કચ્છખબરડૉટકોમ, નિરોણાઃ નખત્રાણાના ઓરીરા ગામથી બે દિવસથી ગુમ થયેલાં મામા ફોઈના સંતાનો એવા કિશોર વયની બહેન અને ભાઈના મૃતદેહ બિબર ગામની સીમમાં આવેલ ખારો ધ્રોમાં પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવતા અરેરાટી છવાઈ ગઈ છે. મરણ જનાર ૧૫ વર્ષિય કિશોરી પાયલ કમલેશ કોલી અને તેની ફોઈનો દીકરો વાલજી રમેશ કોલી (ઉ.વ. ૧૯) બેઉ જણ શનિવાર સાંજથી ગુમ થઈ ગયાં હતા. બેઉ જણ માતાના મઢની પદયાત્રાએ નીકળી ગયાં હોવાનું માનીને પરિવારજનો તેમની ચોમેર શોધખોળ કરતા હતા. દરમિયાન, સોમવારે સાંજે ૪ વાગ્યે બિબર ગામની સીમમાં નિરોણા ડેમના ઓગનમાં આવેલી ખારો ધ્રોના પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં બેઉની લાશ મળી આવી હતી. બેઉની લાશને તરત બહાર કાઢી જી.કે. જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ હતી. નિરોણા પોલીસે રાત્રે અકસ્માત મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|