|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા) ગામે ગત મધરાતે ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડો પાડીને ૬૨.૯૫ લાખનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જંગી જથ્થો જપ્ત કરતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા, બેદરકારી કે મિલિભગત જે ગણો તે પરંતુ આ દરોડાએ આડેસર અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરોની ‘દિવાળી’ બગાડી નાખી છે. પૂર્વ કચ્છ SP સાગર બાગમારે બેઉની બદલી કરી દીધી છે. SMCના PSI કે.ડી. રવિયાએ જણાવ્યું કે ભીમાસરમાં રહેતો હરદેવસિંહ દિલુભા જાડેજા તેના ભાઈ રામદેવસિંહ સાથે મળીને ઈંગ્લિશનો મોટાપાયે ધંધો કરતો હોવાની બાતમી મળેલી. દારૂ બિયરનો મોટો જથ્થો નજીકના ખંડેર જેવા મકાન અને શટરવાળી દુકાનમાં રાખ્યો હોવાની પાક્કી બાતમી મળેલી.
જેથી તેમણે પંચોને સાથે રાખીને સૌપ્રથમ હરદેવના ઘેર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને હરદેવ નાસી ગયો હતો પરંતુ રામદેવ ઝડપાઈ ગયો હતો.
રામદેવને દારૂનો જથ્થો ક્યાં રાખ્યો છે તેમ પૂછતાં તે પોલીસને પિતરાઈ ભાઈ પૃથ્વીરાજસિંહ (રહે. આધોઈ, ભચાઉ)ની માલિકીના ખંડેર જેવા રહેણાક મકાન અને દુકાને લઈ ગયેલો.
દારૂનો મોટો જથ્થો હોઈ SMC ત્રણ બોલેરો પિકઅપ અને એક મીની લોડીંગ ટેમ્પો (છોટા હાથી)માં દારૂની પેટીઓ ભરાવીને આડેસર પોલીસ મથકે લઈ આવેલી. ગણતરી કરતાં ૬૦૪ પેટીમાં રહેલી દારૂ બિયરની ૨૩ હજાર ૭૨૯ નંગ બાટલીઓ અને ટીન થયાં હતા. જેની કિંમત ૬૨.૯૫ લાખ થાય છે.
SMCએ રામદેવની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે મુંબઈ રહેતો મૂળ વાગડનો જ એક પટેલ શખ્સ ઠેકા પરથી દારૂ લઈને તેમને મોકલાવે છે. આ બધો કારોબાર હરદેવ સંભાળે છે. પોતે કેવળ ગ્રાહકોને છૂટકમાં માલ વેચે છે. પૃથ્વીરાજ તેમનો પિતરાઈ ભાઈ છે, તેનું મકાન અને દુકાન નજીવા ભાડે રાખીને તેમાં માલ સંઘરતા હતા.
રામદેવ અને હરદેવ બંને લિસ્ટેડ બૂટલેગર છે.
રામદેવ સામે ગાંધીધામ બી ડિવિઝન, આડેસર અને બનાસકાંઠાના ભીલડી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂબંધીને લગતાં પાંચ ગુના જ્યારે હરદેવ સામે આડેસર પોલીસ મથકે દારૂબંધીને લગતાં ચાર ગુના નોંધાયેલાં છે.
LCB અને આડેસર પીઆઈની દિવાળી ‘બગડી’
બંને ભાઈ લાંબા સમયથી બિન્ધાસ્ત રીતે દારૂનો ધંધો કરતાં હોવા છતાં સ્થાનિક પોલીસને કશી ખબર નહોતી! SMCની રેઈડના પગલે પૂર્વ કચ્છ એસપીએ આડેસરના પીઆઈ જે.બી. આચાર્યની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં અને LCB પીઆઈ જે.એમ. વાળાની ગાંધીધામ બી ડિવિઝનમાં બદલી કરી દીધી છે.
Share it on
|