કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા રહેતા વ્યાજખોરે ૧૦ ટકા વ્યાજે આપેલા ૭ લાખ રૂપિયા સામે બે વર્ષ દરમિયાન ૨૦ લાખ રૂપિયા વસૂલ્યાં છતાં પઠાણી ઉઘરાણી અને ધાક ધમકી કરતો હોવાનો બનાવ બહાર આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે અરજી અંગે તપાસ કરીને નખત્રાણા પોલીસ મથકે બળવંતસિંહ સોઢા (રહે. ઉમિયા કૃપા નગર, નખત્રાણા મૂળ રહે. ખાનાય, અબડાસા) વિરુધ્ધ અરજદારની ફરિયાદ નોંધાવડાવી છે. નખત્રાણાના દેવકીનગરમાં રહેતા ૩૭ વર્ષિય ગૌતમ શામજીભાઈ પટેલને બે વર્ષ અગાઉ એકાએક આર્થિક જરૂરિયાત ઊભી થતાં મિત્રની ઓળખાણ મારફતે બળવંત સોઢા પાસેથી ૧૦ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા મેળવેલાં. બળવંતે તે અંગે લખાણ કરાવેલું અને બાંહેધરી પેટે બે કોરાં ચેક મેળવી લીધેલાં.
વ્યાજ ચૂકવવામાં વિલંબ થાય તો ડબલ વ્યાજ ભરવાનું
ગૌતમ દર મહિને ૫૦ હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવતો હતો. જો વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો બળવંત પેનલ્ટી લગાડીને ડબલ વ્યાજ વસૂલતો. ફરિયાદી વ્યાજના બે હપ્તા ચૂકવી ના શકતાં બળવંતે વ્યાજ અને પેનલ્ટી પેટે બે લાખ રૂપિયા માગેલા.
ફરિયાદીએ તે નાણાં ચૂકવવા માટે બળવંત પાસેથી જ નછૂટકે ફરી ૧૦ ટકા વ્યાજે વધુ બે લાખ રૂપિયા મેળવેલાં.
કૌટુંબિક ભાઈની ટ્રાન્સપોર્ટ ઑફિસમાં ખાનગી નોકરી કરતા ફરિયાદીએ જેમ તેમ કરીને તેને ૭ લાખ સામે વ્યાજ અને મુદ્દલ પેટે ૨૦ લાખ રૂપિયા વિવિધ રીતે ચૂકવી આપ્યાં છે. છતાં બળવંતના વ્યાજનું મીટર હજુ ફરતું જ રહ્યું છે.
કારમાં ઉપાડી જઈ માર્યો, ઘર લખી આપવા ધમકી
ફરિયાદી ગૌતમે બળવંતને રૂપિયા આપવાનું બંધ કરી દેતાં ઉશ્કેરાયેલો બળવંત ૧૫ ઑગસ્ટના રોજ બ્લેક સ્કોર્પિયો લઈને તેના ઘરે આવેલો. ફરિયાદીને કારમાં બેસાડીને તેના વાડે લઈ ગયેલો. કારમાં સ્ટીલનું ધારિયું, છરી, લોખંડની પાઈપો રાખેલી હતી.
બળવંતે ફરિયાદીને છરી બતાડીને ‘મારા રુપિયા કેમ આપતો નથી? આ તારી સગી નહીં થાય’ તેવી ધમકી આપી મુઢ માર મારીને તેનું મકાન લખી આપવા જણાવ્યું હતું.
ફરિયાદી તેને આજીજી કરીને માંડ ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ ભુજમાં એસપીને ઉદ્દેશીને બળવંત સોઢા સામે અરજી આપી હતી અને બળવંતના ડરથી નખત્રાણાના બદલે માધાપરમાં બહેનના ઘરે રોકાવા માટે જતો રહ્યો હતો.
બીકથી ફફડતાં યુવાને આખી રાત પો.સ્ટે.માં વીતાવી
૨૧મી ઑગસ્ટે ફરિયાદી ગૌતમ માધાપરમાં ગાંધી સર્કલ પાસે હતો ત્યારે તેને શોધવા માટે બલેનો કારમાં ફરતાં બળવંતને જોઈ ગયો હતો. બળવંતની બીકથી ફફડતો તે સીધો માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. પરંતુ, માધાપર પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે તેને નખત્રાણા જઈ ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
રાત્રિનો સમય હોઈ તથા બળવંત પોતાની બેનના ઘરે આવીને દાદાગીરી કરશે તેવી બીકમાં ફરિયાદીએ આખી રાત માધાપર પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં જ વીતાવી હતી.
એસપીને આપેલી અરજી સંદર્ભે બીજા દિવસે તેને ભુજમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યો હતો. બળવંતની ધાક ધમકી અને રૂપિયા આપ્યાના પુરાવા વગેરે રજૂ કર્યાં બાદ એલસીબીએ નખત્રાણા પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાવડાવી છે. વ્યાજખોરો સામે સરકાર કડક એક્શન લેતી હોવાના ગૃહ મંત્રીના દાવા સામે વ્યાજખોરો કેવા બેફામ છે અને કેવી રીતે નિર્દોષ લોકોને રંજાડી રહ્યાં છે તેનું આ પ્રમાણ છે. ફરિયાદો દાખલ થવા સાથે સાચા અર્થમાં દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે.
Share it on
|