click here to go to advertiser's link
Visitors :  
22-Aug-2026, Saturday
Home -> Kutch -> Five including four CA Booked for Rs 804.30 Crore Scam via Fraudulent Form 15CB
Saturday, 22-Aug-2026 - Gandhidham 3045 views
ગાંધીધામના ૪ CA અને ૫ વચેટિયાએ ભેગાં મળી સરકારને ૮૦૪.૩૦ કરોડનો ‘ધુંબો’ માર્યો!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની વિવિધ કંપનીઓને ભારત બહાર નાણાં મોકલવા માટે ગાંધીધામના ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ખોટાં પ્રમાણપત્રો ઈસ્યૂ કરતાં આ કંપનીઓએ તેના આધારે સરકાર સાથે ૮૦૪.૩૦ કરોડની છેતરપિંડી કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગે આ છેતરપિંડીમાં સહભાગી થનારાં ૪ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મદદગારી કરનાર ૫ વચેટિયાઓ મળી ૯ જણ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાવતાં ગાંધીધામની વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ગાંધીધામના ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર નિખિલ પાટીદારે ગાંધીધામના CA પુનીલકુમાર અતુલકુમાર દાંડ, નિખિલ અવધેશ મિશ્રા, રાહુલ સાધુ, કરણ અગ્રવાલ તથા વચેટિયા રવીન્દ્ર શિશુપાલ કેલા, પ્રવિણ જૈન, શૈલેન્દ્ર શેહરાવત ઊર્ફે સાહિલભાઈ ઊર્ફ વકીલસાહેબ, આલોક મિત્તલ અને અજય અખાની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો ૩૧૬ (૨), ૩૧૮ (૪), ૩૩૬ (૨) અને (૩), ૩૩૮, ૩૪૦ (૨) અને ૬૧ (૨) હેઠળ ફરિયાદ નોંધાવી છે.

૧૮ ઑગસ્ટે ITએ પાડેલાં દરોડામાં થયો પર્દાફાશ

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંચ દિવસ અગાઉ ૧૮ ઑગસ્ટના રોજ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેઢીઓમાં સર્વે, સર્ચ એન્ડ સીઝરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાઓ દરમિયાન આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની પેઢીઓએ વર્ષ ૨૦૨૧-૨૦૨૨થી ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ગુનાહિત ષડયંત્ર રચીને, આવકવેરા નિયમો હેઠળના ફોર્મ ૧૫ CBના પ્રમાણપત્રોની ખોટી બનાવટ કરી, ખોટાં દસ્તાવેજો બનાવી, તેને ખરા તરીકે આવકવેરા વિભાગમાં રજૂ કરીને વચેટિયાઓ પાસેથી આર્થિક લાભ મેળવવા સારુ કંપનીઓને ૮૦૪.૩૦ કરોડનો આર્થિક લાભ કરાવી સરકાર સાથે ઠગાઈ અને છેતરપિંડી કરી હતી.

વચેટિયાઓ મારફત બારોબાર ફોર્મ ઈસ્યૂ કરેલાં

આઈટી વિભાગે દરોડા દરમિયાન આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે તેમણે નાણાં મોકલનાર સંસ્થાઓના કોઈ હિસાબી ચોપડા/ કરાર કે દસ્તાવેજો ના જોયેલાં છે, ના ચકાસેલાં છે. સંબંધિત પેઢીના વાસ્તવિક ડાયરેક્ટરો કે માલિકોના બદલે માત્ર વચેટિયાઓ સાથે જ વ્યવહાર કરેલો. આ કૌભાંડમાં રવીન્દ્ર શિશુપાલ કેલા (રહે. શક્તિનગર, ગાંધીધામ), પ્રવિણ જૈન, શૈલેન્દ્ર શેહરાવત ઊર્ફે સાહિલભાઈ ઊર્ફ વકીલસાહેબ, આલોક મિત્તલ અને અજયકુમાર અખાની નામના વચેટિયાઓએ મદદગારી કરી હોવાનું સ્પષ્ટ થયું છે. આમ, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને વચેટિયાઓએ પોતાના અંગત આર્થિક લાભ ખાતર ગેરકાયદે પ્રમાણપત્રો ઈસ્યૂ કરીને સરકારી તીજોરીને નુકસાન પહોંચાડ્યું છે.

Share it on
   

Recent News  
અજાપર પાસે બબ્બે પિસ્તોલ સાથે હિંદીભાષી બાઈકસવાર ત્રિપુટીએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી
 
ગાંધીધામઃ ગળેટૂંપો આપીને મીનાક્ષીની તેના બૉયફ્રેન્ડે હત્યા કર્યાનો ઘટસ્ફોટ
 
અ’વાદમાં ૪.૪૫ કરોડની ઠગાઈમાં ભાજપ આગેવાનના પુત્ર સાથે વેવાઈ પરિવારની ધરપકડ