|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે સોશિયલ મીડિયા પર જાળ ફેલાવી બેઠેલી ભુજની ઠગ ટોળકીએ મુંબઈના યુવક સાથે ૧૨.૧૭ લાખની ઠગાઈ કરી છે. નકલી નામ ધારણ કરનારાં ઠગોએ જૂની મોડસ ઓપરેન્ડીથી જૂન ૨૦૨૩થી ટુકડે ટુકડે રૂપિયા મેળવી ઠગાઈ કરી છે. મુંબઈ કાંદિવલી વેસ્ટમાં રહેતો ૩૧ વર્ષિય જય વ્યાસ જૂન ૨૦૨૩માં ફેસબૂકની પોસ્ટ મારફતે જાળમાં ફસાયો હતો. ફેસબૂક પર રાજીવ જોશી નામના શખ્સે બજાર કરતાં ૧૫ ટકા ઓછાં ભાવે ગોલ્ડ મળવાના સંદેશ સાથે ગોલ્ડ બિસ્કીટોની તસવીર સાથેનો સંદેશ પોસ્ટ કરેલો. ફરિયાદીએ ફેસબૂક મેસેન્જર મારફતે તેનો સંપર્ક કરતાં તેણે નીતિન પટેલ નામના શખ્સનો નંબર આપેલો.
રૂપિયા લઈને વધુ સોનુ ખરીદવા દુરાગ્રહ
ફરિયાદીએ શરૂઆતમાં ૩ લાખમાં ૫૦ ગ્રામ ગોલ્ડ લેવાનું નક્કી કરેલું. ઠગોએ તેને એડવાન્સ એક લાખ આપવા જણાવી બાકીનું પેમેન્ટ મુંબઈમાં માલ મળી જાય ત્યારે આપી દેજો તેમ કહેલું. ફરિયાદીએ ઓનલાઈન એક લાખનું પેમેન્ટ કર્યાં બાદ નીતિને તેના કથિત પુત્ર નિકુંજ પટેલને રૂબરૂ મુંબઈ મોકલેલો. નિકુંજે બાકીના બે લાખ રૂપિયા મેળવીને કહેલું કે ‘તમારે પાંચ લાખમાં ૧૦૦ ગ્રામ ગોલ્ડ જ લેવું પડશે અને તે માટે રૂબરૂ ભુજ આવવું પડશે. તમે રૂપિયા મોકલતાં રહેજો અને રૂપિયા પૂરાં થાય એટલે ભુજ આવી ગોલ્ડ લઈ જજો’
ચેકીંગના નામે પરત મુંબઈ મોકલી દીધો
ઠગોના ભરોસે ફરિયાદીએ વધુ રુપિયા મોકલેલાં. બાદમાં ભુજ આવેલો. જાવેદ સમા નામનો શખ્સ બાઈક પર તેને રેલવે સ્ટેશનથી હોટેલ પર લઈ ગયેલો. થોડીકવાર બાદ સ્વિફ્ટ કાર લઈ નિકુંજ અને જાવેદ આવેલાં. બેઉ જણે ફરિયાદી પાસેથી બાકીના ૧.૪૦ લાખ રૂપિયા લઈ લીધેલાં અને ‘હાલ પોલીસ ચેકિંગ ચાલુ છે, તમે બસથી અમદાવાદ પહોંચો, અમે તમારી પાછળ પાછળ જ આવીએ છીએ અને અમદાવાદમાં તમને માલ આપી દઈશું, તમારું લાઈવ લોકેશન ચાલુ રાખજો’ કહીને અમદાવાદ જતી એસટી બસમાં બેસાડી દીધેલો. અમદાવાદ પહોંચ્યા બાદ પોલીસ ચેકીંગનું બહાનું કરીને ઠગોએ તેને મુંબઈ આવી માલ આપી જઈશું કહીને પરત મુંબઈ મોકલી દીધેલો.
મુંબઈ જઈ બે નકલી બિસ્કીટ આપી આવ્યાં
૧૦૦ ગ્રામ ગોલ્ડના સોદા પેટે પૂરેપૂરાં પાંચ લાખ ચૂકવ્યાં બાદ ઠગોએ તેને ૨૦૦ ગ્રામ ગોલ્ડ લેવું પડશે તેમ જણાવી જો ૨૦૦ ગ્રામ ગોલ્ડ ના ખરીદો તો અગાઉના પૈસા પાછાં નહીં મળે તેમ કહી વધુ રુપિયા આપવા મજબૂર કરેલો. ફરિયાદીએ ૨૦૦ ગ્રામ ગોલ્ડ પેટે નાણાં ચૂકવ્યાં બાદ નિકુંજ પટેલ મુંબઈ આવી તેને ૧૦૦- ૧૦૦ ગ્રામ ગોલ્ડના બે બિસ્કીટ આપી ગયેલો. ફરિયાદીએ તે ચેક કરાવતાં તે નકલી નીકળેલાં. ફરિયાદીએ તેમને વાત કરતાં ઠગોએ એમ કહી ભરમાવેલો કે ‘એ તો અમે તમને માપતાં હતા કે પોલીસ પાસે જાવ છો કે નહીં, ચિંતા ના કરો માલ મળી જશે’
સોગંદનામું કરાવી ૧.૬૮ લાખ પરત આપ્યાં
ઠગ ટોળકીએ તેને ૧૦૦- ૧૦૦ ગ્રામ ગોલ્ડના વધુ બે બિસ્કીટ ખરીદવા ફરજ પાડેલી. નિકુંજ અને ફિરોઝ શેખ નામનો શખ્સ મુંબઈ જઈ અવારનવાર ફરિયાદી પાસેથી રૂબરૂ રૂપિયા લઈ આવેલાં. ફરિયાદીએ ઠગોને ટુકડે ટુકડે ૧૩.૮૫ લાખ રૂપિયા આપ્યાં હતા. ઠગોએ અગાઉની જેમ તેને ગોલ્ડની ડિલિવરી માટે ભુજ બોલાવી ગાંધીધામ મોકલેલો અને ત્યાંથી તે પરત મુંબઈ જતો રહેલો. ગોલ્ડ અને રૂપિયા પરત ના મળતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરતાં ઠગોએ ગત જૂલાઈ માસમાં સોગંદનામું કરાવીને ૧.૬૮ લાખ પરત આપ્યાં હતા.
પોલીસે પાંચે ચીટરોને ઝડપી પાડ્યાં
પોલીસની તપાસમાં ત્રણ જણે નકલી નામ ધારણ કરીને ફરિયાદીને ફસાવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. રાજીવ જોશી નામ ધારણ કરનારો ચીટર ભુજનો આફતાબ અનવર સોઢા, નીતિન પટેલ બનનારો શખ્સ મુસ્તાક ઈસ્માઈલ ફકીર (બંને રહે. રહિમનગર), નિકુંજ પટેલ બનનારો શખ્સ અશર્રફ અહમદ વર્યા (રહે. સંજોગનગર), જાવેદ મામદ સમા (રહે. કંજલીનગર, ખારી નદી રોડ) અને ફિરોઝ શેખ (રહિમનગર) હોવાનું સ્પષ્ટ થયું છે. ભુજ બી ડિવિઝન પોલીસે ગુનાહિત ષડયંત્ર રચી, ૧૨.૧૭ લાખની ઠગાઈ કરવા સબબ ગુનો નોંધી પાંચેની અટક કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. ગુનાની તપાસ પો.સ.ઈ. એમ.એચ. પટેલ કરી રહ્યાં છે.
Share it on
|