|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા નજીક એક ગોઝારા બનાવમાં બે બાળકો સહિત ૪ જણનાં તત્કાળ મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે. નખત્રાણાથી કોટડા (જ) જવાના માર્ગ પર સંતકૃપા હોટેલ પાછળ આવેલા એક ભંગાર વાડામાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ મામદ ઈલિયાસ કુંભાર (ઉ.વ. ૩૦) અને તેનો સગો નાનો ભાઈ નૂરમામદ ઈલિયાસ કુંભાર (ઉ.વ. ૨૬) મીની લોડીંગ ટેમ્પો (છોટા હાથી)માં ભંગારની ફેરીનો ધંધો કરતા હતા. ગામમાં ફેરી કરીને છોટા હાથીમાં એકઠો કરેલો ભંગાર લઈ સાંજે તેમના વાડા પર આવેલાં.
બેઉ ભાઈ છોટા હાથીમાં રહેલો ભંગાર ખાલી કરતાં હતા ત્યારે અચાનક ગાડીમાં ડીઝલની ટાંકીમાં પ્રચંડ ધડાકો થયો હતો.
આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બંને ભાઈઓ સાથે ગાડી નજીક ઊભેલાં તેમના બે માસૂમ બાળકો હસનેન મામદ કુંભાર (ઉ.વ. ૩) અને નૂર ફાતિમા નૂરમામદ (ઉ.વ. સાડા ૩ વર્ષ)ના તત્કાળ મૃત્યુ નીપજ્યાં હતા.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના પાંચ છ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. વિસ્ફોટમાં મૃતકોના શરીરના ચીંથરા ઊડી ગયાં હતા અને દૂર દૂર જઈને પડ્યાં હતા.
ડીઝલની ટાંકીમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. કચ્છમાં ભૂતકાળમાં ભંગાર વાડાઓમાં લશ્કરના વણફૂટેલાં મોર્ટાર સેલ્સને ટીચવા જતાં આ પ્રકારના પ્રચંડ વિસ્ફોટ સાથે માનવ મૃત્યુ થયેલાં છે. ત્યારે, આ મુદ્દાને પણ વણી લઈને પોલીસે ગહન તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પૂરતી પોલીસ તપાસ બાદ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થશે.
Share it on
|