સભા બોલાવવી ફરજિયાત છે. પરંતુ આજની આ સામાન્ય સભા ચૂંટણી પરિણામ આવ્યાના સાડા પાંચ મહિને યોજાઈ. છેલ્લે ફેબ્રુઆરી માસમાં સામાન્ય સભા યોજાયેલી! મતલબ કે સત્તાના કેફમાં અંધ શાસકોને કોઈ નીતિ નિયમોની પરવા નથી

♦સામાન્ય સભામાં ભુજવાસીઓના હિતો અને સમસ્યાઓ અંગે કશી જ ચર્ચા કર્યાં વગર સત્તાધીશોએ કેવળ ઠરાવો જ રજૂ કર્યાં. ઉતાવળમાં તેઓ નિયમ મુજબ બહાલી મેળવવાનું પણ ચૂકી ગયાં! એટલે કે સમગ્ર કાર્યવાહી અર્થહિન બની રહી. ફરી સામાન્ય સભા બોલાવવા કોંગ્રેસે રજૂઆત કરી છે. આ મામલે કાયદેસર કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે

♦દબાણો હટાવવાના નામે શહેરના વિવિધ વિસ્તારોમાંથી લારી ગલ્લા હટાવાયાં. ગરીબો માટે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા જ નથી. પચાસ ટકાથી વધુ ગરીબ લારી ગલ્લાંવાળા નિસાસો નાખતાં ઘેરબેઠાં છે. શ્રાવણ વીતી ગયો અને હવે દિવાળી નજીક છે. આ ગરીબ પરિવારો માટે બે ટંકનો રોટલો કાઢવો અઘરો થઈ ગયો છે. ખુદ પાલિકા સ્વિકારે છે કે શહેરમાં ૭ હજાર રેંકડીધારકો છે.

ભુજના ઈન્દિરાબાઈ પાર્કથી લઈ જ્યુબિલી સર્કલ સુધીના માર્ગનું ‘ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી’ નામકરણ કરવાના ઠરાવને બહાલી અપાઈ છે. જો  કે, ઠરાવમાં ‘શ્યામાપ્રસાદ  મુખરજી સ્વતંત્રતા ચળવળમાં ભારત છોડો ચળવળના વિરોધ માટે જાણીતા હતા’ તેમ લખ્યું છે! ગઢવીએ કટાક્ષ કર્યો કે ભાજપના લોકો પોતે પણ માને છે કે તેમના રાજકીય પૂર્વજ ભારતની આઝાદીની લડાઈમાં ભારતની જનતા સાથે રહ્યાં નહોતા!

♦સરકારી યોજનાઓની વાહ-વાહી કરવા માટે હવે પાલિકા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સરની નિમણૂક કરશે

♦ચૂંટાયેલા શાસકોના બેફામ ભ્રષ્ટાચાર સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ અવાજ ઉઠાવે છે પરંતુ શાસકો જવાબ આપ્યા વગર ભારત માતા કી જય બોલીને સભાખંડમાંથી ભાગી જાય છે. એકપણ નાગરિક સંસ્થા નથી કે જે ભુજના વિકાસ અને હિત અંગે અવાજ ઉઠાવે. જે અમુક કહેવાતી સંસ્થાઓ ચોપડા પર ચાલે છે તેને કેવળ હોદ્દાઓની લ્હાણી કરીને વખતોવખત પ્રેસનોટ ફોટા આપવામાં રસ છે

Share it on
   

Recent News  
પોલીસે જપ્ત કરેલો સોનાનો ઢાળિયો ખોવાયો! સોનાની રકમ ભરપાઈ કરવી જ પડેઃ હાઈકૉર્ટ
 
અંજારના બે દાયકા જૂનાં ચકચારી રેડિયો બ્લાસ્ટ કેસમાં ‘જમ જેવા જમાઈ’ને જનમટીપ
 
મિત્રતા નિભાવવા હત્યા કેસની જુબાનીમાંથી બે મિત્ર ફરી ગયાં: બેઉને ૩ માસની કેદ