|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના કોટડા જડોદર ગામે રહેતા ૫૮ વર્ષિય આધેડે વ્યાજખોર મિત્રની ધાક-ધમકીથી ડરી જઈને એસિડ પી આપઘાત કરી લીધો છે. બનાવ અંગે નખત્રાણા પોલીસે ભુજ તાલુકાના ખેંગારપર ગામે રહેતા માવજીભાઈ જાદવ સામે વ્યાજખોરી, આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. મરણ જનાર દેવજીભાઈ રામજીભાઈ બુચિયા એક વર્ષ અગાઉ કબરાઉ મોગલધામના દર્શને ગયેલા ત્યારે માવજી જાદવ સાથે પરિચય થયેલો. પરિચય મિત્રતામાં કેળવાયેલો. થોડાંક માસ અગાઉ ઘરમાં માંદગી આવતા દેવજીભાઈએ માવજી પાસેથી ટુકડે ટુકડે એક લાખ રૂપિયા ઉધાર મેળવ્યાં હતા. ત્યારબાદ માવજીએ દેવજીભાઈ પાસે ચાર લાખ રૂપિયા માગવાનું શરૂ કરેલું.
એક લાખ સામે ચાર લાખની ઉઘરાણી શરૂ થતાં દેવજીભાઈ ભારે ચિંતામાં મૂકાઈ ગયેલાં.
પંદર વીસ દિવસ અગાઉ માવજીએ દેવજીભાઈને ફોન કરીને હબાયની સીમમાં આવેલી તેની વાડીએ બોલાવેલા. દેવજીભાઈ તેમના પત્ની સાથે તેને મળવા ગયેલાં ત્યારે ત્યાં અગાઉથી બે કિન્નરો હાજર હતા.
માવજીએ કિન્નરો પાસે દેવજીને માર ખવડાવીને ચાર લાખ રૂપિયા આપવા જ પડશે તેવું દબાણ કરેલું.
આ ઘટના બાદ માવજી અને બેઉ કિન્નરો અવારનવાર ફોન કરીને દેવજીભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં હતા. આ ટેન્શનમાં ને ટેન્શનમાં દેવજીભાઈ બુધવારે મધરાતે એસિડ પી લીધું હતું. ગંભીર આંતરિક ઈજાથી દેવજીભાઈનું થોડાંક કલાકોની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે દેવજીભાઈના પુત્ર શિવજીએ નખત્રાણા પોલીસ મથકે માવજી જાદવ અને બે અજાણ્યા કિન્નરો વિરુધ્ધ પઠાણી ઉઘરાણી, વ્યાજખોરી, મરવા મજબૂર કરવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|